રેલવે પોલીસની કાબિલે તારીફ કામગીરી: તરત કામ ને સામાન પરત

20 November, 2019 11:32 AM IST  |  Mumbai | Jaydeep Gatrana

રેલવે પોલીસની કાબિલે તારીફ કામગીરી: તરત કામ ને સામાન પરત

કમલેશ કપાસી

રેલવે પોલીસના હેલ્પલાઇન નંબર પર થતી ફરિયાદનો ઉકેલ ગણતરીના કલાકમાં આવી જાય છે એનો અંદાજ ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા કમલેશ કપાસીને અને પાર્લામાં રહેતા ઘનશ્યામ પોપટને આવી ગયો હશે. દાદર લોકલ ટ્રેનમાં ૧૦૦૦ રૂપિયાનું કીબોર્ડ ઉતાવળમાં ભૂલી ગયા બાદ રેલવેની હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં તેમને પોતાનું ખોવાયેલું કીબોર્ડ ગણતરીના કલાકોમાં જ પાછું મળી ગયું હતું. રેલવે પોલીસનો આવો જ સારો અનુભવ વિલે પારર્લે રહેતા ઘનશ્યામ પોપટને પણ થયો હતો. બીજી નવેમ્બરે ટ્રેનમાં ભૂલી ગયેલા પોપટને ચાર કલાકમાં જ પોતાનો અઢી લાખ રૂપિયાનો કીમતી કૅમેરા આરપીએફના જવાનોએ પાછો કર્યો હતો.

ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડીમાં રહેતા કમલેશ કપાસીને નવા લીધેલા કીબોર્ડમાં ખામી હતી અને વૉરન્ટી પિરિયડમાં હોવાને કારણે તેઓ એને રિપ્લેસમેન્ટ કરાવવા લૅમિંગ્ટન રોડ જઈ રહ્યા હતા. વિદ્યાવિહાર સ્ટેશનથી દાદર લોકલ ટ્રેન પકડીને તેઓ દાદર ઊતર્યા હતા. ઉતાવળમાં સાથે લીધેલું કીબોર્ડ ટ્રેનમાં જ રહી ગયું હોવાનું યાદ આવતાં તેમણે તાબડતોબ ૧૫૧૨ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો. થોડા જ સમયમાં તેમને કન્ટ્રોલમાંથી ફોન આવ્યો કે તમારું કીબોર્ડ મળી ગયું છે.

કપાસીએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ ટ્રેન દાદર પહોંચી હતી. એ દાદર લોકલ ટ્રેન હતી, પણ ભીડ હોવાને કારણે ઉતાવળમાં હું મારું કીબોર્ડ લેવાનું ભૂલી ગયો હતો. દાદરમાં ટ્રેન ઊભી હશે એવું વિચારીને હું પાછો ગયો, પણ ટ્રેન ઊપડી ગઈ હતી. હું જે ટ્રેનમાં આવ્યો હતો એ પાછી ડોમ્બિવલી જવાની હતી એટલું મને યાદ હતું. ત્યાર બાદ ૧૨.૪૫ વાગ્યે મેં હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વિગત આપી હતી. થોડા જ સમયમાં કન્ટ્રોલમાંથી તમારું કીબોર્ડ મળી ગયું હોવાનો મને ફોન આવ્યો હતો. જોકે મેં સેફ્ટી ખાતર કુર્લા રેલવે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. મુમ્બ્રા રેલવે પોલીસ સ્ટેશનમાંથી મને ફરી ફોન આવ્યો કે તમારું કીબોર્ડ લઈ જાઓ.’

રેલવે પોલીસનો બીજો સારો અનુભવ વિલે પાર્લેના હનુમાન રોડ પર રહેતા ઘનશ્યામ પોપટને પણ થયો હતો. પ્રોફેશનલી વિડિયો અને ફોટોગ્રાફી કરતા ઘનશ્યામભાઈએ બીજી નવેમ્બરે અંધેરીથી ચર્ચગેટ જવા માટે ફાસ્ટ ટ્રેન પકડી હતી, પણ ચર્ચગેટ આવ્યું ત્યારે ઉતાવળમાં તેઓ પોતાની બૅગ ટ્રેનમાં જ ભૂલી ગયા હતા. તેમણે રેલવેના હેલ્પલાઇન નંબર ૧૮૨ પર જાણ કરી હતી અને માત્ર ચાર જ કલાકમાં અઢી લાખ રૂપિયાનો કૅમેરા તેમને પાછો મળ્યો હતો.

