રાજ ઠાકરેનો ઉદ્ધવ ઠાકરે પર સીધો પ્રહાર, કહ્યું - શું માતોશ્રી મસ્જિદ છે?

22 May, 2022 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

MNS વડાએ સમાન નાગરિક સંહિતાની પણ માગ કરી હતી

ફાઇલ તસવીર

MNS વડા રાજ ઠાકરે રવિવારે પુણેમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે “જ્યારે મેં મારા કાર્યકરોને લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું કહ્યું ત્યારે રાણા દંપતીએ કહ્યું કે તેઓ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. મારે પૂછવું છે કે શું માતોશ્રી મસ્જિદ છે? કે તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરતાં અટકાવાયા હતા. તે પછી, રાણા દંપતી અને શિવસૈનિકો વચ્ચે જે બન્યું તે બધા જાણે છે.”

ઔરંગાબાદનું નામ બદલવાની માગ

આ દરમિયાન, MNS વડાએ સમાન નાગરિક સંહિતાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું “હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે સમાન નાગરિક સંહિતા લાવે, વસ્તી નિયંત્રણ પર કાયદો લાગુ કરે અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરે.”

વિવાદમાં પડવા નથી માગતા

રાજ ઠાકરેએ કહ્યું કે “મેં મારી અયોધ્યા યાત્રા મોકૂફ રાખવા અંગે ટ્વિટ કર્યું હતું. મેં દરેકને ટિપ્પણી કરવાની મંજૂરી આપવા હેતુપૂર્વક નિવેદન આપ્યું હતું. જે લોકો મારી અયોધ્યા મુલાકાતની વિરુદ્ધ હતા તેઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મેં આ વિવાદમાં ન પડવાનું નક્કી કર્યું.” તેમણે અયોધ્યા પ્રવાસ રદ્દ કરવા પાછળ સ્વાસ્થ્યનું કારણ દર્શાવ્યું છે.

ઉદ્ધવનું ભાષણ બાલિશ

આ દરમિયાન રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર સીધો પ્રહાર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેના ભાષણને બાલિશ ગણાવતા તેમણે કહ્યું કે “હું તેમના દાવા પર હસું છું કે તેઓ સાચા હિંદુ છે.” નોંધનીય છે કે તાજેતરમાં જ સીએમ ઉદ્ધવ ઠાકરેએ અસલી હિન્દુ વિશે નિવેદન આપ્યું હતું. હવે રાજ ઠાકરેએ કહ્યું છે કે મને હસવું આવે છે અને પૂછવાનું મન થાય છે કે તમારું શર્ટ વધુ સફેદ છે કે મારું?

mumbai mumbai news raj thackeray uddhav thackeray