આખરે ૧૧ દિવસે મુંબઈ પાછા ફર્યા બળવાખોર ધારાસભ્યો, પોલીસ દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત

02 July, 2022 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બળવાખોર નેતાઓ સાથે મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર છે

તસવીર સૌજન્ય: સતેજ શિંદે

શિવસેનામાંથી બળવો કરીને ઉદ્ધવ ઠાકરે સરકારના પતનનું કારણ બનેલા બળવાખોર ધારાસભ્યો આજે મુંબઈ પરત ફર્યા છે. મુંબઈ પોલીસે તેમની સુરક્ષા માટે મુંબઈ એરપોર્ટથી ઓબેરોય હોટલ સુધીના રૂટ પર ખાસ કોરિડોર બનાવ્યો છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવી છે. બળવાખોર નેતાઓ સાથે મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર છે.

આ ધારાસભ્યોને લાવવા માટે ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડ એરપોર્ટ પર હાજર હતા. ઘટનાસ્થળે સેંકડો પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ધારાસભ્યો ત્રણ સ્પેશિયલ બસમાં એરપોર્ટથી રવાના થયા હતા. મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસને યોગ્ય સૂચનાઓ આપી હતી.

મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે કારણ કે બળવાખોર ધારાસભ્યો ગોવાથી મુંબઈ આવી રહ્યા છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. મુંબઈ ટ્રાફિક પોલીસ ગિરગાંવ ચોપાટી પાસે રસ્તા પર કોઈપણ વાહનોને પાર્ક કરવાની મંજૂરી આપી નથી. કારના નંબરની મદદથી તેઓ માલિકોનો સંપર્ક કરીને તેમને કાર હટાવવાનું કહી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો પહેલા સુરત ગયા, પછી આસામના ગુવાહાટી ગયા. એકનાથ શિંદેના મુંબઈ આગમન બાદ તેમના સમર્થકો ગોવામાં તાજ કન્વેન્શન સેન્ટર હોટેલમાં રોકાયા હતા. આવતી કાલે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે અને સોમવારે એકનાથ શિંદે સરકારની બહુમત પરીક્ષણ થશે. તે પૃષ્ઠભૂમિમાં ધારાસભ્ય આજે મુંબઈ પહોંચ્યા હતા. તેમને મુંબઈની ઓબેરોય હોટલમાં રાખવામાં આવશે.

મહાવિકાસ આઘાડીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે રાજન સાલ્વીના નામ પર મહોર મારી દીધી છે. આથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપના રાહુલ નાર્વેકર અને શિવસેનાના રાજન સાલ્વી વચ્ચે સીધો જંગ છે. તેથી નજીકના ભવિષ્યમાં અધ્યક્ષ કહેવાશે તે અંગેનો નિર્ણય આવતી કાલે લેવામાં આવશે. દરમિયાન શિવસેનાના ધારાસભ્યોને આ વિધાનસભા ચૂંટણી માટે વ્હીપ આપવામાં આવ્યો છે.

mumbai mumbai news mumbai police eknath shinde shiv sena maharashtra