27 May, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મુંબઈમાં સોમવારની સવાર એક બિહામણા સપના જેવી રહી, જ્યારે સતત મૂશળધાર વરસાદ અને ગરજતાં વાદળાઓ અને ફૂંકાતા પવનોએ જનજીવન વેર-વિખેર કરી દીધું. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ પહેલા સવારે યેલો અલર્ટ જાહેર કર્યું હતું, પણ બગડતી સ્થિતિને જોતાં બપોરે આને રેડ અલર્ટમાં બદલી દેવામાં આવ્યું. એ ચેતવણી પણ ખૂબ જ ગંભીર હવામાનની સ્થિતિ તરફ સંકેત કરે છે.
250 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી
વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ અસર પડી - કુર્લા, સાયન, દાદર અને પરેલના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા, વાહનો ઘૂંટણ સુધી પાણીમાં ફસાયેલા જોવા મળ્યા. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને હવાઈ સેવાઓ પણ મોટી અસર પામી હતી. 250 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અથવા રદ કરવામાં આવી હતી.
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદ સામે લાચાર દેખાઈ. મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇન પર ટ્રેનોની ગતિ ધીમી રહી, જોકે થોડા સમય પછી સેવાઓ સામાન્ય થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણે અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા અને પુલ, રસ્તા અને વીજ લાઇન જેવા સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો.
IMD એ ચેતવણી આપી હતી કે આગામી થોડા કલાકોમાં મુંબઈમાં ભારે વરસાદ, વીજળી પડવાની અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે, નરીમાન પોઈન્ટમાં એક કલાકમાં ૧૦૪ મીમી વરસાદ નોંધાયો - જે દિવસનો સૌથી વધુ વરસાદ છે.
વરસાદ 22 થી 29 મીમી
કોલાબા, ગ્રાન્ટ રોડ, મલબાર હિલ અને ડી વોર્ડ જેવા મધ્ય વિસ્તારોમાં પણ 60 થી 86 મીમી વરસાદ પડ્યો. બીજી તરફ, માનખુર્દ અને કલેક્ટર કોલોની જેવા પૂર્વીય ઉપનગરોમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો - ફક્ત ૧૩ થી ૧૬ મીમી. પશ્ચિમી ઉપનગરોમાં, બાંદ્રા, ખાર અને વિલે પાર્લેમાં 22 થી 29 મીમી વરસાદ પડ્યો.
બીએમસીએ જણાવ્યું હતું કે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાયન સર્કલ, દાદર ટીટી, હિંદમાતા, વરલીમાં બિંદુમાધવ ચોક અને ફાઇવ ગાર્ડન જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની પુષ્ટિ થઈ છે.
ભારે પવનને કારણે વૃક્ષો પડવાના બનાવો પણ નોંધાયા છે. શહેર અને ઉપનગરોમાં કુલ 9 વૃક્ષો પડી ગયા હોવાની માહિતી BMCને મળી છે.
જોકે, બપોરે, BMC એ માહિતી આપી હતી કે લોકલ ટ્રેન સેવાઓ હવે સામાન્ય રીતે ચાલી રહી છે, પરંતુ આગામી 24 થી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતાને કારણે વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક છે. દરમિયાન, મહારાષ્ટ્રના રત્નાગિરી, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઈ, થાણે અને પાલઘર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ હજુ પણ અમલમાં છે.