મોબાઇલમાં ગેમ રમવાની ના પાડી: પોલીસના પુત્રએ આત્મહત્યા કરી

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મોબાઇલમાં ગેમ રમવાની ના પાડી: પોલીસના પુત્રએ આત્મહત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ નજીકના ઘોલવડ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના ૨૦ વર્ષના પુત્રે ઘરની અગાસી પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પિતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતાં પુત્રે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. પોલીસ પિતાએ યુવકને મોબાઇલમાં ગેમને બદલે અભ્યાસ કરવાનું કહીને ઠપકો આપ્યો હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા મુજબ બોરડીના સિદ્ધિવિનાયક અપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા પ્રજવલ નામનો યુવક જમી રહ્યો હતો ત્યારે તેને પિતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં જ્યારે પરિવારમાં બધા સૂઈ ગયા હતા ત્યારે પ્રજવલ ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી તેણે કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. ગઈ કાલે સવારે પાડોશીઓએ તેના પરિવારને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રજવલને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક યુવકના પિતાએ પોલીસમાં આપેલા નિવેદન મુજબ બુધવારે સાંજે તેમણે પુત્રને મોબાઇલમાં ગેમ રમવાની આદત માટે ઠપકો આપ્યો હતો. કદાચ આને લીધે તેણે આવું પગલું ભર્યું હોય એમ લાગે છે. અત્યારે ઘોલવડ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે અને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી છે. તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પીડિત મોટો દીકરો હતો અને તેની બે નાની બહેનો છે.

mumbai mumbai news suicide maharashtra