19 November, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેરાસરની સામે આવેલું અન્ડર કન્સ્ટ્રક્શન મકાન. એના અગિયારમા માળેથી પોતાના માથા પર પડેલું હથોડાનું પાનું બતાવી રહેલાં ડૉ. અક્ષા ઠોલિયા. તસવીરો: સતેજ શિંદે
હથોડાનું પાનું ડૉ. અક્ષા ઠોલિયાને માથા પર વાગ્યું હતું, પણ જવાબદાર સામે કોઈ પગલાં ભરવામાં નહોતાં આવ્યાં
સાંતાક્રુઝમાં રહેતાં ડેન્ટિસ્ટ ડૉ. અક્ષા ઠોલિયા ૯ નવેમ્બરે તેમની ફ્રેન્ડ સાથે ખારના ૧૫મા રોડ પર આવેલા દેરાસરમાં ગયાં હતાં ત્યારે સામેના અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાંથી ફંગાળાયેલું હથોડાનું પાનું તેમના માથા પર પડ્યું હતું. તેમને માથા પર જોરદાર ઘા લાગ્યો હતો અને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા પડ્યાં હતાં. તેમને માથા પર ટાંકા પણ લેવા પડ્યા હતા. સદ્ભાગ્યે માથામાં ગંભીર ઈજા થઈ નહોતી. આ બાબતે તેમના પિતા આલોક ઠોલિયાએ ખાર પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. તેમનું કહેવું હતું કે આ બેદરકારી ગણાવી જોઈએ અને જવાબદાર સામે કડક પગલાં લેવાવાં જોઈએ, પણ ખાર પોલીસ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નહોતી નોંધી રહી. ‘મિડ-ડે’માં આ બાબતે છપાયેલા રિપોર્ટ બાદ આખરે ખાર પોલીસે હવે એ સંદર્ભે અજાણ્યા માણસ સામે ગુનો નોંધીને એ કેસમાં તપાસ ચાલુ કરી છે.
આ બાબતે આલોક ઠોલિયાએ કહ્યું હતું કે ‘અમે આભારી છીએ કે પોલીસે આખરે અજાણ્યા માણસ સામે FIR નોંધ્યો છે. આ ઘટના માટે જે પણ આરોપી હોય તેની ધરપકડ થવી જોઈએ.’ આ બાબતે ખાર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘આ ઘટના માટે જવાબદાર માણસને અમે આઇડેન્ટિફાઈ કરી રહ્યા છીએ.’