દેરાસરમાંથી ચોરાયેલો તાંબાનો પચાસ કિલોનો ઘંટ ભંગારમાં વેચવામાં આવે એ પહેલાં પોલીસે આરોપીને પકડી લીધો

23 May, 2023 08:53 AM IST  |  Mumbai | Mehul Jethva

મીરા રોડના દેરાસરના ટ્રસ્ટીઓએ ઘંટનો કબજો મળ્યા પછી એના પર ૧૮ અભિષેક કર્યા બાદ ફરીથી મંદિરમાં લગાડવાનો નિર્ણય લીધો

દેરાસરમાંથી ચોરાયેલો ઘંટ અને એને ચોરનાર આરોપી આવેશ અહમદ ખાન

મીરા રોડના એક જૈન દેરાસરમાં રાતે અંધારાનો લાગ ઉપાડી ચોરોએ મંદિરમાં લગાડેલો તાંબાનો ૫૦ કિલો વજનનો ઘંટ ચોર્યો હતો. ત્યાર બાદ નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ યુનિટે તપાસ હાથ ધરી એક આરોપીની ધરપકડ કરી હતી, જેણે મંદિરમાંથી ચોરાયેલો ઘંટ ભંગારમાં વેચવા માટે ચોર્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે આરોપી પાસેથી તમામ માલમતા રિકવર કરી છે. ચોરાયેલો ઘંટ મળ્યાના સમાચાર મળ્યા બાદ દેરાસરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે ઘંટનો કબજો મળ્યા બાદ એના પર ૧૮ અભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ એને મંદિરમાં દાદા પાસે રાખવામાં આવશે.

મીરા રોડ-ઈસ્ટમાં ભાવલ​બ્ધિ પૂનમ વિહાર શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિરમાં ૨૦૧૬માં લગાડવામાં આવેલો ૫૦ કિલોનો તાંબાનો ઘંટ ૧૭ મેએ વહેલી સવારે અજાણ્યા લોકો ચોરી કરી ગયા હતા. ટ્રસ્ટી ફાલ્ગુની શાહે નયાનગર પોલીસ સ્ટેશનમાં ૬ કલાક બેસીને ઘંટ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. તેમણે આસપાસના વિસ્તારોમાં લોકલ ચોરોની ગૅન્ગની પણ માહિતી કઢાવી હતી. દરમ્યાન વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ને માહિતી મળી હતી કે મંદિરમાંથી ચોરાયેલો ઘંટ ભંગારમાં વેચવા માટે આરોપી આવવાનો છે. એ માહિતીના આધારે પોલીસે આવેશ અહમદ ખાનની ધરપકડ કરીને તેની પાસેથી મંદિરમાંથી ચોરાયેલો ઘંટ કબજે કર્યો હતો.

વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર અવિરાજ કુરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરમાં લાગેલા સીસીટીવી કૅમેરાની સાથે ટે​ક્નિકલ તપાસ અને અમારાં ગુપ્ત સૂત્રોની મદદથી અમે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ઘંટ મંદિરમાંથી ચોર્યો હોવાની કબૂલાત કરી છે. આરોપી પાસેથી તમામ માલમતા કબજે કરી વધુ તપાસ માટે તેને નયાનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.’

દેરાસરનાં ટ્રસ્ટી ફાલ્ગુની શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘંટ ચોરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે એની માહિતી અમારા સુધી પહોંચી છે. જોકે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર રીતે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. મંદિરમાં દાદા પાસે ઘંટ રાખતાં પહેલાં અમે એના પર ૧૮ અભિષેક કરાવીને એને પાછો મંદિરમાં રાખીશું.

mumbai mumbai news Crime News mumbai crime news mira road mumbai police jain community mehul jethva