ડોમ્બિવલીના નવનીતનગરના રહેવાસીઓનો પાણી માટે પોકાર

24 May, 2022 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલી આ આવાસ યોજનામાં રહેતા હજારો લોકો છેલ્લા કેટલાય દિવસથી હેરાનપરેશાન 

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : ડોમ્બિવલી-ઈસ્ટમાં શ્રી કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા જૈન સમાજના મધ્યમ વર્ગના લોકો માટે બાંધવામાં આવેલી આવાસ યોજના નવનીતનગરમાં આશરે ૩૦ બિલ્ડિંગમાં ૧૦૦૦થી વધુ ફ્લૅટ આવેલા છે. છેલ્લા કેટલાક દિવસથી નવનીતનગરમાં પાણીના અભાવને લીધે રહેવાસીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાં છેલ્લા આઠેક દિવસથી પીવાનું પાણી જ રહેવાસીઓને મળ્યું ન હોવાથી વધુ પૈસા ચૂકવીને લોકોએ પાણી ખરીદવું પડતું હતું, પરંતુ ગરમીમાં પાણીની સમસ્યાને લીધે રહેવાસીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. પાણીની સમસ્યા છેલ્લા એકાદ મહિનાથી વધી ગઈ હોવાથી લોકોએ નારાજગી દાખવી છે. અનેક ઠેકાણે પોતાની સમસ્યા માંડી હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનું લોકોનું કહેવું છે.
નવનીતનગરના રહેવાસી મેહુલ પાસડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી અને આસપાસની સોસાયટીમાં પાણીની સમસ્યાએ લોકોને હેરાન કરી મૂક્યા હતા. એથી એક મહિના પહેલાં જ છથી આઠ બસ ભરીને અમે લોઢા હેરિટેજ, દેસ્લે પાડા, ભોપર ગામ, નવનીતનગર અને એની આસપાસની સોસાયટીના લોકો ભેગા થઈને વિરોધ દાખવવા સુધરાઈના કાર્યાલયે ગયા હતા. ત્યાર બાદ બધી સોસાયટીઓની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો, પરંતુ અમારી સોસાયટીમાં સમસ્યા ફરી શરૂ થઈ ગઈ હતી. એમાં છેલ્લા આઠેક દિવસથી પીવાનું પાણી જ આવ્યું ન હોવાથી કફોડી હાલત થઈ ગઈ હતી. લોકોએ મજબૂર થઈને ૨૫૦થી ૩૦૦ રૂપિયામાં ૫૦૦ લિટર પીવાનું પાણી મગાવવું પડે છે તેમ જ સોસાયટીના પાણીના બોરિંગમાં પાણી નથી એવું કહેવાયું હતું. એથી અન્ય બોરિંગનું પાણી અમારી સોસાયટીમાં આવે છે, પરંતુ આ પાણી એટલું ખરાબ છે કે સાબુ પણ શરીર પર લાગતો નથી. અમુક વખત પાણી એકદમ વ્યવસ્થિત આવે છે અને અમુક વખત પાણી આવતું જ નથી. પાણીની સમસ્યાથી અમે કંટાળી ગયા છીએ. આઠ દિવસ બાદ ગઈ કાલે સોસાયટીવાળાઓની નારાજગીને લીધે થોડું પાણી આવ્યું હતું.’
અહીં રહેતાં પ્રાચી સાવલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે તો પાણીની સમસ્યાથી કંટાળી ગયા છીએ. પહેલેથી પાણીનું પ્રમાણ ઓછું હતું અને છેલ્લા આઠેક દિવસથી તો પીવાનું પાણી એકદમ જ આવતું નહોતું. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા પણ અનેક ફરિયાદ છતાં આંખ આડા કાન કરતી જોવા મળે છે. અમારી સોસાયટીમાં પાણીની આટલી સમસ્યા છે તો નવાં બિલ્ડિંગો કેમ અહીં બાંધવામાં આવી રહ્યાં છે? અનેક વખત રહેવાસીઓએ ટૅન્કર પર નિર્ભર રહેવું પડે છે. અમુક વખત સમસ્યા થતી હોય તો સમજાય, પરંતુ દર વખતે ટૅન્કર દ્વારા બહારથી પાણી ખરીદવું કોઈ સોસાયટીને પરવડે નહીં. પીવાના પાણી માટે ઘરે બિસલેરી લઈ આવીએ છીએ. ઘણી વખત પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. એવામાં બાળકો અને વડીલો આવું પાણી પીને બીમાર પડે છે.’

mumbai news dombivli