કર્મચારીઓની હાલત કફોડી:જૂનથી પગાર જ નથી મળ્યો

07 November, 2019 12:40 PM IST  |  Mumbai

કર્મચારીઓની હાલત કફોડી:જૂનથી પગાર જ નથી મળ્યો

ઘાટકોપરના એમ. જી. રોડ પર આવેલા રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સની દિવાળી પછી કફોડી હાલત થતાં રોકાણકારો ભારે ભીંસમાં છે, પરંતુ એના કરતાં પણ વધુ કફોડી હાલત એના કર્મચારીઓની થઈ છે. જૂન મહિનાથી શૉપના કર્મચારીઓને પગાર અપાયો નથી અને તેમનું પીએફ પણ ભરાયું નથી. ફક્ત તેમને પગાર આપવામાં આવશે એવાં આશ્વાસન જ અપાતાં હતાં. અમુક કર્મચારીઓ આર્થિક રીતે ખૂબ લાચાર હોવાનું અને એમાંથી એક કર્મચારીને ડેન્ગી હોવા છતાં ઇલાજ માટે પૈસા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. કર્મચારીઓના પગાર અને પીએફને લઈને મહારાષ્ટ્રના લેબર કમિશનર સુધી ફરિયાદ કરવામાં આવી છે.


આ સંદર્ભે રસિકલાલ સાંકળચંદ જ્વેલર્સમાં પાંચ વર્ષથી કામ કરતી અને ઘાટકોપરમાં રહેતી એક મહિલા કર્મચારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શૉપના કર્મચારીઓને જૂનથી છેલ્લા પાંચ મહિનાનો પગાર અપાયો નથી અને કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફન્ડ પણ જમા કરવામાં આવ્યું નથી. પગાર ન આપવા સામે અમને કહેવાતું હતું કે હાલમાં સીઝન નથી એટલે નવરાત્રિ કે દિવાળીમાં ઘરાકી થશે તો પગાર આપી દેવાશે. એવી રીતે અનેક વખત આશ્વાસન અપાયાં હતાં. થાણેમાં રહેતી ૨૩ વર્ષની અન્ય એક મહિલા કર્મચારી છેલ્લા દોઢેક વર્ષથી અહીં કામ કરે છે. તેને ડેન્ગી થઈ ગયો છે, પરંતુ પગાર ન મળતાં તેને સારવારમાં પણ મુશ્કેલી પડી રહી છે. અંતે અમારી કફોડી હાલતને કારણે અમે કિરીટ સોમૈયાની મદદ માગી હતી.’


આ વિશે ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શૉપના કર્મચારીઓએ તેમને ન મળેલા પગાર અને પીએફ વિશે વાત કરી હતી. કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર મળ્યો ન હોવાની સાથે છ મહિનાનું પીએફ પણ ભરાયું નથી. એટલે ગઈ કાલે બાંદરા-ઈસ્ટના બીકેસીના કામગર ભવનમાં મહારાષ્ટ્રના લેબર કમિશનર મહેન્દ્ર કલ્યાણકર અને અસિસ્ટન્ટ કમિશનર દેશપાંડેને કર્મચારીઓ સાથે મળ્યો હતો તેમ પીએફ કમિશનર સાથે પણ ચર્ચા મેં કરી હતી અને તેમને આવેદનપત્ર સુપરત કર્યું છે તેમ જ સંબંધિત વિભાગ દ્વારા જ્વેલરના માલિકને નોટિસ પણ મોકલાવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.’

આ પણ જુઓ : જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

લેબર કમિશનર મહેન્દ્ર કલ્યાણકરે કહ્યું કે કર્મચારીઓની ફરિયાદના આધારે જ્વેલરી શૉપના માલિકને નોટિસ આપવામાં આવી છે. હાલમાં આ બાબત ડેપ્યુટી કમિશનર જોઈ રહ્યા હતા. માલિકે કર્મચારીઓને જૂન મહિનાથી પગાર ચૂકવ્યો નથી.

mumbai news