ઘાટકોપરની ઋષિકુળ વિદ્યાલયે ફીમાં ૪૬ ટકાનો ઘટાડો કર્યો

13 July, 2020 10:06 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ઘાટકોપરની ઋષિકુળ વિદ્યાલયે ફીમાં ૪૬ ટકાનો ઘટાડો કર્યો

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનને કારણે લોકો ઘરમાં બેઠા છે અને નોકરી, ધંધા સૌ ઠપ થઈ ગયા છે ત્યારે મુંબઈગરાને બાળકોની સ્કૂલ ફીની ચિંતા કોરી ખાતી હોય છે. જૂન મહિનામાં સ્કૂલો ખૂલે છે, પણ હાલ લૉકડાઉનના કારણે ઑનલાઇન અભ્યાસ ચાલુ કરી દેવાયો છે. અન્ય સ્કૂલો જ્યારે વાલીઓને વહેલામાં વહેલી તકે ફી ભરવા મેસેજ મોકલાવતા હોય છે ત્યારે ઋષિકુળ વિદ્યાલયે રવિવારે પેરન્ટસને એવો મેસેજ મોકલાવ્યો છે કે સ્કૂલ દ્વારા ફીમાં ૪૬ ટકાનો ઘટાડો કરાયો છે. એટલું જ નહીં જો કોઈ વાલીને એ પણ વધારે લાગતી હોય તો અમને આવીને વાત કરે, અમે એ વિશે પણ વિચારશું.
આ વિશે માહિતી આપતાં ઋષિકુળ વિદ્યાલયના સંસ્થાપક, મૂળ કચ્છ-પત્રી ગામના કચ્છી વીસા ઓસવાલ જ્ઞાતિના ધીરેનભાઈ ધરોડ જે રાજુભાઈ ગુરુજીના નામથી જ ઓળખાય છે તેમણે કહ્યું હતું કે ‘હાલ કોરોનાના કારણે લૉકડાઉન હોવાથી બધું બંધ છે અને લોકોની આવકમાં જબરદસ્ત ઘટાડો થયો છે ત્યારે અમે વિદ્યાર્થીઓની ફી ઘટાડવાની શક્યતા તપાસી જોઈ. અમે શિક્ષકો અને શિક્ષકેત્તર સ્ટાફની સાથે પણ મીટિંગ કરી હતી. શિક્ષકો અને સ્ટાફ (કુલ ૩૦)નો પગાર ૧૫ ટકા ઘટાડવા તેમણે સ્વેચ્છાએ મંજૂરી આપી એ પછી અમે વિદ્યાર્થીઓની ફી ૪૬ ટકા ઘટાડી. રવિવારે જ એ બાબતનો મેસેજ અમે પેરન્ટ્સને મોકલ્યો છે.’
રાજુભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘ઘણીબધી સ્કૂલોને ફી ઘટાડવું નથી પરવડતું હોતું, કારણ કે એ જ તેમની આવકનો મૂળ સ્રોત હોય છે જ્યારે મારી પોતાની ઇન્વર્ટરની બૅટરી બનાવવાની ફૅક્ટરી છે. મારે આવક માટે સ્કૂલની ફી પર આધાર નથી રાખવો પડતો. હું સ્કૂલમાંથી પગાર લેતો નથી. આ સ્કૂલ મેં મારા પેશન અને વિઝન સાથે ચાલુ કરી છે. કેટલીક સ્કૂલોમાં બાળકોની શક્તિ ખીલવવાના પ્રયાસ નથી થતાં અને બાળકનો વિકાસ પણ નથી થતો, તેને ફ્રિડમ નથી મળતું. મારા દીકરાના જન્મ વખતે જ મેં નક્કી કર્યું કે તેને હું એવી સ્કૂલમાં નહીં મોકલું, એ વિચારી પોતાની સ્કૂલ ચાલુ કરી. અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રેમ અને ફ્રિડમ મળે એ જ ઉદ્દેશ છે. હાલ નર્સરીથી લઈને દસમા ધોરણ સુધીનાં ૪૫૦ બાળકો અમારે ત્યાં અભ્યાસ કરે છે. આ જ અમારો પરિવાર છે.’
સાતમા ધોરણમાં ભણતી સ્વીનીના પિતા પકંજ શાહે કહ્યું કે ‘અમે બધા પેરન્ટસ બહુ ખુશ છીએ. કોરોનાના આ તકલીફના સમયમાં સ્કૂલે-રાજુભાઈએ આ સારો નિર્ણય લીધો છે. ખરું કહું તો આવા કોઈ ન્યુઝ જ નહોતા. અમારા બધા માટે આ સારી સરપ્રાઇઝ છે. આજે જેને પણ તકલીફ છે એને સ્કૂલના આ નિર્ણયથી ચોક્કસ રાહત થશે. મારી દીકરી નર્સરીથી ત્યાં ભણે છે અને તેના પ્રોગ્રેસથી અમે ખુશ છીએ.’
અન્ય એક વાલી ભાવેશ પટેલે કહ્યું હતું કે ‘ઋષિકુળ અમારો પરિવાર છે. જે રીતે તકલીફ આવે તો પરિવારના સભ્યો એકબીજાને મદદ કરવા તત્પર હોય એ રીતે અહીં પણ રાજુભાઈ અને સ્કૂલ મૅનેજમેન્ટે લોકહિતમાં નિર્ણય લીધો છે. વિકટ પરિસ્થિતિમાં લોકોને રાહત રહે એવો તેમનો નિર્ણય છે. એક બીજી વાત, સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલથી ગભરાતા હોય છે અને તેમનાથી દૂર રહેતા હોય છે, જ્યારે અહીં રાજુગુરુજી તો વિદ્યાર્થીઓના બેસ્ટ ફ્રેન્ડ છે. તેમની સાથે વરસાદમાં રમતો પણ રમે છે. આમ ઋષિકુળ અમારો પરિવાર જ છે. વળી સ્કૂલના દરેક વિદ્યાર્થીને તેઓ ઓળખે. નામથી જ બોલાવે, એટલું નહીં તેમનાં માતા-પિતાને પણ ઓળખે, તેના પરિવાર અને ધંધા, નોકરી વિશે પણ તેમને ખબર હોય છે.’

ghatkopar mumbai mumbai news