પોલીસ ઑફિસર જ બન્યા સાઇબર છેતરપિંડીનો ભોગ

24 January, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે રેલવે પોલીસના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરે ક્રેડિટ કાર્ડ ઍક્ટિવ કરવા જતાં ૨,૩૩,૦૦૦ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ક્રાઇમનો શિકાર થતા લોકોને બચાવનાર પોલીસ-અધિકારીઓ જ હવે આવી છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા હોવાની ઘટના સામે આવી છે. કલ્યાણ-વેસ્ટમાં રહેતા અને થાણે રેલવે પોલીસના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શેડગે તેમની બૅન્કમાંથી આવેલું ક્રેડિટ કાર્ડ ઍક્ટિવ કરવા ગયા એ વખતે તેમની સાથે ૨,૩૩,૦૦૦ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એની ફરિયાદ તેમણે ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. થાણે રેલવે પોલીસના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શેડગેને ગયા મહિને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું ક્રેડિટ કાર્ડ મળ્યું હતું. એ ક્રેડિટ કાર્ડને ઍક્ટિવ કરવા માટે તેઓ કસ્ટમર કૅરને ફોન કરતા હતા ત્યારે સાઇબર ગઠિયાએ જોઈતી માહિતી લઈને તેમના ક્રેડિટ કાર્ડમાંથી ઓટીપી ન મોકલતાં ૨,૩૩,૦૦૦ રૂપિયા ચાર ટ્રાન્ઝૅક્શનમાં ઉપાડી લીધા હતા. થોડી વાર પછી વિજય શેડગેને પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાની માહિતી મળતાં તેમણે ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખડકપાડા પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આઇટી ઍક્ટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં તેમણે ઓટીપી આપ્યો હતો કે નહીં એની માહિતી અમને હજી સુધી મળી નથી. વધુ તપાસ ચાલુ છે.’ 

mumbai mumbai news cyber crime Crime News mumbai crime news thane thane crime