નવી મુંબઈના દાણાબંદરનો વેપારી ક્યાં ગાયબ થઈ ગયો?

15 April, 2019 02:17 PM IST  |  મુંબઈ | રોહિત પરીખ

નવી મુંબઈના દાણાબંદરનો વેપારી ક્યાં ગાયબ થઈ ગયો?

વૉન્ટેડ : દાણાબંદરનો વેપારી સંજય લોડાયા.

નવી મુંબઈની APMC માર્કેટની મસાલા બજાર અને ડ્રાયફ્રૂટ્સ બજારના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને મુલુંડનો એક યુવાન વેપારી છેલ્લા ઘણા મહિનાઓથી ગાયબ થઈ ગયો છે જેને પોલીસ હજી સુધી પકડી શકી નથી ત્યાં દાણાબંદરના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને એક યુવાન વેપારી ભાગી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વારતહેવારે બની રહેલા છેતરપિંડીના બનાવોથી APMC માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે.

અમારી બજાર સદીઓથી વિશ્વાસ પર ચાલે છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એક ફોન પર કરોડો રૂપિયાના માલની ડીલ કરીએ છીએ, પરંતુ થોડા સમયથી અમુક યુવાન વેપારીઓ મોટી ડીલ કરીને અચાનક માર્કેટમાંથી અદૃશ્ય થઈ જતાં વેપારીઓમાં રહેલા એકબીજા પરના વિશ્વાસને મોટી હાનિ પહોંચે છે. અમે વેપારીઓ એકબીજાને દરેક રીતે સાચવી લેતા હોઈએ છીએ છતાં વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો પ્રકાશમાં આવે છે જે અમને બહુ મોટો આંચકો આપે છે.’

થોડા મહિના પહેલાં દાણાબંદરના ૬થી ૭ વેપારીઓ પાસેથી માલ લઈને અંદાજે દોઢ કરોડ રૂપિયાની ઉઘરાણીની ચુકવણી કરવાને બદલે માર્કેટમાં ૧૦ વર્ષથી બિઝનેસ કરી રહેલો ડોમ્બિવલીનો ૫૦ વર્ષનો વેપારી સંજય લોડાયા અચાનક માર્કેટમાંથી અદૃશ્ય થઈ ગયો છે. શનિવારે તેની સામે દાણાબંદરના વેપારીઓએ વાશી પોલીસ-સ્ટેશન અને CBD બેલાપુરની ક્રાઇમ ઑફન્સિસ વિન્ગમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે વાશી પોલીસે ગાયબ વેપારીને ઝડપથી શોધી કાઢવાનું આશ્વાસન આપ્યું છે.

સંજય લોડાયાએ બજારના સાત વેપારીઓ સાથે એક કરોડ ચાલીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે એવી જાણકારી આપતાં ૫૧ વર્ષના વિપુલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંજય લોડાયા અમારી માર્કેટમાં છેલ્લાં ૧૦ વર્ષથી સંજય કલ્યાણજી ઍન્ડ કંપનીના નામે અનાજ-કરિયાણાનો વેપાર અને દલાલી કરતો હતો. એક દિવસ અચાનક તેના ગોડાઉનનો બધો માલ રાતોરાત ખાલી કરીને સંજય રફુચક્કર થઈ ગયો છે. તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવે છે અને તેના ઘરે તે મળતો નથી.

આ પણ વાંચો : મુંબઈ: પાસ કે ફેલ થયાની ખબર ન હોવા છતાં લૉ સ્ટુડન્ટે ફરી પરીક્ષા આપવી પડશે

માર્કેટમાં હવે તે દેખાતો નથી. જોકે આમ છતાં અમે થોડા દિવસો સુધી આજે આવશે, કાલે આવશે અને વેપારીઓની કરોડો રૂપિયાની ઉઘરાણી તે ચૂકવી જશે એવી આશા સાથે પોલીસમાં ફરિયાદ કરી નહોતી, પરંતુ આખરે સંજય ક્યાંય ન મળતાં અને તેનો ફોન પણ ન લાગતાં શનિવારે મેં અને મારી સાથે અન્ય ૭ વેપારીઓ - ભાવેશ ગજરા, પરેશ, આશિષ કટારિયા, મનીષ, પ્રતીક, તરુણકુમાર અને લિસબન શેઠે વાશી પોલીસ-સ્ટેશન અને CBD બેલાપુરની ક્રાઇમ ઑફેન્સિસ વિન્ગમાં ફરિયાદ નોંધાવી હતી.’

mumbai navi mumbai mumbai news