કૅનેડામાં નોકરીના નામે અનેકના રૂપિયા લઈ કચ્છી એજન્ટ પલાયન

14 July, 2019 11:02 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

કૅનેડામાં નોકરીના નામે અનેકના રૂપિયા લઈ કચ્છી એજન્ટ પલાયન

કૅનેડામાં નોકરીના નામે અનેકના રૂપિયા લઈ કચ્છી એજન્ટ પલાયન

કૅનેડામાં નોકરી અપાવવાના નામે અનેક લોકો પાસેથી હજારો રૂપિયા લીધા બાદ ઑફિસ બંધ કરીને નાસી છૂટવાની ચોંકાવનારી ઘટના તાજેતરમાં અંધેરીમાં બની છે. અખબારોમાં કૅનેડામાં અન્ડર-ગ્રૅજ્યુએટ લોકોને કામ અપાવવા માટે ૩૦,૦૦૦થી બે લાખ રૂપિયાનો ચાર્જ ટ્રાઇબલ ઇન્ટરનૅશનલ નામની કંપનીના માલિકો દ્વારા લેવાયો હોવાનું પોલીસ-ફરિયાદમાં નોંધાયું છે. કંપનીના માલિક, કન્સલ્ટન્ટ અને જૉબ માટે રૂપિયા આપનારાઓ મોટા ભાગના કચ્છીઓ જ હોવાનું જાણવા મળ્યું હતું. ૨૦૦થી વધુ લોકોએ કૅનેડામાં નોકરી મેળવવા માટે આ કંપનીમાં ૩૦,૦૦૦થી દોઢ લાખ રૂપિયા આપ્યા હોવાનું મનાય છે.

પોલીસ-ફરિયાદ મુજબ અંધેરી (વેસ્ટ)માં ન્યુ લિન્ક રોડ પર ક્રિસ્ટલ પ્લાઝા ઇમારતમાં ઈ/૩૦૨ નંબરની ઑફિસમાં ટ્રાઇબલ ઇન્ટરનૅશનલ નામની કંપનીની ઑફિસ હતી. અહીં કંપનીના માલિક યોગેશ દેવચંદ કારુ-દેઢિયા તથા કંપનીના કન્સલ્ટન્ટ શૈલેશ લક્ષ્મીચંદ છેડા tતથા સ્ટાફ બેસતા હતા. થોડા સમય પહેલાં આ ઑફિસ અચાનક બંધ થઈ જવાની સાથે યોગેશ દેઢિયા ગાયબ થઈ જતાં કૅનેડામાં નોકરી મેળવવા રૂપિયા આપનારાઓ ચોંકી ઊઠ્યા છે.

ઘાટકોપરમાં રહેતા નીલેશ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજની કૉમ્યુટ્રી મોબાઇલ ઍપમાં અમારા સમાજના અનેક લોકો જોડાયા છે. બોરીવલીમાં રહેતા શૈલેશ છેડાએ કૅનેડામાં નોકરી મેળવવા માટેની જાહેરાત પોતાના મોબાઇલ-નંબર સાથે આપી હતી. મેં આ વિશે તેમને ફોન કરીને પૂછપરછ કરતાં તેમણે મને તેમની અંધેરીમાં આવેલી ઑફિસે આવવાનું કહ્યું હતું. હું ઑફિસ ગયો ત્યારે તેમણે મને યોગેશ દેઢિયા સાથે ઓળખાણ કરાવતાં કહ્યું હતું કે ‘આ મારા પાર્ટનર છે. પ્રોસેસ માટે પહેલાં ૬૦,૦૦૦ રૂપિયા ભરવાના રહેશે અને ત્યાર બાદ વીઝા, ટિકિટ અને મેડિકલ માટે બીજા ૧,૫૦,૦૦૦ રૂપિયા આપવા પડશે. નોકરી મળી ગયા બાદ પહેલા અને બીજા પગારમાંથી દલાલીપેટે ૨,૦૦,૦૦૦ લાખ રૂપિયા આપવા પડશે. તેઓ બન્ને અમારા સમાજના હોવાથી તેમની વાતનો વિશ્વાસ કરીને મેં ૩૦ જૂને ૬૦,૦૦૦નો ચેક આપ્યો હતો જે ૪ જુલાઈએ બૅન્કમાંથી ડેબિટ થયો હતો. એ પછી શૈલેશ છેડા ફોન કરીને કહ્યું હતું કે  બાકીના રૂપિયાની જલદી વ્યવસ્થા નહીં કરો તો વધુ રૂપિયા ભરવા પડશે. ત્યાર બાદ ખબર પડી કે યોગેશ દેઢિયા ૨૧ જૂને ઑફિસ બંધ કરીને છૂ થઈ ગયો છે.’

ઘાટકોપરના નીલેશ ગડા સહિત અત્યાર સુધી ૧૦ વ્યક્તિએ આંબોલી પોલીસ સ્ટેશને શૈલેશ છેડા અને યોગેશ દેઢિયા સામે કૅનેડામાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ કંપનીએ ૨૦૦ લોકો પાસેથી રૂપિયા લીધા છે એટલે પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી

આ બાબતે યોગેશ દેઢિયાનો સંપર્ક નહોતો થઈ શક્યો, પણ કાંદિવલીમાં રહેતા શૈલેશ લક્ષ્મીચંદ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ટ્રાઇબલ ઇન્ટરનૅશનલ કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. કૅનેડામાં જૉબ મેળવવા માગતા લોકોએ આપેલા રૂપિયા કંપનીના અકાઉન્ટમાં ગયા છે એટલે મારે એની સાથે કોઈ લેવાદેવા નથી. હું પણ છાપામાં ઍડ જોઈને ટ્રાઇબલ કંપનીમાં ગયો હતો.’

kutch mumbai