12 July, 2026 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના પૉશ ગણાતા પામ બીચ રોડ પર સી-બ્રિજ સોસાયટી સામે વેલાપુર તરફ જતા માર્ગે ગજબની લૂંટની ઘટના સામે આવી છે. સાનપાડા વિસ્તારમાં રહેતા અને વાવિયા ડેવલપર્સના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૪૯ વર્ષના બિલ્ડર વાલજી વાવિયાની કારમાંથી અજાણ્યા બદમાશો શુક્રવારે સાંજે ૪૦ લાખ રૂપિયાની રોકડ રકમ તડફાવી ગયા હતા. આ ચકચારી ઘટના વિશે ગઈ કાલે નેરુળ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની ગંભીરતાને જોતાં હાલમાં સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ જૉઇન્ટ તપાસ શરૂ કરી છે. વાલજીભાઈ ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના એક વેપારી પાસેથી આ રોકડ રકમ લઈને પોતાની ઑફિસ તરફ જઈ રહ્યા હતા એ સમયે અકસ્માત થયો હોવાનો ઢોંગ કરીને એક માણસે તેમને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા અને એનો લાભ ઉઠાવીને પાછળથી આવેલો બીજો માણસ કારનો કાચ તોડીને અંદર રાખેલા પૈસાની ચોરીને રફુચક્કર થઈ ગયો હતો.
શું હતી ઘટના?
વાલજી વાવિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામ કરતા મજૂરોને ચુકવણી કરવાની હોવાથી APMC મસાલા માર્કેટમાં વેપાર કરતા મારા એક મિત્ર પાસેથી શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ૪૦ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ ૫૦૦ રૂપિયાની ૮૦૦૦ નોટોના બંડલ તરીકે એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને મારી ઇનોવા કારની આગળની સીટ પર મૂકીને હું મારી CBD બેલાપુરની ઑફિસ તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન પાછળથી કાળા રંગની સ્કૂટીના સવારે મારી કારને ટક્કર મારતાં મેં ગાડી રોડની ડાબી બાજુએ ઊભી રાખી હતી. ત્યારે સ્કૂટીચાલક હેલ્મેટ ઉતારીને મારી પાસે આવ્યો હતો અને ‘કાર કેમ આમ ચલાવે છે, મારા માણસને વાગ્યું છે’ એમ કહીને વિવાદ કરવા લાગ્યો હતો. સ્કૂટી પર પાછળ બેસેલો બીજો માણસ પણ નીચે ઊતરીને ઈજા થઈ હોવાનું નાટક કરવા લાગ્યો હતો. આ રીતે સ્કૂટીસવારોએ મને વાતોમાં પરોવી રાખ્યો હતો, જે તકનો લાભ લઈને તેમના અન્ય સાથીદારે મારી કારના આગળના ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ પર રાખેલી ૪૦ લાખ રૂપિયા ભરેલી થેલીની ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. હું જ્યારે પાછો મારી કાર પાસે આવ્યો ત્યારે મને કાચ તૂટેલો અને પૈસા ગાયબ જણાયા હતા. અંતે મેં પોલીસ કન્ટ્રોલમાં આ વિશે જાણ કરી હતી.’
શું કહેવું છે પોલીસનું?
નેરુળ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ગુનેગારો સુધી પહોંચવા માટે આ વિસ્તારના આશરે ૧૫૦થી વધારે CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરવામાં આવ્યાં છે. તપાસ દરમ્યાન આરોપીઓની એકથી બે મહત્ત્વની લિન્ક મળી છે જેના આધારે હાલમાં સઘન તપાસ ચાલી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ કેસમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની મોટી શક્યતા જણાઈ રહી છે, જેમને બિલ્ડર મોટી રકમ લઈને નીકળ્યા હોવાની ચોક્કસ માહિતી હતી. બિલ્ડરે આપેલા વર્ણનના આધારે હિન્દીભાષી આરોપીઓની શોધખોળ તેજ કરી છે.’