22 October, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ આગાહી કરી છે કે આગામી ચારથી પાંચ મહિનામાં દેશમાં મોટા રાજકીય ઘટનાક્રમો જોવા મળી શકે છે. તેમણે સંકેત આપ્યો કે નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, જો વડા પ્રધાનનું પદ અમુક સમય માટે ખાલી થઈ જાય, તો તેમને આશ્ચર્ય થશે નહીં. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે બોલી રહ્યા હતા, જ્યાં તેમણે `ધ ડાન્સ ઓફ ડેમોક્રૅસી` શીર્ષક ધરાવતા ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધન દરમિયાન, તેમણે બેરોજગારી, મોંઘવારી, પરીક્ષાના પેપર લીક થવા, મતોની કથિત ચોરી અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ચિંતાઓ વ્યક્ત કરી.
રાજ ઠાકરેએ બૅલેટ પેપર (મતપત્રકો)નો ઉપયોગ કરીને ચૂંટણી યોજવાની પોતાની જૂની માગ—જે તેમણે સૌપ્રથમ ૨૦૧૮માં ઉઠાવી હતી—તેનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું કે તેમણે સોનિયા ગાંધી, શરદ પવાર અને મમતા બૅનર્જી સહિતના અનેક રાજકીય નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, "હું ૨૦૧૮થી બૅલેટ પેપર દ્વારા મતદાન પદ્ધતિ પર પાછા ફરવાની માગ કરી રહ્યો છું. ચૂંટણીમાં પારદર્શિતા હોવી જ જોઈએ. આપણા પાડોશી દેશોમાં પણ બૅલેટ પેપરનો ઉપયોગ કરીને મતદાન થાય છે. ફ્રાન્સમાં તો એક વ્યક્તિના વાંધા બાદ આ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. મશીનો દ્વારા મતદાન ખૂબ ઝડપથી થાય છે, પરંતુ આટલી ઉતાવળ કરવાની જરૂર શું છે?" તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીમાં જીત કે હાર તો એક અલગ બાબત છે, પરંતુ મતદારોને એ ખાતરી હોવી જોઈએ કે તેમનો મત ખરેખર તેમણે પસંદ કરેલા ઉમેદવારને જ મળ્યો છે. તેમના મતે, જો પરિણામ જાહેર કરવામાં ચાર દિવસનો સમય લાગે, તો પણ તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.
રાજ ઠાકરેએ સંકેત આપ્યો કે આગામી બેથી ચાર મહિનામાં દેશમાં કંઈક મોટું થઈ શકે છે. તેમણે કહ્યું, "મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આગામી બેથી ચાર મહિનામાં દેશમાં કંઈક મોટું થવાનું છે. બસ રાહ જુઓ અને જુઓ શું થાય છે. હવે ઘણી બાબતો સામે આવશે; આ પ્રક્રિયાને હવે રોકી શકાશે નહીં." તેમણે ઉમેર્યું કે જનતાને હવે પોતાની ફરિયાદો વ્યક્ત કરવા માટે એક મંચ મળી ગયો છે. તેમણે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ અને નજીકના ભવિષ્યમાં અનાજ તથા આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમના મતે, આવી પરિસ્થિતિને સંભાળવી સરકાર માટે એક મોટો પડકાર બની રહેશે. NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના કથિત મામલે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનોને નિર્દયતાથી માર માર્યો. તેમણે સવાલ કર્યો, "આ દેશમાં લોકશાહી ક્યાં છે? સાચી લોકશાહી અમેરિકામાં છે, ભારતમાં નહીં." તેમણે પોલીસ પર વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે દેખાવકારોની વચ્ચે પોલીસના ગણવેશમાં કેટલાક લોકોને ઘુસાડવામાં આવ્યા હતા. તેમણે ભાજપને પૂછ્યું, "શું ભાજપ પોતાનો ભૂતકાળ ભૂલી ગયું છે?" રાજ ઠાકરેએ `કૉકરોચ જનતા પાર્ટી` (CoJP) ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાની ન્યાયિક કસ્ટડી અંગે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું, "આ દેશમાં હત્યા કરનાર વ્યક્તિ પણ જામીન મેળવી શકે છે, છતાં આ CoJP નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા છે."