સિનિયર સિટિઝને પ્રજાસત્તાક દિને આપી પાર્કિન્સન્સના દરદીઓને ભેટ

28 January, 2022 09:32 AM IST  |  Mumbai | Rohit Parikh

પાર્કિન્સન્સનો સારો ઉપચાર ડાન્સ હોવાથી એના દરદી ગુલશન નારંગે ‘ખુલ કે નાચો’ નામનો રાષ્ટ્રીય વંદનાનો વિડિયો રિલીઝ કર્યો

પાર્કિન્સન્સના દરદીઓ સાથે પ્રજાસત્તાક દિને ‘મેરા ઇન્ડિયા...’ ગીત પર કરવામાં આવી રહેલો ડાન્સ.

જિંદગીમાં માનસિક કે શારીરિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય; જે માનવી આ સમયમાં નાચી, ગાઈ અને હસીને ખુશ રહી શકે છે તે ગમે એવા રોગનો પ્રતિકાર કરવા શક્તિમાન બની જાય છે. 
ઘાટકોપર (ઈસ્ટ)ના ૫૩ વર્ષના ગુલશન નારંગ પાર્કિન્સન્સના દરદી છે. તેમણે પણ જીવનમાં આવો જ મંત્ર અપનાવ્યો છે. તેઓ પાકિન્સન્સની જાગૃતિ માટે તેમની યુટ્યુબ ચૅનલ ‘ખુલ કે નાચો’ના માધ્યમથી પાર્કિન્સન્સના દરદીઓને કહે છે કે પાર્કિન્સન્સનો સૌથી સારો ઉપચાર ડાન્સ છે. તેમના આ લક્ષને પૂરું પાડવામાં તેમના વૉકના મિત્રો પણ તેમને સાથ આપે છે. ગુલશન નારંગ અને તેમના મિત્રોએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ડાન્સ કરીને રાષ્ટ્રીય વંદનાનો વિડિયો વાઇરલ કર્યો છે જેને દેશના અનેક ભાગમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. 
આ બાબતની માહિતી આપતાં ગુલશન નારંગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સાથે વિદ્યાવિહારમાં આવેલી સોમૈયા કૉલેજના પરિસરમાં અનેક સિનિયર સિટિઝનો અને યુવાનો ચાલવા માટે આવે છે. હું પાર્કિન્સન્સનો દરદી બન્યા પછી મેં મારા જેવા પાર્કિન્સન્સના અનેક દરદીઓને જાગરૂક કરવાનું બીડું ઝડપ્યું છે. મારે તેમને સંદેશો આપવો છે કે જિંદગીને બધા સંજોગોમાં માણી લો. સિનિયર સિટિઝન હોવા છતાં મારે યુવાન બનીને જીવવું છે. મારા જેવા અનેક સિનિયર સિટિઝનો અને પાર્કિન્સન્સ જેવી બીમારીના દરદીઓને ખુશી આપવા મેં પર્ફોર્મન્સ આપવાનું શરૂ કર્યું છે. એનું નામ મેં લાઇફ રાખ્યું છે. મારા પિતા ૭૮ વર્ષના છે. તેમણે ક્યારેય ડાન્સ કર્યો નથી, પણ તેઓ મારી સાથે ડાન્સ પર્ફોર્મન્સ આપે છે. તેમને આનંદથી ઝૂમતા જોઉં ત્યારે મળતી ખુશીને હું વ્યક્ત કરી શકતો નથી.’ 
પાર્કિન્સન્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો એક વિકાર છે, જેમાં ઘણી વખત ધ્રુજારીનો સમાવેશ થાય છે. મગજમાં ચેતા કોષોને નુકસાન થવાથી ડોપામાઇનનું સ્તર ઘટી જાય છે, જે પાર્કિન્સન્સનાં લક્ષણો તરફ દોરી જાય છે. પાર્કિન્સન્સ ઘણી વાર એક હાથમાં ધ્રુજારી સાથે શરૂ થાય છે. એનાં અન્ય લક્ષણો છે ધીમી ગતિ, જડતા અને સંતુલન ગુમાવવું.
આ પરિસ્થિતિમાં પણ ગુલશન નારંગ પોતે તો ડાન્સ કરીને જિંદગીને માણે છે, પણ તેમની સાથે તેઓ પાર્કિન્સન્સના અન્ય દરદીઓને પણ ડાન્સ કરીને જીવન જીવતાં શીખવાડી રહ્યા છે એમ જણાવતાં ઘાટકોપરની અનેક હૉસ્પિટલો સાથે સંકળાયેલાં ૪૫ વર્ષના ફિઝિયોથેરપિસ્ટ ડૉ. હેતલ કુમાર દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધી રીતે સાજા-સારા ગુલશન નારંગની સાથે સવારે વૉકિંગ કરવા જઈએ છીએ. ગુલશન નારંગ જીવનની ઉજવણી કરવામાં માને છે અને દરેક પ્રસંગને તેઓ ઉજવણીમાં પરિવર્તિત કરે છે. તેમણે અમારી પાસે તેમની ૭૩મા પ્રજાસત્તાક દિવસે કંઈક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઇચ્છા પૂરી કરવા અમે સૌ તૈયાર થઈ ગયા અને મેરા ઇન્ડિયા ગીત પર અમે તેમની સાથે ડાન્સ કર્યો હતો જેનો વિડિયો પ્રજાસત્તાક દિને વાઇરલ કરવામાં આવ્યો હતો.’

mumbai news Mumbai rohit parikh