20 March, 2026 07:27 AM IST | Mumbai | Ranjeet Jadhav
બાલકનીમાં આવેલો વાંદરો.
બોરીવલીના નૅશનલ પાર્ક પાસે આવેલા બાવીસ માળના શ્રીકૃપા બિલ્ડિંગમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી લોકો રહેવા આવ્યા છે, પણ છેલ્લાં ચાર-પાંચ અઠવાડિયાંથી તેઓ ઘરમાં ખાવાનું શોધવા આવતા વાંદરાઓથી ખાસ્સા પરેશાન છે. હવે વાંદરાઓ કિચનમાં ન ઘૂસી જાય એ માટે ભરઉનાળે તેમણે બારીઓ બંધ રાખવી પડે છે.
આ નવા જ બનેલા શ્રીકૃપા બિલ્ડિંગમાં ૧૦૦થી વધુ પરિવાર રહે છે. વાંદરાઓ ટોળામાં આવે છે અને પાઇપ પરથી, ડક્ટમાંથી, ગ્રિલ પરથી સીધા કિચનની બારી સુધી આવી જાય છે અને જો બારી ખુલ્લી હોય તો કિચનમાં આવીને ખાવાનું શોધવા માંડે છે અને બધું ફેંદી નાખે છે.
આ બાબતે શ્રીકૃપા બિલ્ડિંગમાં રહેતાં જાગૃતિ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાંદરા કોઈ પણ ફ્લૅટની બારી ખુલ્લી દેખાય તો ઘૂસી જાય છે. ખાસ કરીને મારા ઘરના કિચનમાં ઘણી વખત આવી ગયા છે. વાંદરા ખાવાનું ખાઈ જાય ત્યાં સુધી ઠીક છે, પણ એ વખતે તેઓ જે ધમાલ મચાવે છે એને કારણે મારાં બાળકો ગભરાઈ જાય છે.’
ઉનાળામાં જંગલમાં ફળ અને અન્ય ખાઈ શકાય એવી વનસ્પતિ ઓછી થઈ જાય છે એથી ખોરાકની શોધમાં વાંદરા નૅશનલ પાર્કની બહારની નજીકની સોસાયટીઓમાં આવી જાય છે. તેઓ પાઇપ પરથી ઘરમાં ઘૂસી જઈને ખાવાનું ખાઈ જાય છે. તેમને માટે એ ઈઝી ઍક્સેસ હોય છે. જોકે કેટલાક લોકો તો સામેથી ફળ અને ફૂડ ખાવા આપતા હોય છે એટલે ખોરાક આસાનીથી મળી જતો હોવાથી તેઓ હાઉસિંગ સોસાયટીઓમાં દોડી આવે છે.
આરે કૉલોની
ગોરેગામ-ઈસ્ટ
કાંદિવલી-ઈસ્ટ
બોરીવલી- ઈસ્ટ
દહિસર-ઈસ્ટ
મુલુંડ–વેસ્ટ
ભાંડુપ-વેસ્ટ
થાણેના આઉટસ્કર્ટ વિસ્તાર
વાંદરાઓ પાઇપ પકડીને આઠમા માળ સુધી ચડી જાય છે. - સેક્રેટરી સિદ્ધાર્થ સંપટ
ઘરમાં આવીને કાંઈ ખાઈ જાય એનો વાંધો નથી, પણ જે રીતે ઘરમાં ધમાલ મચાવે છે એનાથી બાળકો ગભરાઈ જાય છે. - જાગૃતિ પારેખ
દર વર્ષે ઘરમાં વાંદરા ઘૂસી આવ્યા હોય એવા ૬૦૦ કૉલ આવે છે - પવન શર્મા - વાઇલ્ડલાઇફ વૉર્ડન (ઑનરરી)