અગ્રીમા જોશુઆને રેપની ધમકી આપનાર ‘ઉમેશ દાદા’ નાલાસોપારાથી ઝડપાયો

14 July, 2020 12:40 PM IST  |  Mumbai | Vishal Singh

અગ્રીમા જોશુઆને રેપની ધમકી આપનાર ‘ઉમેશ દાદા’ નાલાસોપારાથી ઝડપાયો

ઉમેશ દાદા ઉર્ફ ઇમ્તિયાઝ શેખ

છત્રપતિ શિવાજી મહારાજ વિશે જોક કરનાર સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અગ્રીમા જોશુઆને યુટ્યુબ પર વિડિયો અપલોડ કરી રેપ કરવાની ધમકી આપનાર શુભમ મિશ્રાને વડોદરા પોલીસે ઝડપી લીધાના બીજા જ દિવસે તેના મિત્ર અને તેના જેવી જ બળાત્કાર કરવાની ધમકી આપનાર ઉમેશ દાદા ઉર્ફ ઇમ્તિયાઝ શેખને મુંબઈ સાઇબર પોલીસે આજે નાલાસોપારાથી ઝડપી લીધો હતો.

શુભમ મિશ્રાએ બળાત્કારની ધમકી આપતો જે વિડિયો અપલોડ કર્યો હતો એ ઊહાપોહ મચતાં યુટ્યુબ પરથી કાઢી નાખ્યો હતો, પણ દરમિયાન એ વિડિયો વાઇરલ થઈ ગયો હતો. એ વિડિયોની ધમકી બાબતે અનેક સેલિબ્રિટીઓએ વાંધો ઉઠાવતાં વડોદરા પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી. શુભમ મિશ્રાએ અપલોડ કરેલા એ વિડિયો બાદ તેના ફ્રેન્ડ ઉમેશ દાદા ઉર્ફ ઇમ્તિયાઝ શેખે પણ એવો જ બળાત્કારની ધમકી આપતો વિડિયો અપલોડ કર્યો હતો. એથી તેની પણ ધરપકડ કરવા માગ ઊઠી હતી. એથી રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સાઇબર સેલ અને મુંબઈ પોલીસને આ બાબતે તપાસ કરી પગલાં લેવા જણાવ્યું હતું. એ પછી સાઇબર સેલનાં ડીસીપી રશ્મ‌િ કરંદીકરે તેમની ટીમ સાથે ઇમ્તિયાઝનું લોકેશન ટ્રૅક કરવાનું ચાલુ કર્યું હતું અને આખરે તેને નાલાસોપારાથી ઝડપી લીધો હતો. અનિલ દેશમુખે કહ્યું છે કે ‘મહિલાને ઑનલાઇન ધમકી આપનાર વ્યક્તિને પકડી લીધી છે, હાલ તેની પૂછપરછ થઈ રહી છે. એ પછી અમે અગ્રીમા જોશુઆ સામે પણ પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ. જોકે આ સંદર્ભે હાલ અમે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.’

આ પણ વાંચો : ફરજિયાત ક્વૉરન્ટીન માટે રેસિડન્ટ ડૉક્ટર્સના દિવસના 300 રૂપિયા કપાય છે

સાઇબર સેલના એક ઑફિસરે કહ્યું હતું કે સાઇબર સેલે વિડિયો અપલોડ થયો હોવાની માહિતી મળતાં સુઓમોટો લઈ આ કાર્યવાહી કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

mumbai mumbai news vishal singh nalasopara Crime News mumbai crime branch mumbai crime news mumbai police