મહિને પાંચ ટકા રિટર્ન મળવાનું તો બાજુએ રહ્યું, મૂળ રકમ પણ ન મળી

18 July, 2022 12:44 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

એસટીના રિટાયર કર્મચારીએ શૅરબજારમાં સારું રિટર્ન મેળવવાની લાલચમાં ૮૩ લાખ ગુમાવ્યા : ભાઈંદરમાં શૅરબજારનું કામકાજ કરતા બે આરોપીએ ૧૨૫ રોકાણકારોના અઢી કરોડ ડુબાડ્યા હોવાની શંકા : બે જણની કરવામાં આવી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

શૅરબજારમાં રોકાણ કરીને મહિને પાંચ ટકા અને છ મહિને ૨૦ ટકાથી વધુ રિટર્ન આપવાનું કહીને ૧૨૫ લોકોના અઢી કરોડ રૂપિયા લીધા બાદ જવાબ ન આપવા બદલ પોલીસે ભાઈંદરમાં શૅરબજારનું કામકાજ કરતા બે આરોપીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. એસટીના રિટાયર્ડ કર્મચારીએ પોતાના સહિ‌ત ‌પરિવારજનોના મળીને ૮૩ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ‘ભાઈંદર-વેસ્ટમાં કાર્વી સ્ટૉકબ્રોકિંગના નામે શૅરબજારનું કામકાજ કરતા અણ્ણા અમૃતે અને તેના ભાગીદાર કુલદીપ રૂંગટાએ ૧૨૫ રોકાણકારો પાસેથી ૨.૬૫ કરોડ રૂપિયા લઈને શૅરબજારમાં રોકાણ કર્યું હતું. રોકાણકારોને મહિને પાંચ ટકા અને છ મહિને ૨૦ ટકા જેટલું ઊંચું રિટર્ન આપવાનું કહીને તેમણે આ રકમ લીધી હતી. જોકે અમુક સમય બાદ તેમણે રોકાણકારોને જવાબ આપવાનું બંધ કરતાં એસટીના રિટાયર્ડ કર્મચારી નારાયણ નીલવેએ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૨૦૧૮માં નારાયણ નીલવેએ આરોપીઓને પહેલાં ૧૦ લાખ રૂપિયા અને બાદમાં પત્ની, બે પુત્ર અને જમાઈના ૭૩ લાખ મળીને કુલ ૮૩ લાખ રૂપિયા શૅરબજારમાં રોકાણ કરવા માટે આપ્યા હતા. આ રકમ લીધા બાદ આરોપીઓ દ્વારા તેમને વિવિધ કંપનીઓમાં તેમના રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાની રસીદ આપવામાં આવી હતી. શરૂઆતમાં અમુક કમાણી થઈ હોવાનું કહીને રોકાણકારોને રૂપિયા આપવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓએ હાથ ઉપર કરી દીધા હતા.

ભાઈંદર પોલીસ સ્ટેશનના સ‌િનિયર ઇન્સ્પેક્ટર મુકુટરાવ પાટીલે જણાવ્યું હતું કે ‘ભાઈંદર-વેસ્ટમાં કાર્વી સ્ટૉકબ્રોકિંગ નામની ઑફિસમાં મહિને પાંચ ટકા રિટર્ન મેળવવાના પ્રલોભનમાં ૧૨૫ જેટલા લોકોએ ૨.૬૫ કરોડ રૂપિયા આરોપીઓને આપ્યા હોવાનું તપાસમાં જણાઈ આવતાં અમે અણ્ણા અમૃતે અને કુલદીપ રૂંગટાની ધરપકડ કરી હતી. ૨૦૧૮માં ફરિયાદીઓએ શૅરબજારમાં રોકાણ કરવા માટે આરોપીઓને આ રકમ આપી હતી. જોકે આરોપીઓએ પાંચ ટકા રિટર્ન તો બાજુએ રહ્યું, મૂળ રકમ પણ નથી આપી. આ મામલામાં વધુ લોકોના રૂપિયા અટવાયા હોવાની શક્યતા હોવાથી અમે આગળની તપાસ કરી રહ્યા છીએ. એસટીના નિવૃત્ત કર્મચારી નારાયણ નીલવે અને તેમના કુટુંબીજનોએ જીવનભરની કમાણી ગુમાવી દીધી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news bhayander prakash bambhrolia