શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં લમ્પી વાઇરસમાં મૃત્યુ પામેલી ગાયો અને શહીદ સૈનિકોના આત્મશ્રેયાર્થે અને મોક્ષાર્થે...

25 November, 2022 09:29 AM IST  |  Mumbai | Rohit Parikh

લમ્પી વાઇરસ રોગ મુખ્યત્વે ગાય, ભેંસ અને હરણને અસર કરે છે. દેશભરનાં ૧૫ રાજ્યોમાં આ રોગ ફેલાયો છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમ્યાન ભૂપેન્દ્રભાઈ પંડ્યા (ઇનસેટ)ના પુસ્તકના વિમોચન પ્રસંગે ફામના પ્રમુખ વિનેશભાઈ મહેતા અને એમસીએચઆઇ-ક્રેડાઇ (થાણે)ના પ્રમુખ જિતુભાઈ મહેતા સહિતના મહાનુભાવો.


મુંબઈ ઃ લમ્પી વાઇરસ રોગ મુખ્યત્વે ગાય, ભેંસ અને હરણને અસર કરે છે. દેશભરનાં ૧૫ રાજ્યોમાં આ રોગ ફેલાયો છે. આ રોગની સૌથી મોટી અસર કચ્છ અને રાજસ્થાનની ગાયો અને અન્ય પશુધનને થઈ હતી. સરકારી આંકડા પ્રમાણે અંદાજે ૧૯ લાખ પશુઓ આ રોગની ઝપટમાં આવી ગયાં છે, જેમાંથી એક લાખથી વધુ ગાયો મૃત્યુ પામી છે. આ મૃત્યુ પામેલી ગાયોના મોક્ષાર્થે અને આત્મશ્રેયાર્થે ઘાટકોપર-ઈસ્ટમાં ગયા ગુરુવારથી સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન આયોજિત શ્રી અષ્ટોત્તરશત્ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં એક ગૌસેવકે ભાગવત સપ્તાહમાં પોથી નોંધાવી છે અને બીજા એક ભાવિકે દેશનું રક્ષણ કરતાં-કરતાં શહીદ બનેલા સૈનિકોના આત્મશ્રેયાર્થે પોથીપૂજનનો લાભ લીધો.
આ બન્ને પોથીની મહત્તા વિશે માહિતી આપતાં શ્રી અષ્ટોત્તરશત્ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથાકાર ભૂપેન્દ્ર પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ આપણા પિતૃઓ અને સ્વજનોના આત્મશ્રેયાર્થે કરવી એ એક સામાન્ય વાત છે. જોકે ઘાટકોપરમાં સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રી અષ્ટોત્તરશત્ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં બે પોથીઓ જનમેદની અને ભાવિકો માટે આકર્ષિત બની ગઈ છે. એમાં એક ભાવિક રાજેશ ઠક્કર પરિવારે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં કચ્છ અને દેશનાં અન્ય રાજ્યોમાં લમ્પી વાઇરસને કારણે મૃત્યુને શરણ થયેલી ગાયોના આત્મશ્રેયાર્થે અને આ ગાયો મોક્ષ પામે એવા ઉદ્દેશ સાથે પોથી નોંધાવી છે. ગાયને આપણામાં મુક્તિદાહિની કહી છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌદાનનો અનેરો મહિમા છે. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે જે જન્મ અને મરણ સમયે ગૌદાન કરે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ગૌમાતા માનવજાતિનું જીવનભર પુણ્યપોષણ કરતી રહે છે અને પુણ્યપ્રદાન કરતી રહે છે. આવી ગૌમાતા લમ્પી વાઇરસ રોગમાં મૃત્યુ પામે એ સમયે એમના કલ્યાણનો વિચાર કરવો એ બહુ મોટી ઉદાત્ત ભાવના છે. આવી ઉદાત્ત ભાવનાથી જ્યારે પોથી નોંધવામાં આવી છે ત્યારે તે ફક્ત ગાયનું જ નહીં, પણ સમગ્ર પશુધન માટે માનવજાતિ દ્વારા કરવામાં આવેલું અભિવાદન છે, ઋણસ્વીકાર છે.’

mumbai news ghatkopar