સયાજી એક્સપ્રેસમાં ભુલાયેલો મોબાઇલ મહિલાને પાછો આપ્યો રેલવે-કર્મચારીઓએ

08 October, 2019 08:34 AM IST  |  મુંબઈ ડેસ્ક | પ્રીતિ ખુમાણ ઠાકુર

સયાજી એક્સપ્રેસમાં ભુલાયેલો મોબાઇલ મહિલાને પાછો આપ્યો રેલવે-કર્મચારીઓએ

અરુણા છેડાને પતિની ગિફ્ટ છેવટે કલાકો બાદ પાછી મળી હોવાથી તેઓ ખૂબ ખુશ હતાં.

મુંબઈ: કચ્છ માટેની સયાજીનગરી એક્સપ્રેસમાં અનેક વખત ચોરીની ઘટના બને છે. જોકે આ એક્સપ્રેસમાં દાદરની એક કચ્છી મહિલાએ પૉઝિટિવ અનુભવ પણ કર્યો છે. મહિલાને ટ્રેનમાં ભુલાઈ ગયેલો મોંઘો મોબાઇલ કલાકોમાં જ પાછો મળતાં તેઓ રાજીનાં રેડ થઈ ગયાં હતાં. જોકે રેલવે-સ્ટાફને મહિલાના પરિવારે બક્ષિસ આપવાનો પ્રયાસ કરતાં એ પણ તેમણે લેવાની ના પાડી દીધી હતી.

આ બનાવ વિશે સવિસ્તર માહિતી આપતાં દાદર-વેસ્ટમાં ગોખલે રોડ પર રહેતાં બાવન વર્ષનાં અરુણા છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અને મારો પતિ તથા ભાઈ-ભાભી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં અમારા વતનમાં કુળદેવીનાં દર્શને ગયાં હતાં. ૩ ઑક્ટોબરે અમે મુંબઈથી નીકળ્યાં હતાં અને પાંચ ઑક્ટોબરે ભુજથી મુંબઈની ટ્રેન પકડીને ૬ ઑક્ટોબરે બપોરે સવા વાગ્યે દાદર પહોંચ્યાં હતાં. અમે બી-૩માં થ્રી ટિયર એસીમાં પ્રવાસ કર્યો હતો અને ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે ભારે ગિરદી હોવાથી મારા ડ્રાઇવરે કોચમાંથી સામાન કાઢ્યો અને અમે તરત જ ત્યાંથી નીકળી ગયાં હતાં. મોબાઇલની જરૂર ન હોવાથી એના પર મારું ધ્યાન ગયું નહીં અને મને લાગ્યું કે મોબાઇલ બૅગમાં મૂક્યો છે. દાદર સ્ટેશનથી ઘરે પહોંચવા અમને ટ્રાફિકના કારણે દોઢ કલાક લાગી ગયો હતો.’

મોબાઇલ મળશે એવું ક્યારેય વિચાર્યું નહોતું એમ કહેતાં અરુણાબહેન કહે છે, ‘ઘરે પહોંચીને પર્સમાં જોયું તો મોબાઇલ નહોતો. એથી મને ધ્યાનમાં આવ્યું કે કોચમાં ચાદરની નીચે તકિયો રાખ્યો હતો અને એની નીચે મેં મોબાઇલ રાખ્યો હતો જે હું ઉતાવળમાં લેવાનું ભૂલી ગઈ હતી. મોબાઇલ ન મળતાં હું ચિંતામાં મુકાઈ ગઈ અને મારા પતિએ તાત્કાલિક મારા નંબર પર ફોન કર્યો હતો. મોબાઇલની રિંગ જતાં રેલવે-સ્ટાફે ફોન ઉપાડ્યો અને કહ્યું કે અમે ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા. આ સાંભળીને અમને નવાઈ લાગી હતી. રેલવે-સ્ટાફે અમને કહ્યું કે અમે ફોન લઈને ઊભા છીએ અને ૨.૫૦ વાગ્યે ટ્રેન અહીંથી ઊપડી જશે એટલે તમે વહેલાં આવો. જોકે અઢી વાગ્યે અમે ફોન પર વાત કરી અને ટ્રાફિકને લીધે એટલા જલદી ત્યાં પહોંચવું મુશ્કેલ હતું, પરંતુ રવિવાર હોવાથી હિન્દુ કૉલોનીમાં રહેતા મારા જમાઈ ઘરે હતા એટલે તેઓ તાત્કાલિક દાદર સ્ટેશને પહોંચ્યા. રેલવે-સ્ટાફ બી-૩ નંબરના કોચની બહાર જ રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન રેલવે-સ્ટાફને બક્ષિસ આપવાની કોશિશ કરી, પણ તેમણે કહ્યું, મોબાઇલ તમારો હોવાથી એ તમને મળી ગયો એ મહત્ત્વનું છે. માર્ચ મહિનામાં જ મારા જન્મદિવસ વખતે મારા પતિએ મને સૅમસંગનો ગૅલૅક્સી નાઇન જેની કિંમત ૩૫ હજાર રૂપિયા છે એ લઈ આપ્યો હતો. અહીં મોંઘા મોબાઇલની કિંમત કરતાં ટ્રેનના સુપરવાઇઝર સુરેશ બિહારી અને સફાઈ-કર્મચારી વિશ્વનાથ રાજપૂતે જે વફાદારી દેખાડી એ ખૂબ મહત્ત્વની છે. ટ્રેનમાં ચોરીના કિસ્સા ખૂબ સાંભળ્યા, પરંતુ આ રીતે ભુલાઈ ગયેલો સામાન પાછો મળે એવા કિસ્સા ભાગ્યે બને છે જેથી અમે ઘણા ખુશ હતા.’

સયાજીનગરી એક્સપ્રેસના સુપરવાઇઝર સુરેશ બિહારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૩થી હું સયાજીનગરીમાં સેવા આપું છું. પહેલાં એસી કોચનો અટેન્ડન્ટ હતો અને હવે ટ્રેનનો સુપરવાઇઝર છું. ટ્રેનમાં અમને સફાઈ વખતે તકિયા નીચેથી આ મોબાઇલ મળ્યો હતો. ટ્રેનના પ્રવાસી અમારા માટે ભગવાન સમાન હોય છે અને તેમની સેવા કરવી એ અમારી ફરજ હોવાથી તેમનો સામાન અમે પાછો કર્યો છે.’

gujarat kutch