સ્થિતિ નિયંત્રણમાં લાવો, પવારસાહેબ: રાજ્યપાલની NCP ચીફને સીધી વાત

27 May, 2020 12:02 PM IST  |  Mumbai | Dharmendra Jore

સ્થિતિ નિયંત્રણમાં લાવો, પવારસાહેબ: રાજ્યપાલની NCP ચીફને સીધી વાત

સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને શરદ પવાર વચ્ચે થયેલી બેઠક

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવાર રાજ્યપાલને મળ્યા પછી બીજા દિવસે તેમની ચર્ચાની વિગતો જાણવા મળી હતી. સોમવારે રાજભવનમાં એનસીપી ચીફ અને ભગતસિંહ કોશ્યારી વચ્ચે શી મંત્રણા થઈ એની કેટલીક બાબતો ગઈ કાલે જાણવા મળી હતી. કોશ્યારીએ પવારને એમ કહ્યું હોવાનું મનાય છે કે ‘મેં સાંભળ્યું છે કે ઉદ્ધવ ઠાકરે સરકારનું રિમોટ કન્ટ્રોલ તમારા હાથમાં છે તો આ રોગચાળાની સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. આવી કટોકટીમાં તમે એ રિમોટ કન્ટ્રોલ હાથમાં લઈને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવો એવી અપેક્ષા રાખું છું.’

સોમવારની બેઠક બાબતે માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રાજ્યપાલે રોગચાળાને ડામવા માટે રાજ્ય સરકારની કામગીરી બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એ ઉપરાંત એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ પોતે કે રાજભવનનાં સૂત્રો રાજ્ય સરકાર માટે સમસ્યા ઊભી કરવાના પ્રયત્ન કરતાં નથી. રાજ્યપાલે મુસીબતનો સામનો કરતા લોકોને વહેલી તકે રાહત આપવા માટે વિવિધ રાજકીય પક્ષોને સામેલ કરવા પવારને તેમના રાજકીય કૌશલ્ય અને નેટવર્કિંગ તથા પહોંચનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે શરદ પવારને તમામ રાજકીય પક્ષોના નેતાઓનો સહકાર માગવા, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સહકાર માગવા અને આરોગ્ય ક્ષેત્રની આ કટોકટીમાં ભવિષ્યની સ્થિતિ વણસવાની શક્યતા ધ્યાનમાં રાખીને જે ઉપયોગી જણાય એ બધાનો સહયોગ માગવાનો અનુરોધ કર્યો હતો. કોશ્યારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગંભીર સ્થિતિને સંભાળવામાં શિથિલતાને કારણે મેં અધિકારીઓને રાજભવનમાં બોલાવવાનું શરૂ કર્યું છે. રાજ્યપાલે વ્યૂહ ઘડીને એનો પ્રભાવક અમલ કરવા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિત આગેવાનોની ટીમ બનાવવા અને ઉદ્ધવ ઠાકરે સાથે મળીને એ ટીમનું નેતૃત્વ સંભાળવાનો અનુરોધ શરદ પવારને કર્યો હતો. રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની શક્યતાને નકારી કાઢી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કોશ્યારી માને છે કે આ તબક્કે કેન્દ્ર સરકારને સંડોવવાની જરૂર નથી. વળી રાજ્યપાલનો મત એવો છે કે મહા વિકાસ આઘાડીની સરકાર વિરોધ પક્ષોને કારણે નહીં, ઘટક પક્ષોના આંતરિક વિખવાદને કારણે તૂટી પડશે.’

આઘાડીની સરકાર મજબૂત છે: શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ શિવસેનાએ કરી સ્પષ્ટતા

રાજ્ય સરકારની અસ્થિરતાની ચર્ચાઓને રદિયો આપતા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને મહાવિકાસ આઘાડીની સરકાર સ્થિર અને સલામત છે. સોમવારે સાંજે બન્ને નેતાઓ વચ્ચે દોઢ કલાકની મંત્રણામાં રાજ્યના સંખ્યાબંધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હોવાનું સંજય રાઉતે જણાવ્યું હતું. જોકે કયા મુદ્દા ચર્ચાયા એની સ્પષ્ટતા રાઉતે નહોતી કરી.

રાજ્યસભાના સભ્ય શરદ પવાર સોમવારે સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા એ અનુસંધાનમાં સાંજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જોડે મંત્રણા યોજાઈ હતી. એ મંત્રણાના સંદર્ભમાં સંજય રાઉતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘જે લોકો સરકારની સ્થિરતા પર શંકા કરે છે એ લોકો એમના પૂર્વગ્રહને કારણે અવઢવમાં છે. ગૂંચવાયેલા માણસો શંકા-કુશંકાઓ વ્યક્ત કરે છે. અમારી સરકાર મજબૂત છે.’

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યપાલના આમંત્રણથી યોજાયેલી મુલાકાતમાં કોઈ રાજકીય મુદ્દા ચર્ચાયા નહોતા. જો કે રાજ્યપાલ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તંગદિલીના માહોલમાં પવાર અને કોશ્યારીની મંત્રણા યોજાઈ હોવાથી શંકા-કુશંકાઓ અને તર્ક-વિતર્કો ફેલાઈ રહ્યા છે.

mumbai sharad pawar coronavirus uddhav thackeray nationalist congress party congress dharmendra jore