✕

સંજય રાઉતનો આરોપ : વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અલીબાગમાં આદિવાસીઓની જમીન પચાવી પાડી

24 November, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પદ પરથી તાત્કાલિક હટાવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને માગણી કરી : પાયાવિહોણા આક્ષેપ ગણાવીને રાહુલ નાર્વેકરે બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી આપી.

રાહુલ નાર્વેકર અને સંજય રાઉત

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર પર રાયગડ જિલ્લાના અલીબાગમાં આદિવાસી પરિવારોની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂક્યો હતો અને તેમને તાત્કાલિક પદ પરથી હટાવવાની માગણી કરી હતી. જોકે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેતાં રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે તેઓ સંજય રાઉત સામે બદનક્ષીનો દાવો માંડશે.

રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘સંજય રાઉત પોતાનો અંગત હિસાબ ચૂકતે કરવા માગે છે અને પક્ષમાં બળવા બાદ શિવસેના (UBT)ના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાના પોતાના આદેશને કારણે આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.’

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં સંજય રાઉતે આ મામલે તાત્કાલિક અને સ્વતંત્ર તપાસની માગણી કરી હતી. સંજય રાઉતે પત્રમાં જણાવ્યું હતું કે વિસ્થાપિત થયેલા આદિવાસી પરિવારોનું તેમની મૂળ જમીન પર પુનર્વસન થવું જોઈએ અથવા તેમને યોગ્ય વૈકલ્પિક જગ્યા અને વળતર આપવામાં આવવું જોઈએ.

સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાહુલ નાર્વેકર અને પોલીસ તંત્ર આદિવાસીઓને ભગાડવા માટે બળપ્રયોગ કરી રહ્યા છે. જો આ બધું અધ્યક્ષના દબાણ હેઠળ થઈ રહ્યું હોય તો રાહુલ નાર્વેકરને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવા જરૂરી છે. પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. અધિકારીઓએ આદિવાસીઓને ધમકાવીને ‘અમે કોઈ હકનો દાવો નહીં કરીએ’ એવું લખાણ લખાવી લીધું હતું અને કાગળમાં શું લખ્યું છે એ વાંચવા દીધા વિના જ તેમના અંગૂઠાનાં નિશાન લઈ લેવામાં આવ્યાં હતાં.’

sanjay raut rahul narwekar devendra fadnavis political news maharashtra political crisis indian politics alibaug maharashtra news mumbai news news shiv sena