બરાબરનો ફેલાવ્યો છે ફફડાટ તુકારામ મુંઢેએ

12 July, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભેળસેળિયા લોકો પોતે જ દૂધ ઢોળવા માંડ્યા: ક્યાંક દૂધ રબર જેવું નીકળ્યું: થાણેના ઇન્સ્ટામાર્ટમાં મળ્યા સડેલા ખાદ્ય પદાર્થો, સીલ લાગી ગયું: હવે સ્કૂલોની કૅન્ટીન નિશાના પર

તુકારામ મુંઢે

દૂધ કે રબર?

જળગાવના ચોપડા શહેરમાં ખાનગી ડેરીમાંથી લીધેલું દૂધ ગરમ કરતી વખતે ફાટી ગયું અને ત્યાર બાદ રબરની જેમ ૩ ફુટ જેટલું ખેંચાયું

ફાટેલું દૂધ અઢીથી ૩ ફુટ ખેંચાયું હતું.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનરપદે તુકારામ મુંઢેની નિયુક્તિ થઈ છે ત્યારથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા લોકો પર તવાઈ આવી છે. એમ છતાં ભેળસેળ કરનારાઓ અટકી ન રહ્યા હોવાનું બહાર આવ્યું છે.  જળગાવના ચોપડા શહેરમાં રહેતા એક ભૂતપૂર્વ સૈનિકે તેની સાથે બનેલી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં મૂક્યો છે. તેનું કહેવું છે કે તેણે એ દૂધમાં જણાતી ભેળસેળ બાબતે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરીને ફરિયાદ કરી છે. એ વિડિયોમાં જણાઈ આવ્યા મુજબ ભૂતપૂર્વ સૈનિકે કહ્યું હતું કે ‘મેં ગુરુવારે રાતે ચોપડાની એક ખાનગી ડેરીમાંથી દૂધ ખરીદ્યું હતું અને ઘરે જઈને ફ્રિજમાં મૂક્યું હતું. શુક્રવારે સવારે મેં ચા બનાવી અને એમાં નાખવા એ દૂધ ગરમ કરવા મૂક્યું ત્યારે એ ફાટી ગયું હતું એટલું જ નહીં, ચમચી નાખીને હલાવ્યું ત્યારે એમાં ગરબડ જણાઈ આવી હતી. ચમચી ઉપર લેતાં એમાં દૂધ ચોંટી ગયું હતું એટલું જ નહીં, એ અઢીથી ૩ ફુટ સુધી ઉપર રબરની જેમ ખેંચાયું હતું. આ ઘટનાથી મને પણ નવાઈ લાગી હતી અને દૂધમાં ભેળસેળ થઈ હોવાની શંકા જતાં મેં આ બાબતે સ્થાનિક સ્તરે એની ફરિયાદ કરી હતી.’

ડરના ઝરૂરી હૈ

સાતારામાં દૂધ ઢોળી રહેલા સપ્લાયર્સ.

સાતારામાં દૂધ ઢોળી નાખવામાં આવ્યું એ ખરેખર ખરાબ હતું કે એમાં ભેળસેળ હતી? સેંકડો લીટર દૂધ ઢોળવાનું કારણ શું?

રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનરપદે તુકારામ મુંઢેની નિયુક્તિ થયા બાદ તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા, એ વેચતા, સ્ટૉક કરતા અને સ્વચ્છતાના નિયમો ન પાળતા લોકો પર તવાઈ લાવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ રેઇડ પડી રહી છે અને કાર્યવાહીઓ થઈ રહી છે જેમાં દૂધમાં થતી ભેળસેળનો પણ સમાવેશ થાય છે.
આ જ તંતુને સાધતો એક વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. એમાં સાતારામાં પ્લાસ્ટિકના કૅનમાં ભરીને ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટ કરાઈ રહેલું દૂધ ઢોળી દેવામાં આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. વળી એવા ઘણાબધા ટેમ્પો છે. જ્યારે એમ પૂછવામાં આવે છે કે કેમ આટલું બધું દૂધ ઢોળી રહ્યા છો તો એમ કહેવાય છે કે એ ખરાબ થઈ ગયું હતું. જોકે એ ખરેખર ખરાબ થઈ ગયું હતું કે ભેળસેળિયું દૂધ હતું એ બાબતે શંકા છે, પણ એક વાત પાકી કે દૂધમાં ભેળસેળ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

થાણેમાં ઇન્સ્ટામાર્ટના આઉટલેટ પર સપાટો બોલાવ્યો FDAએ: સડેલો ખોરાક અને ગાંજાના પેપર મળ્યા, દુકાન સીલ કરી

FDAના અધિકારીઓએ તમામ ગંદો માલ ફેંકી દીધો હતો.

