બે વર્ષ બૅન્ક પર નજર રાખ્યા બાદ RBIની કોટક મહિન્દ્ર બૅન્ક સામે ઍક્શન

26 April, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ક ઑનલાઇન-મોબાઇલ બૅન્કિંગથી નવા કસ્ટમરો નહીં જોડી શકે, ઑનલાઇન નવાં ક્રેડિટ કાર્ડ આપી નહીં શકે

પ્રતીકાત્મક તસવીર

IT રિસ્ક મૅનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવથી ગ્રાહકોને વારંવાર થતી પરેશાનીના પગલે લેવાયો નિર્ણય : બૅન્ક ઑનલાઇન-મોબાઇલ બૅન્કિંગથી નવા કસ્ટમરો નહીં જોડી શકે, ઑનલાઇન નવાં ક્રેડિટ કાર્ડ આપી નહીં શકે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ બુધવારે કોટક મહિન્દ્ર બૅન્કને ઑનલાઇન અને મોબાઇલ બૅન્કિંગની મદદથી નવા કસ્ટમરો જોડવા પર રોક લગાવી દીધી છે. એટલું જ નહીં, બૅન્ક હવે એના કસ્ટમરોને ઑનલાઇન નવાં ક્રેડિટ કાર્ડ પણ આપી નહીં શકે. જોકે બૅન્ક એના વર્તમાન ગ્રાહકો અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને વિવિધ સેવાઓ પૂરી પાડી શકશે.સતત બે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં કોટક મહિન્દ્ર બૅન્ક પર નજર રાખ્યા બાદ RBIનો આ પ્રતિબંધ આવ્યો છે. RBI દ્વારા કરવામાં આવેલી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) તપાસમાં બૅન્કમાં અનેક મોરચે મહત્ત્વપૂર્ણ ખામીઓ જોવા મળી હતી અને કેટલાક નિયમોના ઉલ્લંઘનની જાણકારી પણ મળી હતી. કોટક મહિન્દ્ર બૅન્ક આ ખામીઓનો ઉકેલ લાવવામાં લગાતાર નિષ્ફળ રહેતાં RBIએ આ પગલું ભર્યું છે. RBIનું કહેવું છે કે બૅન્કમાં IT રિસ્ક મૅનેજમેન્ટ ફ્રેમવર્કનો અભાવ છે અને એને લીધે કોર બૅન્કિંગ સિસ્ટમ અને એના ઑનલાઇન અને ડિજિટલ બૅન્કિંગ ચૅનલ્સમાં ઘણી વાર આઉટેજ જોવા મળ્યો હતો અને તેથી બૅન્કના ગ્રાહકોને વારંવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

RBIએ કહ્યું હતું કે બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ ૧૯૪૯ની કલમ ૩૫A હેઠળના પાવર્સના આધારે કોટક મહિન્દ્ર બૅન્ક વિરુદ્ધ આ નિર્ણય તાત્કાલિક ધોરણે અમલી થાય એમ લેવામાં આવ્યો છે. 
જાણકારોનું કહેવું છે કે આશરે એક વર્ષ સુધી આ પ્રતિબંધ રહી શકે એમ છે. તમામ વ્યવસ્થા યોગ્ય થશે એ પછી આ પ્રતિબંધ હટી જશે. અગાઉ પણ આવાં પગલાં અન્ય બૅન્કો સામે લેવામાં આવ્યાં છે.

RBIનું કહેવું છે કે ‘મજબૂત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે કોટક મહિન્દ્ર બૅન્કની ડિજિટલ બૅન્કિંગ ચૅનલને વારંવાર રુકાવટોનો સામનો કરવો પડે છે અને તેથી ગ્રાહકોને અસુવિધા થાય છે. બૅન્ક એનાં કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ્સ અને સૉફ્ટવેર અપડેટ્સને મૅનેજ કરતી નથી. ડેટા સુરક્ષિત રહે એ માટે પણ કામ થતું નથી. બે વર્ષ સુધી આ ખામીઓ સુધારવા બૅન્ક-મૅનેજમેન્ટે કંઈ કર્યું નથી.’
આ અગાઉ RBIએ આ જ રીતે HDFC બૅન્કને પણ નવા ડિજિટલ બિઝનેસને લૉન્ચ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો જે આઠ મહિના સુધી રહ્યો હતો. 

national news reserve bank of india finance news