પહેલા જ દિવસે ટ્રાફિક જૅમ આઉટ ઑફ કન્ટ્રોલ

15 May, 2022 10:03 AM IST  |  Mumbai | Rohit Parikh

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પવઈ-કાંજુરમાર્ગ ફ્લાયઓવર રિપેરિંગ માટે ૧૨ દિવસ બંધ કરવામાં આવતાં એક્સપ્રેસ હાઇવે અને એલબીએસ માર્ગ પરથી ઘાટકોપરથી થાણે પહોંચતાં શનિવારે ૩૦ મિનિટને બદલે લોકોને વાહનમાં બે કલાક લાગ્યા

ગઈ કાલે સાંજના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આર-સિટી મૉલથી શ્રેયસ સિગ્નલ સુધી ટ્રાફિક જૅમ

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતા પવઈ પાસેના ગાંધીનગર ફ્લાયઓવર પર રિપેરિંગ શરૂ થવાથી આ ફ્લાયઓવરને ૧૩થી ૨૪ મે સુધી બાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. એને પરિણામે ગઈ કાલે શનિવાર હોવા છતાં ઘાટકોપરથી મુલુંડ સુધીના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર વહેલી સવારથી જ ટ્રાફિક જૅમ હતો. એને પરિણામે ઘાટકોપરથી મુલુંડ-થાણે જતા અનેક લોકો કલાકો સુધી પરેશાન થઈને તેમના કામધંધે પહોંચ્યા હતા. આ રોડ પરથી રોજ અવરજવર કરતા લોકો અત્યારથી સોમવારથી વીક-ડેઝમાં ટ્રાફિક જૅમ કેટલો ગંદો હશે એ વાતથી ચિતિંત છે.

મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે સવારથી જ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો એમ જણાવીને ઘાટકોપરથી રોજ થાણે મૉલમાં આવેલી તેમની સ્ટૉક એક્સચેન્જની ઑફિસે જતા ભરત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ઑફિસના બધા જ સ્ટાફને જાણ હતી કે ઈસ્ટર્ન એક્સપ્રેસ પર પવઈ-કાંજુરમાર્ગ ફ્લાયઓવર કામ માટે ૧૨ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. એટલે બધા લોકો તેમના ઘરેથી વહેલા નીકળ્યા હતા. જોકે એક બાજુ ફ્લાયઓવરનું કામ અને બીજી બાજુ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી થાણે તરફ જવા દેવા માટેનું નીચેનું સિગ્નલ માત્ર ૨૦ સેકન્ડ જ ખૂલતું હોવાથી વિક્રોલીના ગોદરેજથી ભાંડુપ સુધી ટ્રાફિક જૅમ હતો.’

નવાઈની વાત તો એ છે કે ફ્લાયઓવરના કામની સૌને ખબર હોવા છતાં ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે ટ્રાફિક-પોલીસ હાજર નહોતી એમ જણાવીને ભરત ગાલાએ કહ્યું હતું કે ‘થાણે જતી વખતે ગોદરેજથી ભાંડુપ ટ્રાફિક જૅમ હતો અને સાંજના આવતી વખતે ગોદરેજની સામેનો રોડ થાણેથી મુલુંડ સુધી જૅમ હતો. જે રોડ પરથી સામાન્ય દિવસોમાં ઘાટકોપરથી થાણે પહોંચતાં વાહનમાં ૩૦ મિનિટ થાય છે એ જ રોડ પર ગઈ કાલે ઘાટકોપરથી થાણે પહોંચતાં મને દોઢ કલાક લાગ્યો હતો. મારી સાથેનો સ્ટાફ તો બે કલાકથી વધુ સમયે ઑફિસમાં પહોંચ્યો હતો.’
ગઈ કાલે તો ભાંડુપ અને વિક્રોલી વચ્ચે જ ટ્રાફિક જૅમ હતો, પરંતુ સોમવારના ટ્રાફિક-જૅમની કલ્પના કરીને અત્યારથી ધ્રાસકો પડી ગયો છે એમ જણાવતાં ભરત ગાલાએ કહ્યું હતું કે ‘સોમવારે ઘાટકોપર તરફ વાહનોની કતારો છેક અમરમહલ સિગ્નલથી પણ લાંબી લાગે તો નવાઈ નહીં. સાંજના આવતી વખત આજ કતારો થાણે ટોલનાકા સુધી પહોંચશે. એમાં ટોલનાકા પાસે પણ રોડના કામ માટે રોડ ખોદી નાખ્યો છે એટલે સોમવાર પછીની ટ્રાફિકની કલ્પના કરવી જ અતિશય મુશ્કેલ છે.’

મારી ઑફિસનો સ્ટાફ સામાન્ય દિવસોમાં ઓલા/ઉબરમાં આવે તો ૨૦થી ૩૦ કિલોમીટરના અંતરના પહેલાં ૩૫૦ રૂપિયા થતા હતા એમ જણાવીને ભરત ગાલાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે આ જ રૂટ પર વગર ટ્રાફિકે પણ ટૅક્સીના ૭૦૦ રૂપિયા થયા હતા. કદાચ સોમવારના ટ્રાફિકમાં ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડે તો નવાઈ નહીં.’

mumbai mumbai news powai kanjurmarg rohit parikh