પોલીસની ચોરી પર શિરજોરી

07 November, 2022 09:49 AM IST  |  Mumbai | Shirish Vaktania, Diwakar Sharma

બોરીવલીના ભરચક રસ્તે ગેરકાયદે કાર પાર્ક કરી હોવાથી પાર્કિંગ લૉટમાંથી એક પણ કાર બહાર ન આવતી હોવાથી સિનિયર સિટિઝન કપલે પે ઍન્ડ પાર્કનું સંચાલન કરનારી વ્યક્તિને પોલીસની કાર હટાવવા માટે વિનંતી કરવા કહ્યું.

API સતીશ વાયલ કે જેમણે શનિવારે બોરીવલીમાં ડેશબોર્ડ પર મિડ-ડેના સંવાદદાતા (ડાબે) વાયલની ખાનગી કાર પર પોલીસકર્મીની કેપ સાથે હુમલો કર્યો હતો.

એ સમયે ત્યાં હાજર ‘મિડ-ડે’ના રિપોર્ટરે પોલીસની ગાડીના ફોટો લેતાં પોલીસે દાદાગીરી કરીને રિપોર્ટરને પહેલાં ધમકી આપી અને ત્યાર બાદ બોચી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયો. ઍડિશનલ પોલીસ કમિશનર સુધી વાત પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો અને દબંગાઈ કરનારા પોલીસ સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ડીસીપીએ બતાવી તૈયારી.

‘મિડ-ડે’ના પત્રકાર શિરીષ વક્તાણિયા સામે ગુલમહોર રોડ પર કુરાર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) ​સતીષ વાયલે હાથાપાઈ કરી હતી. એટલું જ નહીં, તેને બળજબરીપૂર્વક બોરીવલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રેસ-કાર્ડ બતાવ્યું હોવા છતાં તેનો ફોન આંચકી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બોરીવલી-વેસ્ટમાં આવેલો ગુલમહોર રોડ ભીડભાડવાળો રસ્તો છે. ત્યાં માર્કેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. લોકો ઘણી વખત રોડ વચ્ચે જ વાહન પાર્ક કરતા હોય છે. સત્તાવાળા દ્વારા સમયાંતરે નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે તેમ જ વાહનોને ટો પણ કરવામાં આવે છે. આવી કાર્યવાહી ન થાય એ માટે સતીષ વાયલે પોતાની કારના ડેશબોર્ડ પર પોતાની પોલીસ-કૅપ રાખી હતી.

એ સમયે ‘મિડ-ડે’નો રિપોર્ટર શિરીષ વક્તાણિયા બજારમાં હતો. તે પે ઍન્ડ પાર્ક નજીક થયેલી અરાજકતા જોઈને ત્યાં ગયો. ત્યાં એક સિનિયર સિટિઝન યુગલે પાર્કિંગનું સંચાલન કરનારને એપીઆઇની કારને હટાવવા માટે વિનંતી કરી હતી, કારણ કે કારે રસ્તાને રોકી લીધો હતો અને એથી કોઈ વાહન પાર્કિંગ-લૉટમાંથી બહાર કાઢી શકાય એવી સ્થિતિ જ નહોતી. પાર્કિંગનું સંચાલન કરનાર માણસ દંપતીને કારના માલિકના આવવાની રાહ જોવા માટે વિનંતી કરતો હતો.

રિપોર્ટરે ખોટી રીતે પાર્ક કરવામાં આવેલી કારના ફોટો પણ પાડ્યા હતા. ત્યાં હાજર એક મહિલા પોલીસ આ બધું જોઈ રહી હતી છતાં તેણે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી કરી નહોતી. ૪૫ મિનિટ વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. એપીઆઇ આવતાં મહિલા પોલીસે રિપોર્ટરે કારના ફોટો લીધા હોવાની માહિતી આપી.

કારને ખોટી રીતે પાર્ક કરી હોવાની જાણ હોવા છતાં એપીઆઇએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પત્રકાર શિરીષ વક્તાણિયાને બોચીથી પકડીને તેનો ફોન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શિરીષે પોતે એક પત્રકાર હોવાનું જણાવ્યા છતાં તેની સાથે મારપીટ કરવાનો પ્રયત્ન કર્યો. શિરીષ માર્કેટમાં પોતાના સહકર્મચારી દિવાકર શર્માની રાહ જોઈ રહ્યો હતો. તે પણ આ દૃશ્ય જોઈને ચોંકી ગયો. તેમણે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો તો એપીઆઇએ તેમને પોલીસ સ્ટેશનમાં આવવા કહ્યું. શિરીષ વક્તાણિયાને બોરીવલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે રસ્તામાં પણ તેનો મોબાઇલ આંચકી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વળી રસ્તામાં જ શિરીષ વક્તાણિયાને ધમકી આપતાં કહ્યું કે ‘તેરે ઉપર મૈં ચોરી કા કેસ બનાઉંગા. તુમ રિપોર્ટર લોગ એક્સ્ટૉર્શનિસ્ટ હોતે હૈ... તુમ મેરી ગાડી પર વૉચ રખતા હે... ચલ તૂ પુલીસ સ્ટેશન, તેરે ઉપર કૈસે કેસ બનાતા હૂં આજ દેખ તૂ.’

બોરીવલી પોલીસ સ્ટેશનમાં શિ​રીષને ડ્યુટી-ઑફિસર પાસે લઈ જવાયો. કુરાર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા સબ-ઇન્સ્પેક્ટર કલ્યાણ પાટીલે દાવો કર્યો હતો કે એક આરોપીને કોર્ટમાં લઈ જવા માટે એપીઆઇ સતીષ વાયલ ગયા હતા. અહીં સવાલ એ થાય છે કે પોતાની અંગત કારમાં કઈ રીતે કોઈ આરોપીને લઈ જઈ શકે? દરમ્યાન શિ​રીષના ફોટોને ડિલીટ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. આ બધું જોઈને દિવાકર શર્માએ ઝોનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિશાલ ઠાકુરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ફોન ન ઊંચકતાં ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (નૉર્થ રીજન) વીરેન્દ્ર મિશ્રાને સમગ્ર વિગતો જણાવવામાં આવી. ઍડિશનલ સીપી સુધી વાત પહોંચી હોવાની ખબર પડતાં દાદાગીરી કરતા બન્ને પોલીસ ઢીલા પડી ગયા. થોડીક મિનિટમાં જ ડીસીપી વિશાલ ઠાકુર બોરીવલી સિનિયર પીઆઇની ચેમ્બરમાં આવ્યા તેમ જ એપીઆઇ સતીષ વાયલને બોલાવવામાં આવ્યા. તેમને માફી માગવાની ફરજ પાડવામાં આવી તેમ જ સત્તાનો દુરુપયોગ ન કરવા સૂચવ્યું. ડીસીપી ઠાકુરે ‘મિડ-ડે’ના રિપોર્ટરોને આ મામલે કોઈ રિપોર્ટ ન કરવા વિનંતી કરી. ડીસીપી ઠાકુરે કહ્યું કે ‘એપીઆઇ કુરાર પોલીસ સ્ટેશનમાં કામ કરે છે જે મારા અધિકારક્ષેત્રમાં નથી, પરંતુ હું મારા સમકક્ષ ઝોન-૧૨ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે જણાવીશ.’

mumbai mumbai news mumbai police shirish vaktania diwakar sharma