બળવાખોરોનો રાગ ‘વિચિત્ર’ કેમ?

28 June, 2022 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના બળવાખોર જૂથના વિધાનસભ્ય દીપક કેસરકર કહે છે, ઉદ્ધવ એમવીએમાંથી બહાર નીકળી જાય અને તેમના આશીર્વાદથી જ નવી બીજેપી-સેના સરકાર બની જાય તેમ જ ફલોર-ટેસ્ટની પણ જરૂર ન પડે

દીપક કેસરકર

વિધાનસભ્યપદ રદ થવાની નોટિસમાં સુપ્રીમ કોર્ટમાંથી ૧૨ જુલાઈ સુધીની રાહત મળ્યા બાદ એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હોટેલમાં રોકાયેલા કોંકણના વિધાનસભ્ય દીપક કેસરકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી સરકારમાંથી બહાર નીકળવું જોઈએ. ત્યાર બાદ તરત જ બીજેપી-શિવસેનાની સરકાર બનશે. રાજીનામું આપ્યા વિના ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંડળમાંથી બહાર નીકળશે તો ફ્લોર-ટેસ્ટ કરવાની જરૂર નહીં પડે અને ટૂંક સમયમાં જ બીજેપી-શિવસેનાની સરકાર બનશે. અમે બધા હજી પણ શિવસેનામાં છીએ, ક્યાંય ગયા નથી. આથી ઉદ્ધવ ઠાકરેએ આ વાત પર ધ્યાન આપવું જોઈએ.’

કોંકણના શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે ગઈ કાલે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં જે બતાવાઈ રહ્યું છે એવી સ્થિતિ નથી. અમે હજી પણ શિવસેનામાં છીએ. ઉદ્ધવ ઠાકરે જ અમારા નેતા છે. તેમના માટે અમને આદર અને પ્રેમ છે. તેમના આશીર્વાદથી નવી સરકાર બનવી જોઈએ. ૧૦થી ૧૨ વિધાનસભ્યોને બાદ કરતાં પક્ષના તમામ વિધાનસભ્યો અમારી સાથે છે. આથી સરકાર બનાવવા માટે અમારી પાસે પૂરતી સંખ્યા છે.’

દીપક કેસરકરે આ સમયે વધુમાં કહ્યું હતું કે ‘કોઈ દીકરો ઘર છોડીને જાય તો તેને સમજાવીને પાછો લવાય છે, પરંતુ અમને ધમકીઓ અપાઈ રહી છે. પહેલાં કંઈ વિચાર્યું હોત તો મહાવિકાસ આઘાડી સરકાર ટકી શકી હોત, પરંતુ ઉદ્ધવ ઠાકરેને એનસીપીના નેતાઓની સલાહ મહત્ત્વની લાગે છે. રાજ્યની જનતાએ અમને બીજેપી-શિવસેના યુતિ તરીકે ચૂંટ્યા હતા, પરંતુ શિવસેનાએ જુદો જ ચૂલો માંડ્યો. જનતાએ મતરૂપી આપેલા આશીર્વાદ પ્રમાણે સરકાર બનવી જોઈતી હતી. મહાવિકાસ આઘાડી સરકાર બની હતી ત્યારે બીજેપી રસ્તામાં નહોતી ઊતરી. આથી હવે બીજેપી સાથે સરકાર બનાવવાનો નિર્ણય તેમણે માન્ય રાખવો જોઈએ.’

દીપક કેસરકરે અંતમાં કહ્યું હતું કે ‘વચ્ચેના સમયમાં માતોશ્રી પર અનેક આરોપ કરવામાં આવ્યા હતા. માતોશ્રી પર કોઈ આરોપ ન કરે, કારણ કે માતોશ્રી આખા મહારાષ્ટ્રનું શ્રદ્ધાસ્થાન છે. બીજેપી અને બાળાસાહેબ ઠાકરેના સંબંધ ઘણા સારા હતા.’

mumbai mumbai news maharashtra indian politics shiv sena bharatiya janata party