કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ કાળઝાળ થયા સંજય રાઉત, સરકારને કર્યા સવાલો

18 October, 2021 02:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીએ દેશને જણાવવું જોઈએ કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં શું સ્થિતિ છે.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

શિવસેના સાંસદ સંજય રાઉતે કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સતત સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. રાજ્યમાં સ્થિતિ ઘણી ખરાબ છે, અહીં બિહારના લોકો, શીખ અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાનની વાત આવે છે, ત્યારે તમે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરો છો. પછી, તે ચીન માટે પણ થવું જોઈએ. સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીએ દેશને જણાવવું જોઈએ કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં શું સ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં આતંકીઓ દ્વારા બે લોકોની હત્યા કરવામાં આવી હતી. આ લોકો બિહારના રહેવાસી હતા અને ત્યાં કામ કરતા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ લોકોની હત્યા પર ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. આ અંગે તેમણે જમ્મુ -કાશ્મીરના રાજ્યપાલ સાથે ફોન પર ચર્ચા પણ કરી હતી. સીએમ નીતીશ કુમારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા બિહારના રાજા ઋષિદેવ અને યોગેન્દ્રના પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

રાજ્યના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું કહેવું છે કે જ્યારે તેઓ અહીંના ગવર્નર હતા ત્યારે આતંકવાદીઓ શ્રીનગરના 50 કિલોમીટરના દાયરામાં ઘુસવાની હિંમત પણ કરી શકતા ન હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ હત્યાઓની નિંદા કરી છે અને કહ્યું છે કે તેમની પાસે પૂરતા શબ્દો નથી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વીટમાં દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે હું આ હુમલાઓની સખત નિંદા કરું છું અને આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્મા માટે પ્રાર્થના કરું છું.

shiv sena sanjay raut jammu and kashmir