01 February, 2024 09:04 AM IST | Mumbai | Priti Khuman Thakur
ડોમ્બિવલી રેલવે પોલીસ આ વ્યક્તિના પરિવારને શોધી રહી છે.
મુંબઈ : સોમવારે ડોમ્બિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક વ્યક્તિની ડેડ-બૉડી મળી આવી હતી. ડોમ્બિવલી રેલવે પોલીસે એની તપાસ કરતાં આઇફોન સહિત બૅન્કની પાસબુક મળી આવી હતી. પોલીસે તપાસ કરી ત્યારે ડેડ-બૉડીની ઓળખ અનિલકુમાર જૈન તરીકે થઈ હતી. તેઓ ૭૫ વર્ષની આસપાસ હતા. તેમના પુણેના ઘરમાં પોલીસે તપાસ કરાવી હતી, પણ ત્યાં કોઈ બીજું રહેતું હોવાનું જાણવા મળ્યું હતું. એથી ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરતાં પહેલાં ડોમ્બિવલી રેલવે પોલીસ તેમના પરિવારજનોને ઠેકઠેકાણે શોધવાની સાથે સોશ્યલ મીડિયાની પણ મદદ લઈ રહી છે.
ડોમ્બિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ત્રણ પર સોમવારે બપોરે ડોમ્બિવલી રેલવે પોલીસને આશરે ૭૫ વર્ષની એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ વિશે વધુ માહિતી આપતાં ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને કેસ સંભાળનાર અનિલરાજ સોનારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બપોરે અમને જાણ થઈ કે પ્લૅટફૉર્મ પર એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. અમે તપાસ કરતાં અને સીસીટીવી ફુટેજમાં જોતાં જાણ થઈ કે તેઓ ત્યાં બેઠા હતા અને પડી ગયા હતા. અમે મૃતદેહની તપાસ કરી ત્યારે જાણ થઈ કે તેમનું નામ અનિલકુમાર જૈન છે અને તેઓ સેવાનિવૃત્ત છે. તેઓ સારા ઘરના હોય એવું પણ લાગે છે. તેમની પાસે મળેલી પાસબુક પર તેમનો અને તેમની વાઇફનો ફોટો છે અને જૉઇન્ટ પેન્શન અકાઉન્ટ છે. ઉલ્લેખનીય છે કે એમાં એક કરોડ ૩૬ હજાર રૂપિયાની આસપાસ રકમ પણ છે. આ ઉપરાંત ૨૦૦૨ના એક રૅશન કાર્ડમાં તેમના નામ સાથે પરિવારના સભ્યો એમ કુલ ચાર જણનાં નામ પણ છે. જોકે એમાંથી ત્રણ જણનાં નામ કઢાવી નાખવામાં આવ્યાં છે. એ શું કામ કઢાવ્યાં હશે એની જાણ નથી.’
મૃતદેહના પરિવારજનો એના અંતિમ સંસ્કાર કરી શકે એટલા માટે અમે પરિવારને શોધી રહ્યા છીએ એમ જણાવીને પોલીસ અધિકારી અનિલરાજ સોનારેએ કહ્યું હતું કે ‘તેમને જોઈને એવું લાગે છે કે અનેક દિવસોથી તેઓ ઘરની બહાર હશે. તેમની પાસેથી મળેલા ડૉક્યુમેન્ટ્સ પર ઍડ્રેસ પુણેના મુંઢવામાં આવેલી ડી-૮ એ વિંગના ગંગા પાર્કનું છે. એની તપાસ અમે મુંઢવા પોલીસ પાસે કરાવી હતી, પરંતુ ત્યાં બીજું કોઈ રહેતું હોવાથી યોગ્ય માહિતી મળી રહી નથી. બૅન્કમાં તપાસ કરતાં એ સેવાનિવૃત્ત પેન્શન અકાઉન્ટ હોવાનું જણાયું છે. પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં પણ કુદરતી ડેથ હોવાનું જણાઈ આવ્યું છે.’