✕

વરલી-કોલીવાડાના દરિયામાં આત્મહત્યા કરવા ગયેલા યુવકને પોલીસે બચાવી લીધો

03 November, 2026 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવની પરવા કર્યા વગર દરિયાના તોફાની અને ઊંડા પાણીમાં છલાંગ લગાવીને સુરક્ષિત બહાર કાઢ્યો

વરલી-કોલીવાડા નજીકથી બચાવવામાં આવેલા યુવકને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.

વરલી-કોલીવાડા વિસ્તારમાં કૌટુંબિક અને અંગત મુશ્કેલીઓથી કંટાળીને જીવન ટૂંકાવવા માટે રવિવારે મોડી રાત્રે દરિયામાં કૂદી પડેલા એક યુવકનો આબાદ બચાવ થયો છે. વરલી-કોલીવાડામાં રહેતા એક યુવકને તેના પરિવારમાં કોઈ ગંભીર તકલીફ હોવાને કારણે તીવ્ર માનસિક તનાવ હતો, જેના પગલે તેણે આ પગલું ભરીને આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું અને તે દરિયાના પાણીમાં ઊતરી ગયો હતો. જોકે મુંબઈ પોલીસના કન્ટ્રોલ-રૂમને આની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આ સાહસિક બચાવ-કામગીરી પાર પાડવામાં આવી હતી.

દાદર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાળકૃષ્ણ ઘાડીગાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે ૧૨.૨૬ વાગ્યે વરલી-કોલીવાડા પરિસરમાંથી એક વ્યક્તિએ આત્મહત્યાના હેતુથી સમુદ્રમાં પ્રવેશ કર્યો હોવાનો કૉલ કન્ટ્રોલ-રૂમને મળ્યો હતો. આ કૉલ મળતાં જ અમારા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર (PSI) અમોલ વ્હાવળ અને બીટ માર્શલ જ્યોતિબા પવાર ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વરલી-કોલીવાડાના કિનારે પહોંચીને તપાસ કરતાં એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહી હોવાનું નજરે પડ્યું હતું. યુવકના જીવ પર તોળાઈ રહેલા ગંભીર જોખમને પારખીને બન્ને પોલીસોએ પોતાના જીવની પરવા કર્યા વગર દરિયાના તોફાની અને ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી અને ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પાણીમાંથી બહાર કાઢ્યા પછી પોલીસે તરત જ તે યુવકની પ્રાથમિક પૂછપરછ કરીને તેની ઓળખ મેળવી હતી અને ઘટના વિશે જરૂરી માહિતી એકઠી કરી હતી. આ સાથે જ તેની મેડિકલ અને પ્રકૃતિની સ્થિતિની તપાસ કરી હતી.’

mumbai news mumbai worli suicide mumbai police