સાયનના પ્રતીક્ષાનગરની હાઉસિંગ સોસાયટીઓ સામે વિકરાળ આર્થિક સમસ્યા

26 September, 2019 12:37 PM IST  |  મુંબઈ | પ્રાજક્તા કાસળે

સાયનના પ્રતીક્ષાનગરની હાઉસિંગ સોસાયટીઓ સામે વિકરાળ આર્થિક સમસ્યા

સાયનના પ્રતીક્ષાનગરની હાઉસિંગ સોસાયટીઓ સામે વિકરાળ આર્થિક સમસ્યા

રિઝર્વ બૅન્કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક પર નિયંત્રણો લાદ્યાં પછી સાયનના પ્રતીક્ષાનગરની અડધોઅડધ હાઉસિંગ સોસાયટીઓ સામે રોજબરોજના આર્થિક વ્યવહારો નિભાવવાની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે. અચાનક ઊભી થયેલી સ્થિતિમાં ગભરાઈ ગયેલા સોસાયટીઓના હોદ્દેદારો બૅન્કની બ્રાન્ચમાં પહોંચ્યા હતા.

સાયનમાં કેટલીક સોસાયટીઓનાં ખાતાં કૉ-ઑપરેટિવ બૅન્કોમાં ખોલાયાં છે અને ઘણી સોસાયટીઓએ એકથી વધારે બૅન્કોમાં ખાતાં ખોલ્યાં છે, પરંતુ પંજાબ-મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કમાં ખાતાં ધરાવતી હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા નોંધપાત્ર છે. સાયન પ્રતીક્ષાનગર કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અસોસિએશન મ્હાડાએ બાંધેલાં મકાનોની ૩૬ હાઉસિંગ સોસાયટીઓનું સંગઠન છે. એમાંથી ૧૪ સોસાયટીઓનાં ખાતાં પંજાબ-મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કમાં છે અને એમાં પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ છે. એ દૃષ્ટિએ રિઝર્વ બૅન્કનાં નિયંત્રણોને કારણે એ વિસ્તારના ૧૫૦૦થી વધારે પરિવારો દંડાશે.

અસોસિએશનના ચીફ પ્રમોટર અંકુશ સારંગે જણાવ્યું હતું કે ‘સોસાયટીઓને દર મહિને વૉટર બિલ, સિક્યૉરિટી ગાર્ડ્સ અને સફાઈ કર્મચારીઓના પગાર વગેરે ખર્ચ માટે બેથી અઢી લાખ રૂપિયાની જરૂર પડે છે. અનેક સોસાયટીઓનાં ખાતાં એક જ બૅન્કમાં છે, એ સોસાયટીઓ માટે મોટી સમસ્યા છે.’

અસોસિએશનના સેક્રેટરી વિનાયક ધતરાજ તથા અન્ય કેટલાક સભ્યો પંજાબ-મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કના અધિકારીઓને મળ્યા ત્યારે એમણે કહ્યું કે તમારી બચત સુરક્ષિત છે. વિનાયક ધતરાજે કહ્યું હતું કે ‘હવે આગળ શું કરવું એની ચર્ચા માટે અમે રવિવારે મીટિંગ બોલાવી છે. અમે માસિક ખર્ચ માટે સોસાયટી દીઠ બે લાખ રૂપિયા બૅન્કમાંથી ઉપાડવાની મંજૂરી રિઝર્વ બૅન્ક પાસે માગીશું.’

કુર્લાના કામગાર નગર અને કાંદિવલીના મહાવીરનગરની રાજ રેસિડેન્સી જેવી હાઉસિંગ સોસાયટીઓનાં ખાતાં અન્ય બૅન્કોમાં પણ હોવાથી તેઓ રાહત અનુભવે છે. અનેક સરકારી કર્મચારીઓના સૅલરી અકાઉન્ટ્સ પંજાબ-મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કમાં છે. મધ્ય રેલવેના વડામથકે ડિવિઝનલ રેલવે મૅનેજરની ઑફિસમાં પંજાબ-મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કમાં સૅલરી અકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને વેતન ચૂકવવા બાબતે ૨૫ સપ્ટેમ્બરે પત્ર લખ્યો હતો. એ પત્રના અનુસંધાનમાં ઉક્ત બૅન્કમાં ખાતાં ધરાવતા ૯૦ કર્મચારીઓને ચેક દ્વારા પગાર ચૂકવવામાં આવશે.

વસઈની ગુજરાતી વ્યક્તિ આઈસીયુમાં

વસઈ-ઈસ્ટમાં વસઈ-નાલાસોપારા લિન્ક રોડ પર રશ્મિ દિવ્યા બિલ્ડિંગ નંબર-૬માં રહેતાં અને પીએમસી બૅન્કની વસઈ-ઈસ્ટની શાખાના વર્ષો જૂના ૫૧ વર્ષના ગ્રાહક પંકજ થાથાગર બૅન્કમાં પહોંચ્યા બાદ ચિંતાના મારે અને ત્યાંનો માહોલ જોઈને તેમની તબિયત બૅન્કમાં જ લથડી ગઈ હતી. તેમને ત્યાંથી તાત્કાલિક ઈમરજન્સીમાં પાસે આવેલી લાઈફ કૅર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગઈ કાલ સુધી તેઓ આઈસીયુમાં જ સારવાર લઈ રહ્યા છે. લોહી-પાણી એક કરીને પૈસા જમા કર્યા બાદ બૅન્કની પરિસ્થિતિના કારણે અન્ય ગ્રાહકોની જેમ પંકજભાઈ પણ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે.

sion mumbai mumbai news reserve bank of india