મુંબઈ પોલીસ કેમ ડાન્સબારમાં પડીપાથરી રહે છે?

07 April, 2022 10:00 AM IST  |  Mumbai | Faizan Khan

ડાન્સબારના માલિકોનું કહેવું છે કે ફોટો લેવાથી માંડીને ઊંઘવા જેવાં કાર્યો કરીને પોલીસ અમને કામ નથી કરવા દેતી

પોલીસ બારમાં જ ઊંઘતો જોવા મળ્યો હતો

મુંબઈ પોલીસ તથા ઑર્કેસ્ટ્રા અને ડાન્સબાર કે લેડીઝ બાર વચ્ચેનો વિવાદ નવી ઊંચાઈએ પહોંચતાં અનેક બારમાલિકોએ ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર) સમક્ષ પોલીસો દ્વારા થતી હેરાનગતિની ફરિયાદ કરી છે. પશ્ચિમ ઉપનગરોના બારમાલિકોએ દાવો કર્યો હતો કે પોલીસો તેમના બારની વારંવાર મુલાકાત લે છે, બેસી રહે છે અને ઘણી વાર તો કલાકો સુધી સૂઈ રહે છે જેના કારણે તેમના ગ્રાહકોમાં ભય ફેલાયો છે. અનેક બારમાલિકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમને નિર્ધારિત સમય એટલે કે રાતના દોઢ વાગ્યા કરતાં વહેલા બાર બંધ કરવાની ફરજ પાડવામાં આવે છે. ડાન્સબારના માલિકોએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ જ્યારે પોલીસને આનું કારણ પૂછે છે તો તેમના ઉપરી અધિકારીઓનો આદેશ હોવાનું જણાવાય છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ આવો આદેશ જારી કર્યો હોવાનો ઇનકાર કરીને પોલીસની હેરાનગતિ સામે તેમની ઑફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અંધેરીના બારમાં ફોન પર વ્યસ્ત પોલીસ

આહારને લખેલા પત્રમાં ઑર્કેસ્ટ્રા અને ડાન્સબારના માલિકોએ લખ્યું હતું કે ‘કોવિડને લીધે હોટેલ ઉદ્યોગને ઘણો માર પડ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકાર તરફથી કાનૂની રીતે ફરી કામ કરવાની મંજૂરી મળી છે ત્યારે આ રીતે પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિની સીધી અસર અમારા ધંધા પર થાય છે.’

‘મિડ-ડે’એ આ વિશે પોલીસ કમિશનર સંજય પાંડેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘બધું કાયદા મુજબ ચાલવું જોઈએ. જો કોઈ ઉલ્લંઘન કરતું હશે તો અમે પગલાં લઈશું. જો કોઈને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા હેરાન કરવામાં આવે છે તો તેઓ હંમેશાં મારી પાસે આવી શકે છે.’

mumbai mumbai news mumbai police faizan khan