પૉલિટિક્સ જીત્યું ને રિફૉર્મ્સ હાર્યાં

08 December, 2021 08:49 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

ખેતી સાથે જોડાયેલા લોકોના મતે ખેડૂતોને પગભર કરવા માટે કેટલાક જૂના કાયદા કે નિયમ બદલવાની જરૂર છે, સરકારે કાયદા પાછા ખેંચી લેવાથી દેશને મોટું નુકસાન થયું છે

પ્રતીકાત્મક તસવીર

ખેતીને રિફૉર્મ કરવા માટે ગયા વર્ષે ખેડૂતો સંબંધી ત્રણ કાયદા સંસદમાં મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે અમુક ખેડૂતોએ આ કાયદા કાળા હોવાનું કહીને એક વર્ષ સુધી એનો સતત વિરોધ કરવાથી ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદા પાછા લેવાના જાહેરાત કરી હતી. આ કાયદા અમલમાં આવ્યા હોત તો ખેતી અને ખેડૂતોને શું ફરક પડત અને હવે એ પાછા ખેંચી લેવાથી હવે શું એ વિશે ખેતી સાથે જોડાયેલા લોકો શું કહે છે એ જાણીએ.
ઉમરગામમાં ફાર્મ ધરાવવાની સાથે કુદરતી અને ઑર્ગેનિક ખેતી સાથે લાંબા સમયથી સંકળાયેલા અને મુંબઈમાં રહેતા એગ્રીકલ્ચરલ ઍક્સપર્ટ અશોક સંઘવીએ કહ્યું હતું કે ‘સરકારોએ ખેડૂતોને ભિખારી બનાવી દીધા છે. અંગ્રેજોએ ૨૦૦ વર્ષ ભારત પર રાજ કરવા છતાં ખેતીને જેટલું નુકસાન નહોતું પહોંચાડ્યું એનાથી વધુ હાનિ સ્વતંત્રતા બાદ ખેતી અને ખેડૂતોને થયું છે. વર્ષો જૂના કેટલાક કાયદા અને નિયમોમાં ફેરફાર કરવાની તાતી જરૂર છે. કેન્દ્ર સરકારે આ માટેના પ્રયાસ કર્યા પણ છે. જોકે આ પ્રયત્નો અધૂરા છે. ગ્રાઉન્ડ લેવલ પર ખેતી માટેના સુધારા થવા જોઈએ એ દર વર્ષે કરોડો-અબજોના બજેટ બાદ પણ નથી થઈ રહ્યા. આજના જમાના અને ડિમાન્ડ સાથે ખેતીનો તાલમેલ નહીં બેસાડાય તો દર વર્ષે હજારો ખેડૂતો આત્મહત્યા કરતા જ રહેશે. ખેડૂત એક દાણામાંથી હજાર દાણા પેદા કરે છે, પરંતુ તેને યોગ્ય માર્કેટ કે વળતર નથી મળતું એટલે અમુક કાયદા કે નિયમમાં ફેરફાર કરાશે તો જ તે ટકી શકશે. મને લાગે છે કે ખેડૂતો પોતાના ગામમાં જ વેપારીઓ કે કંપનીની જેમ પ્રોડક્ટને પ્રોસેસ કરી શકે એવી વ્યવસ્થા થાય તો જ તેમને યોગ્ય વળતર મળશે. કમનસીબે કેટલાક ખેડૂતોએ રિફૉર્મનો વિરોધ કરીને ખેડૂતોના પગ પર કુહાડી મારી છે.’
દેશમાં કંઈક બદલાવ લાવવાના ઇરાદાથી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા અને આમ આદમી પાર્ટી બન્યા બાદ રાજકીય પ્રવૃત્તિથી અલગ થઈને ખેડૂતો માટે કામ કરી રહેલા મયંક ગાંધીએ કહ્યું હતું કે ‘રિફૉર્મ માટે મોદીજીએ જે પગલાં ઉપાડ્યાં હતાં એ બરાબર હતાં. આજના સમયની ડિમાન્ડ પ્રમાણે ખેડૂતોને માર્કેટ સાથે જોડવાની સખત જરૂર છે. ખેતપેદાશનું યોગ્ય વળતર ન મળવાને કારણે દર વર્ષે હજારો ખેડૂત આત્મહત્યા કરે છે. આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે રિફૉર્મ અત્યંત જરૂરી છે. ૧૯૯૧માં લિબરલાઇઝેશન થયું હતું એને લીધે દેશમાં બદલાવ આવ્યો હતો એનાં પરિણામો આપણી સામે છે. ખેતીને લગતા કાયદામાં ફેરફાર કરવાના કે રિફૉર્મ્સ ખેતીમાં ખેડૂતો માટે નવાં દ્વાર ખોલનારા હતા. કાયદા કે નિયમમાં ફેરફાર કરવાથી ખેડૂતો આખા દેશમાં તેમનો માલ વેચીને સારું વળતર મેળવી શકત. વિરોધ યોગ્ય નથી. વિરોધ પણ એવો થઈ રહ્યો છે કે કાં તો અમારી વાત સાંભળો અથવા રિફૉર્મ્સ પાછાં ખેંચી લો. સરકારે એક વર્ષ સુધી વિરોધને ગણકાર્યો નહોતો, પણ મજબૂરીથી કાયદા પાછા લેવાનો નિર્ણય લેવો પડ્યો છે. પૉલિટિક્સ જીતી ગયું અને રિફૉર્મ હારી ગયું. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો સિવાય દેશભરના ૯૦ ટકા ખેડૂતો રિફૉર્મથી ઘણા ખુશ હતા. આ દેશ માટે બહુ મોટો આઘાત છે. બીજું, કોઈ આવી રીતે બ્લૅકમેઇલ કરીને એક વર્ષ સુધી સરકારને બાનમાં રાખે એ આપણી કમનસીબી છે. સંસદમાં મંજૂરી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પણ ત્રણ કાયદા બાબતે કંઈ ખરાબ ન હોવાનું જાહેર કર્યા બાદ લોકશાહી માટે આવો વિરોધ કેટલો યોગ્ય છે એ એક સવાલ છે.’

Mumbai mumbai news bakulesh trivedi indian politics