થાણેના નૌપાડા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નૌપાડાની શિવાનંદ ઇમારતમાં આવેલા એક પ્રખ્યાત ઑનલાઇન ડિલિવરી આઉટલેટ ઇન્સ્ટામાર્ટ પર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમે ગઈ કાલે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી હતી. FDAના કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ આઉટલેટમાં મોટા પાયે સડેલી ડેરી-પ્રોડક્ટ્સ, બ્રેડ, બટર અને અન્ય ખાદ્ય પદાર્થો સંગ્રહિત કરવામાં આવ્યાં હતાં જેને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત ત્યાંથી ગાંજાના ઑથેન્ટિક રોલિંગ માટે વપરાતા પેપર્સ પણ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. આ મામલે ગઈ કાલે FDAના અધિકારીઓએ પ્રાથમિક તપાસ કર્યા બાદ મોટા ભાગનો માલ જપ્ત કરી દુકાનને આગળના આદેશ સુધી બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ અસ્વચ્છતા અને દુર્ગંધને કારણે સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો હતો એમ જણાવતાં BJPના સ્થાનિક કૉર્પોરેટર સંજય વાઘુલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નૌપાડાની શિવાનંદ ઇમારતની આસપાસની કેટલીક સોસાયટીમાં રહેતા નાગરિકોએ મને દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી જેની નોંધ લઈને મેં ગઈ કાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આઉટલેટની અંદરની અત્યંત ગંદી અને અસ્વચ્છ સ્થિતિ જોઈને મેં તરત જ FDAના અધિકારીઓનો સંપર્ક કરીને બેજવાબદાર દુકાનદાર સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. મારી ફરિયાદ બાદ FDAની ટીમ તાત્કાલિક ઍક્શન મોડમાં આવી હતી અને શિવાનંદ ઇમારતમાં આવેલા આઉટલેટ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન માનવ-સ્વાસ્થ્ય માટે ઘાતક એવો ખરાબ દૂધ અને સડેલા બ્રેડનો જથ્થો મળી આવતાં અધિકારીઓએ એ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાગરિકોના જીવ સાથે રમત કરનારા આ આઉટલેટને સીલ કરવાની કાયદેસરની પ્રક્રિયા FDAએ કરી છે. આ કડક કાર્યવાહીથી નૌપાડાના સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.’

થાણેના FDAના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે મોટા ભાગનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે એમાં અમુક ખાદ્ય પદાર્થો એકદમ ગંદા હોવાથી એમને તાત્કાલિક ફેંકવામાં આવ્યા છે. દુકાનની અંદરથી ખૂબ જ ગંદકી મળી આવતાં આ દુકાન સીલ કરી દેવામાં આવી છે.’

FDAના નિશાના પર હવે સ્કૂલોની કૅન્ટીન

મુંબઈ સહિત આખા રાજ્યમાં ગુટકા, નકલી કૉસ્મેટિક્સ અને ભેળસેળયુક્ત ફૂડ-પ્રોડક્ટ્સ વિરુદ્ધ સપાટો બોલાવ્યા બાદ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તથા બાહોશ ઇન્ડિયન ઍડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર તુકારામ મુંઢેના નિશાન પર હવે સ્કૂલોમાં અપાતું મિડ-ડે મીલ અને કૅન્ટીનમાં મળતું ફૂડ છે. FDAએ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય એ માટે મુંબઈમાં સ્કૂલોના પ્રિન્સિપાલો, બચત ગટ (જૂથ) તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે શુક્રવારે મહત્ત્વની બેઠક યોજી હતી. 
ભૂતકાળમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાતા મિડ-ડે મીલમાંથી જીવજંતુઓ કે મરેલી ગરોળી મળવાની ઘટનાઓ રાજ્યમાં બની છે તથા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવાને કારણે વિદ્યાર્થીઓને ફૂડ-પૉઇઝનિંગ થયાના કિસ્સા પણ બન્યા છે. કૅન્ટીનમાં પણ વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ફૂડ અપાતું હોવાની ફરિયાદો મળી છે. આવું ફરી ન થાય એ માટે તુકારામ મુંઢેએ સ્કૂલોની કૅન્ટીનોમાં ફૂડ-સેફ્ટીના ૨૦૨૦માં અમલમાં આવેલા નિયમોનું પાલન થાય તથા અન્ન સુરક્ષા, સ્વચ્છતા તથા હેલ્ધી ફૂડ વિદ્યાર્થીઓને આપવા સહિતના બધા જ નિયમોને અનુસરવામાં આવે નહીંતર કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટ સૂચના આ બેઠક દરમ્યાન અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

