માસી-માસી કહીને મામો બનાવી ગયો

28 May, 2022 08:17 AM IST  |  Mumbai | Rohit Parikh

કાંદિવલીમાં ઑફિસ ધરાવતો રાજેશ પટેલ સસ્તી ચારધામની યાત્રા કરાવવાના બહાને લોકોના ૩૦થી ૪૦ લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયો

ચારધામ યાત્રાની લોભામણી ઑફરમાં ફસાયેલાં આશા દેસાઈ (જમણે) અને (ડાબે) પાવન ટૂરિઝમનો માલિક રાજેશ પટેલ.

કોવિડનાં બે વર્ષ પછી ચારધામ યાત્રા કરવા તત્પર બનેલા ભાવિકોને જ્યારે પાવન ટૂરિઝમના રાજેશ પટેલની ૩૩,૯૯૯ રૂપિયામાં ૧૧ દિવસ એ પણ ઍરટિકિટ અને કેદારનાથમાં હેલિકૉપ્ટર, રહેવા-જમવા સાથેની લોભામણી ઑફર જાણવા મળી ત્યારે સેંકડો ભાવિકો રાજેશ પટેલની કાંદિવલી (વેસ્ટ)માં આવેલી ઑફિસમાં મે મહિના માટે ચારધામની યાત્રાનું બુકિંગ કરવા દોડી ગયા હતા. જોકે થોડા દિવસમાં જ રાજેશ પટેલ કાંદિવલીની ઑફિસ બંધ કરીને છૂમંતર થઈ ગયો ત્યારે ભાવિકો હતાશ થઈ ગયા અને હવે તેની સામે આ ભાવિકો આક્રોશમાં આવી ગયા છે. અલગ-અલગ ભાવિકોએ રાજેશ પટેલના વિરોધમાં જોગેશ્વરી, મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ભાવિકોને શંકા છે કે રાજેશ પટેલ સસ્તી ચારધામની યાત્રા કરાવવાના બહાને લોકોના ૩૦થી ૪૦ લાખ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયો છે.  
મેં મારું બુકિંગ કરાવ્યું ત્યારે હું રાજસ્થાનની ટૂર પર હતી એમ જણાવતાં નિવૃત્ત જીવન જીવી રહેલાં ૬૩ વર્ષના સિનિયર સિટિઝન આશા દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનામાં હું રાજસ્થાનની ટૂર પર હતી. ત્યારે મારી ભત્રીજીનો મને ફોન આવ્યો હતો કે પાવન ટૂરિઝમના રાજેશ પટેલ મે મહિનામાં ૩૩,૯૯૯ રૂપિયામાં ચારધામની યાત્રાએ લઈ જાય છે. તેની વાત સાંભળીને મેં તરત જ તેને હા પાડી દીધી હતી અને અમારા પરિવારના જ ૨૧ જણ રાજેશ પટેલની ચારધામ યાત્રામાં જવા તૈયાર થઈ ગયા હતા. મેં તો રાજસ્થાનમાંથી જ મારા અને મારા મિસ્ટરના ૨૨,૦૦૦ રૂપિયા ડિપોઝિટરૂપે ગૂગલ પેથી મોકલાવી દીધા હતા. એવી જ રીતે મારા ભાઈઓ અને અન્ય પરિવારજનોએ રાજેશ પટેલને ચારધામની  યાત્રાના ઍડ્વાન્સ આપી દીધા હતા.’
આ પહેલાં મેં રાજેશ પટેલને એ પણ પૂછેલું કે તમે આટલા બધા સસ્તામાં ચારધામ યાત્રા કેવી રીતે લઈ જઈ શકો છો એમ જણાવીને આશા દેસાઈએ કહ્યું હતું કે ‘રાજેશ પટેલે કહ્યું હતું કે વર્ષોથી મારી મે મહિનામાં એક બસ સૌથી પહેલી ચારધામ યાત્રાએ પહોંચે જ. આથી મારા સંપર્ક સારા હોવાથી અને કોવિડ પહેલાં અમે બુકિંગ કરાવી લીધું હોવાથી મને ઍરટિકિટ અને હોટેલોના ભાવ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મળે છે.’
