પુણેની હૉસ્પિટલ કોવિડ-19ની સારવારમાં નવી દવા વાપરશે

23 May, 2020 10:49 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેની હૉસ્પિટલ કોવિડ-19ની સારવારમાં નવી દવા વાપરશે

પુણેની સરકાર દ્વારા સંચાલિત સાસૂન જનરલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ-19ના ૨૫ જેટલા આંશિક-ગંભીર સ્થિતિ ધરાવતા દરદીઓને ઇન્ફેક્શનની સારવારમાં અસરકારક પુરવાર થયેલી દવા ટોસિલીઝુમાબ આપવામાં આવશે એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

આ નવી દવા એક ઇન્જેક્શન છે અને એનો ખર્ચ આશરે ૨૦,૦૦૦ રૂપિયા થાય છે. એ પ્રથમ તબક્કામાં ૨૫ દરદીઓને આપવામાં આવશે અને પરિણામના આધારે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન એના આગળના વપરાશ વિશે નિર્ણય લેશે એમ મ્યુનિસિપલ કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું હતું.

ડૉ. ડી. બી. કદમના ચૅરમૅનપદે રચાયેલી સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની એક સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે કોવિડ-19ના દરદીઓની સ્થિતિ વણસે તો એવી સ્થિતિમાં ટોસિલીઝુમાબ આપવાની ભલામણ કરી હતી.

‘એથિકલ ટીમે ટોસિલાઇઝુમેબના વપરાશ માટે મંજૂરી આપ્યા પછી અમે પ્રથમ તબક્કામાં ૨૫ દરદીઓ માટે એ મેળવવાનું શરૂ કર્યું હોવાનું શેખર ગાયકવાડે જણાવ્યું હતું. ટોસિલીઝુમાબ ભારતી હૉસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર સ્થિતિ ધરાવતા એક આંગણવાડી કાર્યકરના શરીરમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.’

મુંબઈમાં બીએમસી દ્વારા સંચાલિત હૉસ્પિટલો પણ કોવિડ-19ના દરદીઓની સારવાર માટે આ દવા વાપરતા હતા અને એમાં સારાં પરિણામ જોવાં મળ્યાં હતાં, એમ તેમણે જણાવ્યું હતું.

પુણેમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૮૦૯ કેસ નોંધાયા છે અને ૨૪૨ લોકોનાં મોત નીપજ્યાં છે.

coronavirus covid19 maharashtra pune