27 September, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમીર વાનખેડે
દિલ્હીમાં આ અરજી કરવાનું કારણ શું એવો સવાલ કરીને એમાં સુધારા કરવાનું કહ્યું, નાર્કોટિક્સ બ્યુરોના ઑફિસર સમીર વાનખેડેએ ‘The Ba***ds of Bollywood’ વેબ-સિરીઝના પ્રોડ્યુસર સામે તેમની ઇમેજને હલકી ચીતરીને રજૂ કરવામાં આવી છે એવા આક્ષેપ સાથે બદનક્ષીનો દાવો માંડતી અરજી કરી હતી. એ બાબતે હવે દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ પુરુષેન્દ્ર કૌરવે સમીર વાનખેડેના વકીલને કહ્યું હતું કે ‘દિલ્હીમાં આ અરજી કરવાનું કારણ શું? શું દિલ્હીને કોઈ રીતે એ સ્પર્શે છે? તમે આ અરજી દિલ્હીમાં કેમ કરી એ સ્પષ્ટ કરો. તમારી અરજીમાં એ બદલના સુધારા કરો.’
શાહરુખ ખાન અને ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝે ‘The Ba***ds of Bollywood’ પ્રોડ્યુસ કરી છે. શાહરુખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન આ વેબ-સિરીઝ દ્વારા ડિરેક્ટર બન્યો છે. ‘The Ba***ds of Bollywood’માં તેમની ઇમેજને હલકી ચીતરીને રજૂ કરવામાં આવી છે એવા આક્ષેપ સાથે સમીર વાનખેડેએ બે કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો છે.
બદનક્ષીના આ દાવાની અરજીમાં સમીર વાનખેડેએ આરોપ કરતાં કહ્યું હતું કે ‘મારી ઇમેજને ખરડવા માટે બહુ ગણતરીપૂર્વક અને બદલો લેવાના આશયથી પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે. એને લીધે મને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે જેમાંથી કેટલાકને તો ૧.૩ લાખ જેટલા વ્યુ પણ મળ્યા છે. વેબ-સિરીઝમાં દર્શાવેલું કૅરૅક્ટર મને (સમીર વાનખેડેને) દર્શાવે છે જેમાં ચહેરાના હાવભાવ અને કદ-કાઠી પણ એ મુજબનાં જ છે. બોલવાની લઢણ અને વર્તન પણ મારા જેવું જ છે એટલું જ નહીં, એ પાત્ર પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની વગદાર વ્યક્તિની ધરપકડ કરવાની કાર્યવાહી કરે છે. વળી હું જે રીતે સત્મેવ જયતેનો ઉપયોગ કરું છું એને ધ્યાનમાં રાખીને વેબ-સિરીઝનું કૅરૅક્ટર પણ ‘સત્યમેવ જયતે’ બોલે છે, પણ એ વખતે મેં કરેલી ઍક્શન વાંધાજનક છે.’