03 March, 2025 07:05 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
દત્તાત્રય ગાડે
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાંની એક બસમાં ૨૬ વર્ષની યુવતી પર બળાત્કાર થવાના મામલામાં આરોપી દત્તાત્રય ગાડેની ધરપકડ કર્યા બાદ પોલીસે ૧૨ દિવસની કસ્ટડી મેળવી છે. સૌથી વ્યસ્ત ડેપોમાં ઊભેલી બસમાં બળાત્કાર થઈ રહ્યો હોવા છતાં પીડિતાએ પ્રતિકાર કેમ ન કર્યો એવો સવાલ ઊભો થયો હતો એનો જવાબ કદાચ મળી રહ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના વકીલ ઍડ્વોકેટ સુમિત પોટેએ દાવો કર્યો હતો કે ‘પોલીસમાં પોતાના પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધાવનાર યુવતી આરોપી દત્તાત્રયને ૩૧ દિવસથી ઓળખતી હતી એટલે જ તે તેની મરજીથી દત્તાત્રય ગાડેની પાછળ બસમાં ગઈ હતી. બસમાં દત્તાત્રય ગાડેએ યુવતીને ૭૫૦૦ રૂપિયા કૅશ આપ્યા હતા. જોકે યુવતી વધુ રૂપિયાની માગણી કરવા માંડી હતી એને લીધે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીએ થોડા સમય પછી ઑનલાઇન પેમેન્ટ કરવાનું કહ્યું હતું અને પછી તે બસમાંથી ઊતરી ગયો હતો. યુવતી પણ બળાત્કારની ફરિયાદ નોંધાવવાને બદલે સ્વારગેટ ડેપોથી બીજી બસ પકડીને પોતાના ગામ તરફ રવાના થઈ ગઈ હતી. ત્રણ કલાક બાદ યુવતીએ પાછી ફરીને સ્વારગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે યુવતીએ તેની સંમતિથી દત્તાત્રય ગોડે સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેના પર બળાત્કાર નથી કરવામાં આવ્યો.’
પીડિત યુવતીના મેડિકલ રિપોર્ટમાં પણ જણાયું છે કે બસમાં તેના પર એક વાર નહીં, બે વાર બળાત્કાર થયો હતો. ગણતરીની મિનિટમાં બે વખત બળાત્કાર કરવામાં આવે તો કોઈ પણ મહિલા કે યુવતી પ્રતિકાર ન કરે એવું ન જ બને એવી આરોપીના વકીલની દલીલ છે ત્યારે પોલીસ પીડિત યુવતીનું નિવેદન લેશે ત્યારે તેણે શા માટે બૂમાબૂમ નહોતી કરી એ જાણી શકાશે.
યુવતીની વર્તણૂક અને આરોપીના વકીલે આ બળાત્કારનો મામલો જ ન હોવાનો દાવો કર્યો છે એની હવે પોલીસ તપાસ કરી રહી છે.