રિક્ષાડ્રાઇવરની પ્રામાણિકતા ઘાટકોપરના કચ્છી વેપારીનું પાકીટ પાછું આપ્યુ

14 October, 2019 11:22 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

રિક્ષાડ્રાઇવરની પ્રામાણિકતા ઘાટકોપરના કચ્છી વેપારીનું પાકીટ પાછું આપ્યુ

વેપારીનું પાકિટ આપ્યું પાછું

ઘાટકોપર-વેસ્ટના આર સિટી માલ સામેના કલ્પતરુ બિલ્ડિંગમાં રહેતા કચ્છી વાગડ સમાજના ભાવેશ મોઠારિયાને ઈમાનદારીનો પૉઝિટિવ અનુભવ થયો છે. દીકરીને ડેંગી થયો હોવાથી તેનેહૉસ્પિટલમાં ઍડ્મિટ કરી અને બાઇક પર ઘરે જતી વખતે પર્સ પડી ગયું હતું. હૉસ્પિટલના ધક્કા ખાવાના હોવાથી પર્સમાં વધુ પૈસા રાખ્યા હતા અને એની સાથે મહત્ત્વનાં કાગળિયાં સહિત ક્રેડિટ કાર્ડ જેવું બધું હતું. ભાવેશને પર્સ ન મળતાં પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઘાટકોપરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક રિક્ષાવાળાએ ભાવેશભાઈનો સંપર્ક કરીને તેમને પર્સ પાછું સોંપી દીધું હતું. રિક્ષાવાળાની ઈમાનદારી જોઈને ભાવેશભાઈની આંખો ભીની થઈ ગઈ હતી. બક્ષિસ આપ્યા છતાં તેણે સ્વીકારી ન એટલે હવે ભાવેશભાઈ તેમના ઘર માટે કંઈ કરવાની ઇચ્છા
ધરાવે છે. મુંબઈ જેવી માયાનગરીમાં ભાગ્યે જ આવા ઈમાનદારીના બનાવ જોવા-સાંભળવા મળે છે.

દાદર-વેસ્ટમાં ગાર્મેન્ટનું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ધરાવતા અને પોતાની સાથે બનેલા પૉઝિટિવ બનાવ વિશે માહિતી આપતાં ભાવેશ મોઠારિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી ૧૬ વર્ષની દીકરી કશિશને ડેંગી થયો હોવાની ખબર પડતાં તેને શુક્રવારે ઘાટકોપર-ઈસ્ટની બકુલ પારેખ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તેને ઍડ્મિટ કરીને હું બાઇક લઈને ઘરે તેનાં કપડાં અને અન્ય સામાન લેવા ગયો હતો. ફરી પાછો હૉસ્પિટલ જતી વખતે દેરાસર લેનમાંથી મેં અમુક વસ્તુ ખરીદી અને બાઇક લઈને હૉસ્પિટલ પહોંચ્યો.
પત્નીએ ફોન કરીને મને નાળિયેરપાણી લેવાનું કહ્યું એટલે મેં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે પર્સ રસ્તામાં પડી ગયું છે.’ પર્સ મળશે નહીં એવા આશયે મેં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી, એમ કહેતાં ભાવેશભાઈએ કહ્યું કે ‘પર્સ જ્યાં પડવાનો અંદાજ હતો ત્યાં જઈને મેં તપાસ પણ કરી, પરંતુ પર્સ ન મળ્યું.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

પર્સમાં હૉસ્પિટલમાં ભરવા માટે ૧૭,૦૦૦ રૂપિયા રાખ્યા હતા. એની સાથે આધાર કાર્ડ, મેડિકલ ક્લેમનાં પેપર, ક્રેડિટ કાર્ડ જેવાં ઘણાં કાગળિયાં હતાં. જોકે મોડી સાંજે મને એક ફોન આવ્યો અને કહ્યું, ‘તમારું પર્સ મારી પાસે છે અને તમે આવીને એ લઈ જાઓ.’ હું શફિક સૈયદ નામની વ્યક્તિના ઘરે ગયો અને તે સ્લમ વિસ્તારમાં રહે છે અને દસ બાય દસનું તેનું ઘર છે. પર્સમાં રહેલા મારા વિઝિટિંગ કાર્ડ પરથી તેણે મને ફોન કર્યો હતો. મારા પર્સમાં બધી વસ્તુઓ એમ ને એમ જ હતી એ જોઈને મને ખૂબ નવાઈ લાગી હતી. મેં તેમને બક્ષિસ આપવાની કોશિશ કરી, પરંતુ તેણે ‘દુઆ કરના’ કહીને એ ન સ્વીકારી. મુંબઈમાં આવા ઈમાનદારી ધરાવતા લોકો પણ છે એ જોઈને નવાઈ લાગી. એથી મારો પરિવાર હવે આ ઈમાનદાર પરિવારને કોઈક રીતે મદદ કરવા ઇચ્છે છે.’

mumbai ghatkopar