મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદ માટે કૉન્ગ્રેસના સંગ્રામ થોપટે પ્રબળ દાવેદાર

02 July, 2021 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાવિકાસ આઘાડીએ ૫ અને ૬ જુલાઈના વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ૬ જુલાઈના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરના હોદ્દાની ચૂંટણીને લઈને ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મહાવિકાસ આઘાડીએ ૫ અને ૬ જુલાઈના વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ૬ જુલાઈના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે.

રાજ્યના મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાટે ગુરુવારે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જળસંસાધનપ્રધાન જયંત પાટીલ, મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાટ અને વિધાનસભાની બાબતોના પ્રધાન અનિલ પરબની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં બે દિવસના ચોમાસુ સત્રમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો.’

મહાવિકાસ આઘાડીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કૉન્ગ્રેસ પક્ષ વિધાનસભાનું અધ્યક્ષપદ જાળવી રાખશે, જે નાના પટોલેએ મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ બનતાં પહેલાં રાજીનામું આપ્યા બાદ ખાલી પડ્યું હતું.

દરમિયાન ભોર વિધાનસભા બેઠક પરથી કૉન્ગ્રેસના વિધાનસભ્ય સંગ્રામ થોપટે વિધાનસભાના સ્પીકરપદની હોડમાં આગળ હોવાનું મહાવિકાસ આઘાડીનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આદિવાસી વિકાસપ્રધાન કેસી પડવી અને કૉન્ગ્રેસના સિનિયર નેતા પૃથ્વીરાજ ચવાણ પણ આ હોદ્દા માટે સ્પર્ધામાં છે.

mumbai mumbai news indian politics