ઘનશ્યામ પોપટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કૅમેરાનાં સ્ટૅન્ડ લેવા હું બોરાબજાર જવા માટે નીકળ્યો હતો. મારી પાસે અઢી લાખ રૂપિયાનો કૅમેરા હતો. સેકન્ડ ક્લાસ કોચમાં મેં અંધેરીથી ફાસ્ટ ટ્રેન પકડી હતી. કૅમેરાની બૅગ મેં સામાન રાખવાની જગ્યાએ રાખી હતી અને ગિરદી હોવાને કારણે હું ટ્રેનના ગેટ પાસે જ ઊભો રહી ગયો હતો. ચર્ચગેટ આવ્યું ત્યારે ઉતાવળમાં ખ્યાલ જ ન રહ્યો કે હું બૅગ ભૂલી ગયો છું. ૧૦ મિનિટ બાદ જ્યારે ટ્રાઇપૉડ લેવા માટે દુકાનમાં ઊભો હતો ત્યારે અચાનક યાદ આવ્યું કે મારી બૅગ તો હું ટ્રેનમાં જ ભૂલી ગયો છું. તાબડતોબ મેં રેલવેની હેલ્પલાઇનવાળા નંબર ૧૮૨ પર ફોન કરીને જાણ કરી હતી. રેલવે પોલીસે મારો સામાન શોધવા માટે સારીએવી કસરત કરી હતી. મારાં મમ્મી-પપ્પા પણ બોરીવલી સ્ટેશને કૅમેરા શોધવા માટે બધી ટ્રેનમાં ફરી વળ્યાં હતાં.’

ઘનશ્યામભાઈને ચર્ચગેટ સ્ટેશને તાબડતોબ સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું. થોડા કલાક બાદ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ઘનશ્યામભાઈને ફોન આવ્યો કે તમારી કૅમેરાવાળી બૅગ અમને મળી ગઈ છે, આવીને લઈ જાઓ. પાક્કી ખાતરી કર્યા બાદ તેમને કૅમેરાવાળી બૅગ આરપીએફે પાછી આપી હતી.

છેલ્લા ૧૧ મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુનો સામાન રેલવેએ પાછો કર્યો

આરપીએફ, મુંબઈના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર અશરફે કેકેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લોકલ ટ્રેનમાં છેલ્લા ૧૧ મહિના દરમ્યાન પ્રવાસીઓ કીમતી સામાન ભૂલી ગયા બાદ ૩૬૪ જણને તેમનો કીમતી સામાન પાછો મળ્યો છે. કીમતી ઘરેણાં ભરેલી બૅગ હોય, વૉલેટ હોય, મોબાઇલ હોય કે પછી અગત્યના દસ્તાવેજો, ક્રેડિટ કે પછી ડેબિટ કાર્ડ હોય એવી તમામ વસ્તુઓ જે પ્રવાસીઓ ઉતાવળમાં ટ્રેનમાં જ ભૂલી ગયા હોય અને જો તેઓએ રેલવેના ૧૮૨ કે પછી ૧૫૧૨ નંબર પર સંપર્ક કરીને જાણ કરી હોય તો તેમને તેમનો સામાન મળી જાય છે. એક કરોડથી વધુ રૂપિયાનો સામાન છેલ્લા ૧૧ મહિનામાં ૩૬૪ જણને પાછો સોંપવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : ઘાટકોપરમાં એલબીએસ રોડ પર ડિમોલિશન

તરત ફરિયાદ કરો : અશરફ કેકે

લોકલ ટ્રેનમાં સામાન ભુલાઈ ગયા બાદ પ્રવાસીઓ એ સામાન પાછો નહીં મળે એવું સમજીને હેલ્પલાઈન નંબર પર ફોન કરવાનું ટાળે છે. લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા તમામ પ્રવાસીઓએ સૌપ્રથમ તો પોતાના કીમતી સામાનની કાળજી રાખવી જોઈએ અને જો ઉતાવળમાં ક્યારેક ટ્રેનમાં ભુલાઈ જવાય તો રેલવેના ૧૮૨ અને ૧૫૧૨ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેની અચૂક જાણ કરવી. સ્ટેશનો પર ફરજ બજાવતી અમારી પોલીસ હંમેશાં પ્રવાસીઓની સાવચેતી તેમ જ તેમના ખોવાયેલા સામાનની તકેદારી રાખે છે.

ghatkopar mumbai mumbai news