મુંબઈ: 10.05 આ ટાઇમે બત્તી ગૂલ થતા મુંબઈને લાગી ગઈ બ્રેક

13 October, 2020 07:17 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: 10.05 આ ટાઇમે બત્તી ગૂલ થતા મુંબઈને લાગી ગઈ બ્રેક

આખરે અઢી કલાક બાદ મુંબઈ અને પરાંના અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ થઈ શક્યો હતો.

વીજળીની સપ્લાય ખોરવાઈ જતાં કાયમ ધમધમતા રહેતા મુંબઈને ગઈ કાલે અચાનક બ્રેક લાગી ગઈ હતી. ત્રણેક કલાક પાવરકટ થવાથી લોકલ ટ્રેનો થંભી જવાની સાથે મોબાઇલ અને ઇન્ટરનેટની કનેક્ટિવિટી ડચકાં લેવા માંડતાં મુંબઈગરાઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. અચાનક વીજળીની સપ્લાય કપાઈ જતાં અનેક લોકો લિફ્ટમાં ફસાઈ જવાની સાથે લોકલ ટ્રેનો બે સ્ટેશનોની વચ્ચે કલાકો સુધી ઊભી રહી જતાં ધસારાના સમયે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે બપોર બાદ વીજળીની સપ્લાય રિસ્ટોર થતાં ધીમે-ધીમે બધું રાબેતા મુજબ થઈ ગયું હતું, પણ મુંબઈને પાણી પૂરું પાડતી સપ્લાયને અસર થવાથી આજે કેટલાક વિસ્તારોમાં ઓછું પાણી આવવાની શક્યતા પાલિકાએ વ્યક્ત કરી હતી.

મુંબઈમાં બેસ્ટ, તાતા અને અદાણી તથા થાણે અને આસપાસના વિસ્તારમાં મહાવિતરણ કંપની દ્વારા વીજળીનું વિતરણ કરવામાં આવે છે. કલવા–પડઘાના મહા ટ્રાન્સ્કો (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ)ના સેન્ટ્રલ ગ્રિડના ૪૦૦ કેવીના જીઆઇએસ સેન્ટરમાં આ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી મુંબઈ તથા આસપાસના વિસ્તારમાં બ્લૅકઆઉટ સર્જાયો હતો.

સવારે ધસારાના સમયે અચાનક પાવરકટ થતાં લોકો એકબીજાને ફોન કરીને પૂછપરછ કરવા માંડ્યા હતા. જોકે એકસાથે મોટા પ્રમાણમાં મોબાઇલ ફોન ઍક્ટિવ થઈ જતાં કનેક્ટિવિટીમાં મુશ્કેલી થઈ હતી. એવી જ રીતે વીજળી બંધ થવાથી સર્વર બંધ થઈ જતાં ઇન્ટરનેટ પણ ડચકાં ખાવા માંડ્યું હતું. આને લીધે લોકો પરેશાન થઈ ગયા હતા.

એકસાથે આખા મુંબઈમાં પાવરકટ થવાથી મોટી સંખ્યામાં લોકો ઘરો અને ઑફિસોની બહાર આવી ગયા હતા. પંખા અને ઍર-કન્ડિશન વિના બેસવાનું મુશ્કેલ થવાની સાથે ગરમીથી પરેશાન થઈને આ લોકો કલાકો સુધી ઑફિસ કે ઘરની આસપાસના માર્ગ પર જોવા મળ્યા હતા.

કોરોનાના કારણે સ્કૂલો બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. અનેક ઘરોમાં બાળકો લૅપટૉપ પર, પીસી પર કે પછી મોબાઇલ પર ભણી રહ્યાં હતાં અને અચાનક ઇલેક્ટ્રિસિટી જતાં તેમને રજા મળી ગઈ હતી.

