આ ગુજરાતીની નફરત ધિંગાણું કરાવી જ દેત

11 May, 2022 07:42 AM IST  |  Mumbai | Mehul Jethva

માથાફરેલ સિવિલ એન્જિનિયરે બૅનરો પ્રત્યે નફરત હોવાથી પાંચ બૅનર ફાડી નાખતાં રાજકીય વાતાવરણ ગરમાયું

આરોપી નીલેશ રાઠોડ.


મુંબઈ  : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વાતાવરણ ભારે ગરમ થયું છે. એમાં ગયા અઠવાડિયે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદો સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહેતાં પોલીસોની રજા કૅન્સલ કરવામાં આવી હતી. એવામાં મુલુંડમાં પાંચ જગ્યાએ લાગેલાં શિવસેનાનાં પાંચ બૅનર ફાટ્યાં હોવાની માહિતી શિવસૈનિકોને મળતાં તેઓ પોલીસ-ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમની ફરિયાદ નોંધીને પોલીસે બૅનર ફાડનાર ગુજરાતી આરોપીની થાણે વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપીને બૅનરોથી નફરત હતી એટલે તે બૅનરો ફાડતો હોવાની માહિતી પોલીસે આપી હતી.
એક તરફ રાણા દંપતી તો બીજી તરફ રાજ ઠાકરેએ મસ્જિદો સામે કરેલી હાકલને પગલે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું. આ તમામ સ્થિતિને નૉર્મલ કરવા માટે પોલીસે અનેક કાર્યકરોની ધરપકડ પણ કરી હતી. એ દરમ્યાન ગયા અઠવાડિયે મુલુંડના પાંચ રસ્તા, એલબીએસ રોડ, કદમપાડા વિસ્તારમાં શિવસૈનિકો દ્વારા બીજેપી સામે વિરોધ કરતાં બૅનરો લગાડવામાં આવ્યાં હતાં. માત્ર એક રાતમાં પાંચ ફાટેલાં બૅનરો શિવસૈનિકોને મળી આવ્યાં હતાં. બૅનર ફાટવાની વાત વાયુવેગે મુલુંડમાં પ્રસરી ગઈ હતી. એ પછી શિવસૈનિકો ફરિયાદ કરવા મુલુંડ પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે કલમ ૧૫૯ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ કરી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધ્યા બાદ અમે પહેલાં તો અમારા ગુપ્ત બાતમીદારો દ્વારા બીજેપીના કાર્યકરોએ તો આવું કાર્ય નથી કર્યુંને એની શોધમાં લાગ્યા હતા. એ પછી જે વિસ્તારમાં બૅનરો ફાટ્યાં હતાં એ વિસ્તારનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં અમને એક માણસ આ બધા વિસ્તારમાં બૅનર ફાડતો દેખાયો હતો. એ પછી એની વધુ માહિતી કાઢીને આરોપી નીલેશ રાઠોડની અમે ધરપકડ કરી હતી. આરોપી સિવિલ એન્જિનિયર છે. આરોપીને બૅનર લાગેલાં ગમતાં નહોતાં એટલે તે આવાં કામો કરતો હોવાની માહિતી અમને મળી હતી.’

mumbai news mumbai mulund