મુંબઈ: આજે, આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

08 September, 2019 08:24 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: આજે, આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવે ખમૈયા કરો વરુણદેવ : શહેરમાં બે દિવસના વિરામ બાદ ગઈ કાલે ફરી વરસાદ શરૂ થતાં અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. તસવીર : આશિષ રાજે

બે દિવસના વિરામ બાદ ગઈ કાલે મુંબઈ અને આસપાસમાં ફરી બપોર બાદ વરસાદ શરૂ થતાં પાણી ભરાવાના ડરથી મુંબઈગરાઓના જીવ ફરી પડીકે બંધાયા હતા. લાંબા સમયથી સતત પડી રહેલો વરસાદ બંધ થાય તો સારું એવી પ્રાર્થના ભગવાનને કરી રહ્યા છે ત્યારે હવામાન ખાતાએ આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જારી કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ગુરુવાર અને શુક્રવારે ખોટી પડ્યા બાદ ગઈ કાલે બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો, જે સાંજ પડતા વધ્યો હતો. આથી અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. પશ્ચિમી પરાં દહિસર, બોરીવલી અને ગોરેગામમાં સવારથી જ વરસાદ પડતો હોવાથી અહીં કેટલેક સ્થળે પાણી ભરાયાં હતાં. જો કે વરસાદ વાહનવ્યવહાર કે ટ્રેનવ્યવહારને અસર પહોંચે એટલો ભારે પણ નહોતો.

મુંબઈ સહિત થાણેમાં પણ સવારથી સારોએવો વરસાદ નોંધાયો હતો. કોલશેત, બ્રહ્માંડ, ઘોડબંદર રોડ પરિસરમાં ગોઠણ સુધી પાણી ભરાયાં હતાં. બપોર બાદ મીરા ભાઈંદર, વસઈ-વિરારમાં પણ મુશળધાર વરસાદ ચાલુ થયો હતો.

કોંકણમાં રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી અહીં ઓરેન્જ અલર્ટ જારી કરાઈ છે. હવામાન ખાતાના મુખ્ય પ્રવક્તા વિશંભર સિંહે કહ્યું હતું કે આગામી બે દિવસ મુંબઈ શહેરની સાથે આસપાસમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ જુઓ : MumbaI Rain:સતત વરસાદ બાદ આવા છે માયાનગરીના હાલ હવાલ

શહેરમાં ૧૦૨, પરાંમાં ૧૨૫ ટકા વરસાદ

જૂન ૨૦૧૯થી શરૂ થયેલા ચોમાસામાં મુંબઈમાં આ વખતે અત્યાર સુધી સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તળ મુંબઈમાં સરેરાશ ૨૨૦૩ મિલિમીટર એટલે કે ૮૫ ઈંચ વરસાદની સામે આ વખતે ૨૨૫૮ મિલિમીટર એટલે કે ૯૦ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. તળ મુંબઈમાં સરેરાશ ૨૫૧૪ મિલિમીટર એટલે કે ૧૦૦ ઈંચ સામે અત્યાર સુધી ૩૧૪૬ મિલિમીટર એટલે કે ૧૨૫ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

mumbai mumbai rains mumbai monsoon mumbai weather