વિદ્યાના ધામમાં થયો બાળકી પર અત્યાચાર

25 May, 2022 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડની એક સ્કૂલના પ્યુને પાંચ વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કૃત્ય

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુલુંડમાં એક જાણીતી સ્કૂલમાં પાંચ વર્ષની બાળકી પર કથિત રીતે સ્કૂલના એક પ્યુને અત્યાચાર કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપી આ બાળકીને ચૉકલેટની લાલચ આપીને સ્કૂલની એક રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
મુલુંડ-ઈસ્ટમાં આવેલી આ સ્કૂલમાં સોમવારે સાંજના પાંચ વાગ્યે બાજુની સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની બાળકી સ્કૂલના ગ્રાઉન્ડમાં રમવા આવી હતી. ત્યારે સ્કૂલના ૫૨ વર્ષના પ્યુન હેમંત વૈતીએ તેને ચૉકલેટની લાલચ આપી હતી. એ સમયે સ્કૂલમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને તે બાળકીને એક ક્લાસરૂમમાં લઈ ગયો હતો જ્યાં 
તેણે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. એ 
પછી આરોપીએ બાળકીને કોઈને ન કહેવાની ધમકી આપી હતી. બાળકીએ ઘરે જઈને આ ઘટનાની વાત પેરન્ટ્સને કહી હતી. એ પછી નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં બાળકીને રાજાવાડી હૉસ્પિટલમાં તબીબી સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આરોપી સ્કૂલમાં છેલ્લાં ૩૦ વર્ષથી કામ કરતો હોવાની માહિતી અમને મળી છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai Crime News mulund