લૉકડાઉનની સામે હવે લોકરોષ થશે અનલૉક?

11 April, 2021 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ દિવસના લૉકડાઉનની શક્યતા: આજે ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાશે નિર્ણય: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષી બેઠકમાં કોરોનાની સ્થિતિ બાબતે ચર્ચા કર્યા બાદ લૉકડાઉન કરવા સિવાય વિકલ્પ ન હોવાનું કહ્યું

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આડશો મૂકીને લૉકડાઉનનું પાલન કરાવી રહેલા પોલીસો (તસવીર: સતેજ શિંદે)

મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૧૫ દિવસનું લૉકડાઉન લાગવાની શક્યતા છે. આવા સંકેત ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યા હતા, પણ આ જ મીટિંગમાં લોકોની નાડ પારખતા વિપક્ષી નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડ‍ણવીસે એવી ગર્ભિત ચેતવણી આપી છે કે ‘જો ફરી આવું લૉકડાઉન જાહેર કરાશે તો લોકરોષ ફાટી નીકળવાની શક્યતાને સાવ નકારી ન શકાય. સરકાર જો લૉકડાઉન લાગુ કરશે તો લોકોનો ગુસ્સો ફૂટી નીકળશે કે તેઓ સંયમ પાળશે એ તો આવનારો સમય જ કહેશે. માર્ચ મહિનાની શરૂઆતથી આમ પણ કામધંધા નથી અને એમાં જો સંપૂર્ણ લૉકડાઉન થશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે એ કહેવું મુશ્કેલ છે.’

કડક પ્રતિબંધ અને થોડી છૂટ આપવાથી કોરોનાની ચેઇન તોડવાનું શક્ય નથી એટલે આજે ટાસ્ફ ફોર્સની બેઠક બોલાવીને એમાં લૉકડાઉનનો નિર્ણય જાહેર કરવામાં આવશે એમ ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે ૩ કલાક મૅરથૉન ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું. ‘આ સમયે મહા વિકાસ આઘાડી સરકાર શું નિયોજન કરી રહી છે એ લોકોને જણાવો, વિરોધ પક્ષ સંપૂર્ણ સહયોગ કરશે. મુખ્ય પ્રધાને નિર્ણય લેવો જોઈએ’ એમ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

ત્રણેક કલાક સુધી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે ઑનલાઇન બેઠક યોજી હતી. કોરોનાને રોકવા માટે કડક પ્રતિબંધ મૂકવા કે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવું એ બાબતે આ સમયે ચર્ચા થઈ હતી. કોરોનાની સાઇકલ તોડવા, નિષ્ણાતોના મતે, ૧૪ દિવસ લૉકડાઉન થશે તો જ ફાયદો થશે.

કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણે કહ્યું કે ‘રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે. એટલે એના પર ગંભીરતાથી વિચારવું જોઈએ. કોરોનાની સાઇકલ તોડવા માટે કઠોર નિર્ણય લેવા પડશે. લૉકડાઉનને લીધે અનેક લોકોને ફટકો પડવાની શક્યતા છે, એથી આ નિર્ણય લેતાં પહેલાં વિચાર કરવો જોઈશે. ગયા વર્ષે કેન્દ્ર સરકારની માફક અચાનક બધું બંધ કરી દેવાથી લોકોએ ભારે હાડમારી વેઠવી પડી હતી.’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘સરકાર સામે લોકોમાં ભારે ગુસ્સો છે એથી સરકારે લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈશે. કેટલાક લોકો એવો મત ધરાવે છે કે અમે મરીએ તો ચાલશે પણ અમને ધંધો કરવા દો. આપણે આવા લોકો વિશે વિચારવું પડશે. બધાને તમામ ટૅક્સ અને લોનના હપ્તા ભરવા જ પડે છે એવી સ્થિતિમાં કેવી રીતે ઘર ચલાવવું એ સૌથી મોટો સવાલ સામાન્ય લોકોને સતાવી રહ્યો છે.’

coronavirus covid19 lockdown mumbai mumbai news