બાબુજી, ધીરે ચલાના...

15 June, 2022 08:30 AM IST  |  Mumbai | Diwakar Sharma

પાંચ મહિનામાં ૯૮ લોકોનાં મરણ બાદ પોલીસે મુંબઈ-અમદાવાદ હાઇવે વચ્ચે આવતા અકસ્માત માટે જોખમી ગણાતાં ૧૧ સ્પૉટને ઓળખીને ત્યાં ખાસ કરીને વરસાદમાં લોકોને સાવચેત રહેવા કહ્યું

મોટા ભાગના અકસ્માત સાંજે ૬થી રાતે ૧૦ તેમ જ રાતે ૧૨થી સવારે ૪ વાગ્યા દરમ્યાન થાય છે.   હનીફ પટેલ


મુંબઈ : મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસ કમિશનરેટની વસઈ અને વિરાર ટ્રાફિક કન્ટ્રોલ બ્રાન્ચે વર્સોવા બ્રિજથી પાલઘર જિલ્લામાં આવેલાં વાઘોબા ખિંડ વચ્ચેનાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલાં ૧૧ ખતરનાક સ્પૉટની ઓળખ કરી છે જ્યાં છેલ્લા પાંચ મહિનામાં ઘણા જીવલેણ રોડ-અકસ્માત થયા છે. લોકોને આવા ખતરનાક સાબિત થયેલા સ્થળ અંગે ચેતવણી આપવા વસઈ અને 
વિરાર ટ્રાફિક કન્ટ્રોલ બ્રાન્ચ દ્વારા સંદેશાઓ ધરાવતાં સાઇનબોર્ડ પણ લગાવાયાં છે. આ ઉપરાંત લોકોને પણ સાવચેત રહેવાની સલાહ આપી છે, કારણ કે પહેલા વરસાદ બાદ રોડ પણ લપસણો બન્યો છે. 
પોલીસ કેમ થઈ સક્રિય?
વિરાર ટ્રાફિક કન્ટ્રોલ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર દાદારામ કરંડેએ કહ્યું હતું કે ‘જાન્યુઆરીથી મે મહિનામાં ૯૮ લોકોનાં અકસ્માતમાં મોત નીપજ્યાં છે જે પૈકીના મોટા ભાગના અકસ્માત અમદાવાદ-મુંબઈ હાઇવે પર થયાં છે. વર્સોવા બ્રિજ પાર કર્યા બાદ વાહનચાલકો પોતાના વાહનની ઝડપ વધારે છે. પોલીસે હત્યા કરતાં પણ વધુ જીવલેણ અકસ્માતના કેસનો સામનો કરવો પડે છે. એમબીવીવીના ડેટા મુજબ પાંચ મહિનામાં હત્યામાં ૨૧ તો અકસ્માતમાં ૯૮ લોકો મરણ પામ્યા હતા. હત્યા કરતાં પણ જીવલેણ અકસ્માતમાં મરણ પામનારાઓની સંખ્યા વધુ હોવા છતાં લોકો સુધરતા નથી. 

સ્થાનિકો જાગૃત, બહારના બેફિકર
દાદારામ કરંડેએ વધુમાં કહ્યું હતું કે ‘મરનારામાં મોટા ભાગના લોકો મુંબઈના છે, કારણ કે સ્થાનિક રહેવાસીઓને ભયજનક વળાંકો તેમ જ અકસ્માત વધુ થતા હોય એવા વિસ્તારોની ખબર છે, પરંતુ મુંબઈ અને થાણેથી આવતા લોકો આ વાતથી અજાણ હોય છે. રસ્તો ખાલી જોઈને તેઓ વાહનને પૂરપાટ દોડાવે છે.’ 
મોટા ભાગના અકસ્માત સાંજે ૬થી રાતના ૧૦  તેમ જ રાતે ૧૨થી સવારે ૪ વાગ્યા દરમ્યાન થાય છે. દાદારામ કરંડેએ વધુમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા પાંચ મહિના દરમ્યાન હાઇવે ક્રૉસ કરવા જતાં ૧૦ રાહદારીનાં પણ મોત થયાં છે. તેથી રાહદારીઓએ હાઇવે ક્રૉસ કરવા માટે અન્ડરપાસનો જ ઉપયોગ કરવો જોઈએ.’
હાઇવે પર થતા અકસ્માતનું વધુ એક કારણ આપતાં દાદારામ કરંડેએ કહ્યું હતું કે ‘ભારે વાહનો ચલાવતા ડ્રાઇવરોને વહેલી સવારે ઘણી વખત ઝોકું આવી જતું હોય છે. અમે આ વાત પર પણ નજર રાખીશું. જો તેઓ ઊંઘમાં હોય એવું ખબર પડે તો તેમને લોકોના જીવને જોખમમાં નાખવાને બદલે સૂઈ જવા માટે કહીશું.’  

mumbai police mumbai news