એજ્યુકેશનલ વિઝિટ માટે ગયેલા થાણેની સ્કૂલના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ-પૉઇઝનિંગ

થાણેના વર્તકનગરની એક સ્કૂલનાં ત્રીજા અને ચોથા ધોરણનાં બાળકોને હાલમાં જ એજ્યુકેશનલ વિઝિટ માટે લોઅર પરેલ લઈ જવાયાં ત્યારે તેમને અપાયેલા ફૂડના કારણે ફૂડ-પૉઇઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. ૧૬૦માંથી પંચાવનથી ૬૦ વિદ્યાર્થીઓને ઝાડા અને ઊલટીની તકલીફ થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવી પડી હતી. મળેલી માહિતી મુજબ જે  ટ્રાવેલ-કંપનીની બસમાં વિદ્યાર્થીઓને લઈ જવાયા એ જ કંપનીને વિદ્યાર્થીઓને ફૂડ-પૅકેટ આપવાનો કૉન્ટ્રૅક્ટ પણ આપવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ ભોજન લેતાં જ તેમની તબિયત બગડી હતી. આ ઘટના બાદ વાલીઓમાં ખૂબ જ રોષ છે અને તેમણે આ બાબતે તંત્ર પગલાં લે એવી માગણી કરી છે.

એ તો તમારાં બાળકોની ઇમ્યુનિટી નબળી છે: સ્કૂલનું ચોંકાવનારું નિવેદન

સોલાપુરની ડેરીમાં ભેળસેળિયું દૂધ મળી આવતાં FDAની કાર્યવાહી.

આ ઘટના બાદ વાલીઓએ સ્કૂલ-પ્રશાસનનો ઊધડો લેતાં સ્કૂલ-પ્રશાસને પાંગળો બચાવ તો કર્યો જ હતો, પરંતુ ઊલટાનું વિદ્યાર્થીઓ અને વાલીઓ પર જ દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરાયો હતો. તમારાં બાળકોની ઇમ્યુનિટી નબળી છે એટલે તેઓ માંદા પડી ગયાં એવો વિચિત્ર અને ચોંકાવનારો બચાવ સ્કૂલે કર્યો હતો.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ બોલાવેલા સપાટાને કારણે હવે આ કાર્યવાહીને ‘તુકારામ મુંઢે ઇફેક્ટ’ કહેવાઈ રહી છે. સોલાપુર જિલ્લાના સાંગોલા તાલુકાના જવળા ગામની પાસે આવેલા એક મિલ્ક કલેક્શન સેન્ટર ‘અજિંક્યરાણા મિલ્ક ઇન્ડસ્ટ્રી’માં દૂધમાં ભેળસેળ થતી હોવાની પાકી માહિતી મળતાં અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. તપાસમાં ત્યાંનું ૧૫ લાખ રૂપિયાની કિંમતનું ૩૭,૫૩૨ લીટર દૂધ લોકો માટે જોખમી હોવાનું જણાઈ આવતાં તરત જ કાર્યવાહી કરીને ત્યાંને ત્યાં જ ગટરમાં વહાવી દીધું હતું. જોકે એ પહેલાં અધિકારીઓએ અેનાં ૪ સૅમ્પલ્સ લૅબ-ટેસ્ટિંગ માટે લઈ લીધાં હતાં. FDAએ તરત જ અેના પર કાર્યવાહી કરી અેને બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. દૂધ અને અેની બીજી પ્રોડક્ટ્સમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ચલાવી નહીં લેવાય એવી સ્પષ્ટ ચેતવણી FDAએ આપી છે અને આવી વધુ કાર્યવાહીઓ પણ ચાલુ જ રહેશે એમ જણાવ્યું છે. 

mumbai news mumbai jalgaon thane food and drug administration street food maharashtra government maharashtra news maharashtra solapur satara