મુંબઈ: મલાડમાં દીવાલ તૂટી પડતાં 22નાં મૃત્યુ

03 July, 2019 07:13 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મુંબઈ: મલાડમાં દીવાલ તૂટી પડતાં 22નાં મૃત્યુ

મલાડના પિંપરીપાડામાં સોમવારે મોડી રાતે જળાશયની દીવાલ ઝૂંપડાંઓ પર તૂટી પડતાં ૨૧ જણનાં મૃત્યુ થયાં હતાં. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી મંગળવારે બપોર સુધી ચાલી હતી. તસવીર : સતેજ શિંદે

સોમવારે સાંજ પછી પડેલા ભારે વરસાદને લીધે મલાડ (ઈસ્ટ)માં જળાશય પરિસરની એક સંરક્ષણ-દીવાલ ૧૦થી ૧૨ ઝૂંપડાં પર તૂટી પડતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૦૮ લોકોને ઈજા પહોંચી છે. મૃત્યુ પામેલાઓમાં ૮ બાળકીઓ, ૧ બાળક, પાંચ પુરુષો અને ૭ મહિલાનો સમાવેશ છે. આ દુર્ઘટના રાતે એક વાગ્યે બની હતી એટલે ઝૂંપડાવાસીઓ સૂતેલી હાલતમાં જ કાટમાળની નીચે દબાઈને કાળનો કોળિયો બન્યા હતા.

મલાડ (ઈસ્ટ)ના પિંપરીપાડામાં શિવનેરી હાઈ સ્કૂલ પાસે રાણી સતી માર્ગ પરના મલાડ જળાશય પરિસરની એક સંરક્ષણ-દીવાલ ગઈ કાલે રાત્રે ૧ વાગ્યે તૂટી પડી હતી અને એનો કાટમાળ ૧૦થી ૧૨ જેટલાં ઝૂંપડા પર પડતાં એમાં સૂઈ રહેલા લોકો દબાઈ ગયા હતા.

આ પણ વાંચો : Mumbai Rains Update : મુંબઇમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, હાઇટાઇડનું એલર્ટ

દુર્ઘટનાની જાણ કરાતાં ફાયરબ્રિગેડ, એનડીઆરએફ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને જોગેશ્વરીની ટ્રૉમા, કાંદિવલીની શતાબ્દી, મલાડની એમ. વી. દેસાઈ, કૂપર તેમ જ કેઈએમ હૉસ્પિટલમાં કુલ ૧૧૪ જખમીઓને દાખલ કરાયા હતા. આમાંથી પાંચ પુરુષ, ૮ બાળકીઓ, ૧ બાળક અને ૮ મહિલાનાં સારવાર દરમ્યાન મોત થયાં હતાં, જ્યારે ૩૦ લોકોને પ્રાથમિક સારવાર બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. બાકીના ૭૮ જખમીઓની સારવાર વિવિધ હૉસ્પિટલોમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

malad mumbai monsoon mumbai rains mumbai news