લિફ્ટમાં અટવાયા

લોઅર પરેલમાં એક કમર્શિયલ ટાવરમાં આવેલી પોતાની ઑફિસે જઈ રહેલા પત્રકારો અને બૅન્કના ચાર કર્મચારી લિફ્ટમાં ઉપરની તરફ જઈ રહ્યા હતા ત્યારે પાવરકટ થતાં લિફ્ટ અટકી ગઈ હતી. લિફ્ટમાં નેટવર્ક મળતું ન હોવાના કારણે ફોનથી પણ બહાર સંપર્ક થઈ શકે એમ નહોતો. આવી પરિસ્થિતિમાં એક બૅન્ક કર્મચારી બેબાકળો થઈ ગયો હતો અને બહુ જ ગભરાઈ ગયો હતો. લોકોએ તેને શાંત પાડ્યો હતો. આખરે જેમ તેમ કરી સહિયારા પ્રયાસ કરી તેઓ પાંચદસ મિનિટ પછી લિફ્ટનો દરવાજો ખોલી શક્યા હતા અને એ જ વખતે સિક્યૉરિટી ગાર્ડ તેમની મદદે દોડી આવતાં તેઓ સુરક્ષિતપણે લિફ્ટની બહાર આવી શક્યા હતા. મિડિયા કર્મીએ અંદરનો વિડિયો પણ બનાવ્યો હતો જે બહુ જ વાઇરલ થયો હતો. ત્યાર બાદ લિફ્ટને પાવર બૅકઅપ આપી ચાલુ કરાઈ હતી. આવી રીતે બહુમાળી મકાનોના રહેવાસીઓને લિફ્ટ બંધ થઈ જતાં હાડમારી ભોગવવી પડી હતી. અનેક લોકો લિફ્ટમાં અટવાઈ ગયા હતા. જે લોકો મકાનની બહાર હતા તેમણે ઉપરના માળે આવેલા ફ્લૅટ સુધી પહોંચવા દાદર ચડીને જવું પડ્યું હતું. યુવાનો હિંમત કરીને દાદર ચડી ગયા હતા, પરંતુ સિનિયર સિટિઝનોએ ગ્રાઉન્ડ ફ્લોરનાં ‍ઘરોમાં થોડો સમય આશરો લેવો પડ્યો હતો.

બૅન્કનાં ટ્રાન્ઝેક્શન અટક્યાં

અચાનક પાવરકટ થતાં બૅન્કોની વિવિધ સેવાઓ પર પણ અસર પહોંચી હતી. અનેક બૅન્કો હવે ઇલેક્ટ્રૉનિક્સ સિસ્ટમથી સંકળાયેલી હોવીથી એમનાં સર્વર ડાઉન થઈ ગયાં હતાં અને એટીએમ પણ જે ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલતાં હોય છે એ પણ બંધ થઈ જતાં લોકો પૈસા કઢાવી શકયા નહોતા અને તેમને હાડમારી ભોગવવી પડી હતી.

રેલવે પ્રવાસીઓ બેહાલ

સવારના ૧૦.૦૫ વાગ્યે થયેલા અચાનક પાવરકટના કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો જ્યાં હતી ત્યાં જ ઊભી રહી ગઈ હતી, જેના કારણે અનેક પ્રવાસીઓને હાડમારી ભોગવવી પડી હતી. એમાં પણ મહિલાઓની હાલક વધુ કફોડી થઈ હતી. આખા મુંબઈમાં પાવરકટના મેસેજિસ તરત જ મોબાઇલ ફોન પર અને વૉટ્સઍપ પર ફરી વળ્યા હતા એટલું જ નહીં, પાવર રીસ્ટોર થવામાં પણ ખાસો સમય લાગશે એ વાતના મેસેજિસ પણ વાઇરલ થતાં પુરુષ પ્રવાસીઓએ તો પાટા પર ઊતરી આગળના સ્ટેશન સુધી જવા પગપાળા પ્રવાસ ચાલુ કરી દીધો હતો. જ્યારે અનેક મોટી ઉંમરની મહિલાઓએ ટ્રેનમાં જ બેસી રહેવું પડ્યું હતું.