અમે તેને પૈસા ઍડ્વાન્સ આપી દીધા પછી મને ખબર પડી હતી કે રાજેશ પટેલ કોઈ પાસેથી ૩૨,૦૦૦ રૂપિયા લે છે તો કોઈ પાસેથી ૩૪,૦૦૦ રૂપિયા લે છે એટલે મને તેના પર થોડી શંકા ગઈ હતી એમ જણાવતાં આશા દેસાઈએ કહ્યું હતું કે ‘મેં રાજેશ પટેલને રાજસ્થાનથી જ કહેલું કે તમારી ચારધામ યાત્રા પર મને શંકા જાગે છે, તમે અમારી સાથે કોઈ છેતરપિંડી તો કરશો નહીંને? તો તે મને કહે કે માસી ચિંતા નહીં કરો. આમ છતાં મેં તેને કહેલું કે મારા બાકીના પૈસા હું તારી ઑફિસમાં આવીને તને મળીને આપીશ. મુંબઈ આવ્યા પછી મારી સાથે મીટિંગ કરવામાં રાજેશ પટેલ ઠાગાઠૈયા કરતો હતો, પરંતુ મેં મારી મળવાની જીદ છોડી નહોતી. આખરે એક દિવસ તે મને મળ્યો અને અમારા બે વચ્ચે વાતચીતો થઈ અને અમારા પરિવારના બધાના ૪ માર્ચથી ૧૬ એપ્રિલ સુધીમાં અમે ૨,૭૫,૦૦૦ રૂપિયા રાજેશ પટેલને ચૂકવી દીધા હતા. અમારા એક મિત્રએ ૭૭,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા.’
એ દિવસથી અમારી પનોતી શરૂ થઈ ગઈ હતી એમ જણાવતાં આશા દેસાઈએ કહ્યું હતું કે ‘ત્યાર પછી રાજેશ પટેલનો ફોન સ્વિચ્ડ-ઑફ આવવા લાગ્યો હતો. તેની કાંદિવલી-વેસ્ટની અવિરાહી આર્કેડમાં આવેલી અવિરાહી ઑફિસ-સ્પેસ બંધ થઈ ગઈ હતી. તેના ગુજરાતના ખેડા ગામમાં આવેલા ઘરે પણ તેનો પત્તો લાગ્યો નહોતો. આથી મેં ૨૬ એપ્રિલે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેનો સિનિયર સિટિઝન એજન્ટ અલ્પેશ પટેલ બોરીવલી-વેસ્ટના તેના ઘર પર હાજર છે, પણ તેણે તો પહેલેથી જ હાથ ઊંચા કરી દીધા છે.’
અમારી ફરિયાદ પછી અમને ખબર પડી કે રાજેશ પટેલની સામે મલાડ, જોગેશ્વરી અને કાંદિવલીમાં પણ ફરિયાદો નોંધાયેલી છે એમ જણાવીને આશાબહેને કહ્યું હતું કે ‘જોગેશ્વરીની એક મહિલાના ૩,૫૦,૦૦૦ રૂપિયા રાજેશ પટેલ ચાંઉ કરી ગયો છે. આવા તો ઘણા મારા જેવા સિનિયર સિટિઝનો છે જેઓ રાજેશ પટેલની ચુંગાલમાં ફસાયા છે. બોરીવલીના કસ્તુરબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા લોકોની તો પોલીસે ફક્ત ઍપ્લિકેશન જ લીધી છે, ફરિયાદ નોંધી નથી. અમને મળેલી માહિતી પ્રમાણે અમારા જેવા સેંકડો લોકો ફસાયા છે.’
આ પહેલાં મારી ભત્રીજીએ રાજેશ પટેલ પાસે સાઉથના રામેશ્વરમ માટે ટૂર બુક કરી હતી એમ જણાવીને આશાબહેને કહ્યું હતું કે ‘આ ટૂરમાં પણ તેણે છેતરપિંડી કરી હતી. ટૂર નીકળવાની હતી એના  ચાર દિવસ પહેલાં તેણે બધા જ ટૂરિસ્ટોની ઍરટિકિટ કૅન્સલ કરીને પૈસા પોતાના ખાતામાં જમા કરી દીધા હતા. જોકે મારી ભત્રીજી સાથે ચારધામની યાત્રાની વાત શરૂ કરી એટલે તેણે મારી ભત્રીજીના ૧,૨૦,૦૦૦ રૂપિયા મારી ભત્રીજીને રામેશ્વરમ ટૂરના પાછા આપી દીધા હતા. આ બનાવ પછી હું તેના પર ખૂબ જ ભડકી ગઈ હતી અને તેને ગાળો આપી હતી, પણ માસી-માસી કહીને તેણે મને તેની મીઠી-મીઠી વાતોમાં ફસાવી દીધી હતી.’

 મારા જેવા ઘણાં સિનિયર સિટિઝનો છે જેઓ રાજેશ પટેલની ચુંગાલમાં ફસાયા છે. - આશા દેસાઈ

Mumbai mumbai news kandivli rohit parikh