સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત: વર્ધા નજીક ટ્રક કાર સાથે અથડાતાં છ લોકોના મોત

20 July, 2026 03:07 PM IST  |  Wardha | Gujarati Mid-day Online Correspondent

Samruddhi Expressway accident: વર્ધાના વિરુળ ઇન્ટરચેન્જ નજીક સમૃદ્ધિ એક્સપ્રેસવે પર એક ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી; કારમાં સવાર ચાર લોકો અને ટ્રક ડ્રાઈવર સહિત પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે

તસવીર સૌજન્યઃ એએનઆઇ

સોમવારે સવારે સમૃદ્ધિ એક્સપ્રેસવે (Samruddhi Expressway) પર સર્જાયેલા એક ભયાનક રોડ અકસ્માતમાં (Road Accident) પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભિષણ અકસ્માત

આજે વહેલી સવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના વર્ધા પોલીસ (Wardha Police)ના જણાવ્યા અનુસાર, સોમવારે પુલગાંવ પોલીસ સ્ટેશન (Pulgaon Police Station)ની હદમાં વિરુળ ઇન્ટરચેન્જ (Virul Interchange) નજીક સમૃદ્ધિ એક્સપ્રેસવે પર જબરજસ્ત અકસ્માત (Samruddhi Expressway accident) થયો છે. જેમાં, પાંચ લોકોના મોત અને એકને ઈજા થઈ છે.

અકસ્માતમાં બે વાહનોને લાગી આગ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસવે પર ઈન્ટરચેન્જ IC-80 નજીક ઈથેનોલ ભરેલ એક કન્ટેનર ટ્રક પલટી (Samruddhi Expressway accident) ગયો હતો. આ દરમિયાન બીજી લેન ચાલુ હતી, ત્યારે રસ્તા પર સ્થિર ઊભેલી એક કારને પાછળથી અન્ય એક ટ્રકે ટક્કર મારી હતી, અને આ અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.

પાંચના મોત, એક ઘાયલ

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુંકે, આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મુસાફરો અને ટ્રકના ડ્રાઈવર સહિત તેમાં સવાર લોકો - એમ કુલ પાંચ લોકોના મોત થયા છે.

જ્યારે હાઈવે સેફ્ટી પેટ્રોલ, વર્ધા પોલીસ, ફાયર બ્રિગેડ અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ની ટીમો બચાવ કામગીરી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે, પલટી ગયેલા કન્ટેનરમાં અત્યંત જ્વલનશીલ ઈથેનોલ ભરેલું હોવાથી, તેને સુરક્ષિત રીતે ખસેડતા પહેલાં ખાલી કરવું જરૂરી હતું. જાહેરસુરક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ સાવચેતીપૂર્વક આ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

ટ્રાફિક ડાયવર્ટ કરાયો

મુંબઈ-નાગપુર માર્ગ (Mumbai – Nagpur Highway) પરના વાહનવ્યવહારને સામેની લેન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે પ્રભાવિત વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

પોલીસે નાગપુરથી મુંબઈ તરફ જતા વાહનચાલકોને આગામી થોડા કલાકો માટે વર્ધા સુધી સમૃદ્ધિ એક્સપ્રેસવેનો ઉપયોગ ન કરવા સલાહ આપી હતી. તેમણે લોકોને નાગપુર-અમરાવતી હાઈવે (Nagpur Amravati Highway)નો ઉપયોગ કરવા અને અમરાવતી ગેટ ઈન્ટરચેન્જ દ્વારા ફરીથી એક્સપ્રેસવે પર જોડાવા જણાવ્યું હતું.

અકસ્માત સ્થળને સુરક્ષિત રીતે સાફ કરીને રસ્તો ખુલ્લો કરવા માટેના પ્રયાસો ચાલુ હતા.

અકસ્માતની દુર્ઘટનાની જાણ થતા જ, હાઈવે પોલીસ અને પુલગાંવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરીને એક્સપ્રેસવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે પુલગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તેમજ, વધુ તપાસ ચાલુ છે.

હાઈવે પોલીસના ડેટા અનુસાર, સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ૨૦૨૫ માં ૧૮૫ અકસ્માતો નોંધાયા હતા, જે ૨૦૨૪ ના ૧૩૭ અકસ્માતોના આંકડા કરતાં ૩૫ ટકા વધુ છે.

road accident accident samruddhi expressway wardha maharashtra news maharashtra mumbai mumbai news