લાંબા અંતરની ટ્રેનોનાં શેડ્યુલ ખોરવાયાં

વેસ્ટર્ન રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોનું ટાઇમટેબલ પાવરકટના કારણે ખોરવાઈ ગયું હતું. વેસ્ટર્ન રેલવેમાં બાંદરા ટર્મિનસથી અમૃતસર જતી ક્લોન સ્પેશ્યલ ટ્રેન જે ૧૧.૧૫ વાગ્યે ઊપડવાની હતી એ એક વાગ્યે ઊપડી હતી. એ જ રીતે બાંદરા ટર્મિનસથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ જે બપોરે ૧૨ વાગ્યે ઊપડે છે, એ ૧.૧૫ વાગ્યે ઊપડી હતી. જ્યારે અમદાવાદ–મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસને બોરીવલીમાં જ ટર્મિનેટ કરી દેવાઈ હતી અને ત્યાંથી જ પાછી મુંબઈ-અમદાવાદના પ્રવાસ માટે ઉપાડાઈ હતી. જ્યારે બાંદરા-જોધપુર સૂર્યનગરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

મુખ્ય પ્રધાને સૂચનાઓ આપી

પાવરકટ થતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ઊર્જાપ્રધાન નીતિન રાઉતને ફોન કરી મુંબઈ અને મુંબઈ આસપાસના વિસ્તારમાં વહેલી ‍તકે વીજ પુરવઠો ચાલુ કરવા યુદ્ધના ધોરણે પ્રયાસ કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે હૉસ્પિટલોમાં વીજ સપ્લાય ચાલુ રહે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા (ડીઝલ જનરેટર) ચાલુ રાખવી જેથી મુશ્કેલી ન સર્જાય એમ પાલિકા કમિશનર ઇકબાલ સિંહને સૂચન કરતાં કહ્યું હતું. વીજ પુરવઠો ન હોય એથી એ દરમિયાન બીજી કોઈ હોનારત બને તો એને પહોંચી વળવા બીએમસી કન્ટ્રોલ રૂમ અને ફાયર-બ્રિગેડને પણ તૈયાર રહેવા તેમણે જણાવ્યું હતું.

પાવરકટ શું કામ થયો?

કલવા–પડઘાના મહાટ્રાન્સ્કો (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ)ના સેન્ટ્રલ ગ્રિડના 400 કેવીના જીઆઇએસ સેન્ટરમાં આ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એ વિશે માહિતી આપતાં રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું હતું કે ‘મહાટ્રાન્સ્કોના કલવા–પડઘાના 400 કેવીના જીઆઇએસ સેન્ટરમાં સર્કિટ -1નું મેઇન્ટેઇનન્સ ચાલી રહ્યું હતું. એથી એ વખતે બધી જ સપ્લાય સર્કિટ-2માંથી થઈ રહી હોવાથી એના પર લોડ હતો. એ વખતે સર્કિટ-2માં અચાનક ટેક્નિકલ ફૉલ્ટ આવતાં મુંબઈ અને થાણેનો મોટા ભાગના વિસ્તારને એની અસર થઈ હતી. મુંબઈને ઇલેક્ટ્રિસિટી સપ્લાય પૂરી પાડનારી કલવા, પડઘા અને ખારઘર લાઇનના ટ્રાન્સફૉર્મરમાં એના કારણે મલ્ટિપલ ટ્રિપિંગ થયું હતું. મુંબઈ અને ઉપનગરોનો મળી અંદાજે ૨૨૦૦ મેગા વૉટનો વીજ પુરવઠો એથી અટકી ગયો. ઉરણ વાઈ વિદ્યુત કેન્દ્રનાં બધાં જ ટ્રાન્સફૉર્મર્સ એસી (ઑલ્ટરનેટ કરન્ટ) ફેલ્યરને કારણે ટ્રિપ થયાં. ખારઘર-તળોજા લાઇન ટ્રિપ થઈ હતી. ઇલેક્ટ્રિસિટી સપ્લાય ફરી પૂર્વવત કરવા કંપનીના ઑફિસરો અને એન્જિનિયરોએ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી હતી.’

આખરે અઢી કલાક બાદ મુંબઈ અને પરાંના અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ થઈ શક્યો હતો.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport coronavirus covid19 lockdown thane navi mumbai