પૂરગ્રસ્ત સાંગલી જિલ્લામાં હેલિકૉપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવાની શરૂઆત

10 August, 2019 01:02 PM IST  |  મુંબઈ

પૂરગ્રસ્ત સાંગલી જિલ્લામાં હેલિકૉપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવાની શરૂઆત

સાંગલી જિલ્લાના કલેક્ટર અભિજિત ચૌધરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત સાંગલી જિલ્લામાં રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પૅકેટ્સ જેવી રાહત સામગ્રી ફેંકવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરવા શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં બચાવ કામગીરીમાં ઍરલિફ્ટિંગ સહિત વિવિધ કાર્યો માટે હેલિકૉપ્ટરનો વ્યાપક ઉપયોગ કરવાની શક્યતા છે.’

અભિજિત ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ગુરૂવાર સુધીમાં પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત સાંગલી, પુણે, કોલ્હાપુર અને સાતારા ઉપરાંત સોલાપુર જિલ્લામાં પાણીમાં ડૂબીને ૨૭ જણ મૃત્યુ પામ્યા છે. સાંગલી, કોલ્હાપુર અને સાતારામાં બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં સાંગલી અને કોલ્હાપુરની સંખ્યા સૌથી વધારે છે. કોલ્હાપુરમાં ૯૭,૧૦૨ તેમ જ સાંગલીમાં ૮૦,૩૧૯ છે. હજી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.’

સાંગલીના પલુસ તાલુકાના બ્રહ્મનાલ ગામમાં બચાવ કાર્યમાં સક્રિય હોડી ઊંધી વળતાં નવ જણ ડૂબી ગયા હતા અને ચાર જણ ગુમ થયા હતા. સાંગલી જિલ્લામાં નૌકાદળની ૧૨ બચાવ ટુકડીઓ બચાવ કાર્યમાં જોડાઈ છે. સાંગલી અને કોલ્હાપુરમાં હવામાન ખરાબ હોવાને કારણે બચાવ ટુકડીઓને હેલિકૉપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાનું અશક્ય બનતાં જવાનોને બસોમાં મોકલવામાં આવ્યા હતા. નૌકાદળની ૧૨ બચાવ ટુકડીઓની બસો સાંગલી સુધી અડચણ વગર પહોંચે એ માટે આખા રસ્તા પર પોલીસની તહેનાતી સાથે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો.

રાજ્યમાં પૂરને કારણે એમપીએસસીની પરીક્ષા આગળ ઠેલાઈ પશ્ચિમ મહારાષ્ટ્રમાં મહાપૂરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષા આગળ ઠેલવામાં આવી છે. એમપીએસસીની પરીક્ષા પૂર્વનિયોજિત રૂપે ૧૧ ઑગસ્ટે લેવાવાની હતી, પણ મહાપૂરને કારણે હવે આ પરીક્ષા ૨૪ ઑગસ્ટથી શરૂ થશે. પરીક્ષા આગળ ઠેલાતાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઘણી રાહત થઈ હતી.

national news maharashtra