રાજ ઠાકરેએ ભાઈ ઉદ્ધવ પર કર્યો કટાક્ષ; નવનીત રાણાએ પણ કર્યો શાબ્દિક હુમલો, જાણો વિગત

30 June, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર ધારાસભ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં ભાજપને સમર્થન કરશે

ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના એક ટ્વિટ પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ તેમની ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ લખ્યું છે કે, “જે દિવસે માણસ પોતાના સારા નસીબને પોતાની અંગત સિદ્ધિ માનવા લાગે છે. તે દિવસથી પતનનું શરૂ થાય છે.” એટલું જ નહીં, આ લાઇનની નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર પણ નોંધાયેલા છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધૂરી ઇનિંગ્સ પર ટોણા તરીકે જોવામાં આવી રહી છે.

અગાઉ બુધવારે, રાજ ઠાકરેએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર ધારાસભ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં ભાજપને સમર્થન કરશે. સ્પષ્ટ છે કે સરકાર રચવાના ભાજપના દાવામાં તેમના ધારાસભ્યનું નામ સામેલ થશે. દરમિયાન, તેમના આ ટ્વિટને ઠાકરે પરિવારમાં ફાટી નીકળેલા યુદ્ધના એપિસોડ તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ, એકનાથ શિંદેના બળવા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા મુંબઈમાં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં મરાઠીમાં લખવામાં આવ્યું હતું કે, “હવે તમે કેવું અનુભવો છો?” તે પોસ્ટરોને શિવસેનાના મતભેદ પર ટોણા તરીકે પણ જોવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ તેમના ટીકાકાર રહેલા સાંસદ નવનીત રાણાનું નિવેદન પણ સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લી ઘડી સુધી લાલચમાં રહ્યા નહીંતર 40 ધારાસભ્યો ચાલ્યા ગયા ત્યારે જ તેમણે રાજીનામું આપવું પડ્યું હોત. નવનીત રાણાએ કહ્યું હતું કે “શિવસેનાની રચના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમની 56 વર્ષની મહેનતને બરબાદ કરી દીધી. પોતાના ઘમંડના કારણે તેમણે પાર્ટીની આ હાલત કરી છે.”

નવનીત રાણાએ કહ્યું કે “ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર સંજય રાઉત, અનિલ પરબ અને આદિત્ય જ બચ્યા છે. આ લોકો પણ મજબૂરીમાં છે. મારે 14 દિવસ જેલમાં વિતાવવા પડ્યા, પણ મારો શું વાંક? મેં હનુમાન ચાલીસા વાંચવાનું કહ્યું હતું.”

mumbai mumbai news raj thackeray uddhav thackeray eknath shinde